<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

રાજકોટમાં ગેરકાયદે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો પકડાયો: SOG અને કુવાડવા રોડ પોલીસનો દરોડો

પીઆઇ એન.બી. ચૌધરી, પીઆઇ એ.એન. જોષી અને ટીમોનો જયદીપસિંહ, ઉપેન્દ્રસિંહ અને યશપાલસિંહની બાતમીથી રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં દરોડો: ૩.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

​રાજકોટ: શહેર વિસ્તારમાં ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સંગ્રહ કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર  બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર  ભરત બી. બસીયાની સૂચના હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવની રાહબરી હેઠળ, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર  એન.બી.ચૌધરી તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.જાનીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. 

એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. જયદીપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. મહિપાલસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ ગેરકાયદે બાયોડીઝલના વેચાણમાં પકડાયેલ મહેરભભાઇ ફિરોજભાઇ ભારમલ નામનો વ્યક્તિ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં થ્રીલોન રબર ઇન્ડસ્ટ્રીઝની સામેના ગોડાઉનમાં હાજર છે અને શંકાસ્પદ તથા ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થનો જથ્થો પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખી ખાનગી વાહનોમાં ઇંધણ તરીકે સપ્લાય કરે છે. 

બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મહેરભભાઇ ફિરોજભાઇ ભારમલ (વોરા) (ઉં.વ. ૩૨, રહે. વોરા સોસાયટી, વિસાવદર) અને રણજીતભાઇ કનુભાઇ ધાંધલ (ઉં.વ. ૨૫, રહે. રાધેશ્યામ સોસાયટી, હડકો ચોકડી, રાજકોટ) નામના બે ઇસમોની અટકાયત કરી હતી. આ આરોપીઓ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ ઊભો કરી, જ્વલનશીલ પેટ્રોલિયમ લિક્વિડનો સંગ્રહ કરી ગ્રાહકોના પ્રાઇવેટ વાહનોમાં વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસે ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹૧,૬૧,૫૦૦/- ની કિંમતનું ૧૯૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી, ₹૭૦,૦૦૦/- ની કિંમતના ૨ પ્લાસ્ટિકના કન્ટેનર, ₹૩૫,૦૦૦/- નો ૧ ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ તથા ₹૪૦,૦૦૦/- ની કિંમતનું ૧ એપલ કંપનીનું લેપટોપ કબ્જે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ₹૬,૦૦૦/- ની ૧ ઇલેક્ટ્રિક મોટર, ૧ કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપના મીટર રીડીંગ લખેલી ૧ નોટબુક, ૯ નાની-મોટી ડાયરીઓ, વેપારની વિગતો દર્શાવતા ૩૪ કાગળો, ૧ ખાખી પૂઠા વાળી બીલ બુક તેમજ પ્લાસ્ટિક તથા કાચની ૬ નાની બોટલો મળીને કુલ ₹૩,૧૭,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

​આ કામગીરીમાં પીઆઇ એન.બી.ચૌધરી, કુવાડવા રોડ પીઆઇ એ.એન.જાની, એસઓજીના પો.હેડ.કોન્સ. ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ, જયદીપસિંહ ખુમાનસિંહ, પો.કોન્સ. મહિપાલસિંહ પ્રવિણસિંહ, તેમજ કુવાડવા રોડ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. મહેશભાઇ કાનાભાઇ રબારી, પો.કોન્સ. કુશલભાઇ શાંડિલ્યકુમાર, જયદીપભાઇ ગોપાલભાઇ અને પિન્ટુભાઇ વિરેન્દ્રકુમાર જોડાયા હતા.​ દરોડાના સ્થળે પ્રાથમિક પરીક્ષણ અને અભિપ્રાય માટે FSL અધિકારીશ્રી સમીર જોશી, તોલમાપ અધિકારી માતંગ તથા પુરવઠા અધિકારી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.  

(9:54 PM IST)