તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
દિવાનપરામાં સોના-ચાંદીના વેપારી દિવ્યેશભાઇ પાટડીયા સાથે રૂા. ૯૧.૯૬ લાખની છેતરપીંડી
સુવર્ણ જ્યોતિ ક્રિએશન ના માલિકે સખીયાનગરના રાજેશ ઉર્ફે રાજુભાઈ આડેસરા સામે એ-ડિવીઝનમાં ગુનો નોંધાવ્યોઃ રો-મટીરીયલ બોક્સ ચેઇન બનાવી આપ્યા હોઇ તેમાંથી અમુક સોનુ પરત આપ્યું બાકીનું ન આપ્યું

રાજકોટ તા. ૧૩: સોના-ચાંદીના વેપારના હબ ગણાતા રાજકોટ શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો અવાર-નવાર બને છે. વધુ એક બનાવમાં દિવાનપરાના વેપારી સાથે મોટી છેતરપીંડી થઇ છે. ઠગાઇના આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ-૩૧ના ખુણે દિગ્વીજય મેઇન રોડ પર રહેતાં સોની વેપારી દિવ્યેશભાઇ મહેન્દ્રભાઇ પાટડીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી જુના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ જૈન ઉપાશ્રયવાળી શેરી સખીયાનગર-૪/૬ના ખુણે રહેતાં રાજેશ હિમતલાલ આડેસરા ઉર્ફે રાજુભાઇ તથા તપાસમાં ખુલે તેની સામે ૯૧,૯૬,૦૦૦નું ફાઇન સોનુ ઓળવી જઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્યો છે.
દિવ્યેશભાઇ પાટડીયા દિવાનપરા-૧૦માં શ્રી હરિ બિલ્ડીંગ ખાતે સુવર્ણ જ્યોતિ ક્રિએશન એલ.એલ. નામથી સોના-ચાંદી તથા ડાયમંડ મેન્યુફેકચરીંગની પેઢી ચલાવે છે. અહિ તેઓ ઓર્ડર મુજબ રો-મટીરીયલ્સ બોક્સ ચેઇન બનાવી આપે છે. ફરિયાદમાં જણાવાયા મુજબ દિવ્યેશભાઈ પાટડીયાનો પરિચય આશરે દોઢ વર્ષ પહેલાં સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા કે. વી. એન્ડ સન્સવાળા સુનિલભાઈ કિશોરભાઈ ફીચડીયા સાથે થઈ હતી. સુનિલભાઈએ પોતાની પેઢીમાં નોકરી કરતા રાજેશભાઈ હિંમતલાલ આડેસરા ઉર્ફે રાજુભાઈ (રહે. ગીત ગુજરી મેઈન રોડ, સખીયાનગર)ની ઓળખાણ દિવ્યેશભાઈ સાથે કરાવી હતી. રાજુભાઇ કે.વી. એન્ડ સન્સ પેઢી વતી સોનાના રો-મટીરિયલમાંથી બોક્સ ચેઇન બનાવવાનો ઓર્ડર દિવ્યેશભાઈની પેઢીને આપતા હતા. આ કામ બદલ દિવ્યેશભાઈને ૦.૮૦૦ ટકા કમિશન મળતું હતું. ઓર્ડર મુજબની ચેઇન લેવા માટે રાજેશભાઈ પોતે અથવા તેમના પુત્ર જેનીશભાઈ, જમશેદભાઈ બંગાળી તેમજ દિનેશભાઈ ફીચડીયા આવતા હતા.
શરૂઆતમાં સમયસર ફાઇન સોનું પરત આપીને રાજેશભાઈએ વેપારીનો ગાઢ વિશ્વાસ જીતી લીધો હતો. નિયમિત વ્યવહારના ભાગરૂપે તા. ૨૮/૦૨/૨૦૨૬ સુધીના હિસાબ મુજબ, દિવ્યેશભાઈની પેઢીને રાજેશભાઈ આડેસરા પાસેથી ૩૩૯.૮૧૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું લેવાનું બાકી નીકળતું હતું. આ રકમ જૂના ઓપનિંગ બેલેન્સ તરીકે બોલતી હતી. તા. ૨૮/૦૨/૨૦૨૬ થી તા. ૨૪/૦૩/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન રાજેશભાઈ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યેશભાઈની પેઢીમાંથી બોક્સ ચેઇન મેળવવામાં આવી હતી તથા અમુક સોનું પરત જમા કરાવવામાં આવ્યું હતું. જેમાં બીજી માર્ચના રોજ રાજુભાઈના પુત્ર જેનીશભાઈ ૯૧.૮૨ ટચની ૨૫૧.૯૮૦ ગ્રામ સોનાની ચેઈન લઈ ગયા હતાં.. એ જ દિવસે રાજુભાઈએ ૧૦૦.૦૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું જમા કરાવ્યું.
ત્યારબાદ રાજુભાઈએ ૪૭.૬૫૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું જમા કરાવ્યું હતું. એ પછી વધુ ૧૧૪.૯૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું, તેમજ ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિનેશભાઈ ફીચડીયા ૭૫.૧૧ ટચની ૮૯.૭૪૦ ગ્રામ સોનાની ચેઈન લઈ ગયા હતાં. બાદમાં ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ રાજુભાઈએ ૧૧૯.૬૮૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું જમા કરાવ્યું હતું. એ પછી ૨૪ માર્ચના રોજ જમશેદભાઈ બંગાળી મારફતે ૯૧.૮૪ ટચની ૩૭૪.૩૨૦ ગ્રામ સોનાની ચેઈન લેવામાં આવી હતી. જેમાં મજૂરી ઉમેરતા ૨૪ કેરેટ ફાઇન ૩૪૬.૩૯૬ ગ્રામ સોનુ થતું હતું.
આ તમામ વ્યવહારો મેળવતા દિવ્યેશભાઈની પેઢીમાંથી જૂનું ઓપનિંગ બેલેન્સ (૩૩૯.૮૧૦ ગ્રામ) અને નવું આપેલું સોનું મળીને કુલ ૯૮૭.૩૭૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું રાજેશભાઈ આડેસરા પાસે જમા થયેલું હતું. જેની સામે રાજેશભાઈએ માત્ર ૩૮૨.૨૩૦ ગ્રામ સોનું જ પરત આપ્યું હતું. બાકી નીકળતું ૬૦૫.૧૪૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનું, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂ. ૯૧,૯૬,૦૦૦/- થાય છે, તે પરત આપ્યા વગર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ આડેસરાએ વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોઇ પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:41 PM IST)










