તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
ભીસ્તીવાડના યાકુબ મોટાણીને દેશી રિવિલવર સાથે એસઓજીએ દબોચ્યો: અગાઉ પણ હથિયાર, મારામારીના ગુનામાં સામેલ
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચનાથી પીઆઇ એન.બી. ચૌધરી, પીએસઆઇ વી.વી. ધ્રાંગુ અને ટીમની કામગીરી: દિગ્વિજયસિંહ અને હાર્દિકસિંહની બાતમી

રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર હથિયાર ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પો.ઈન્સ. એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ પો.સબ.ઈન્સ. વી.વી. ધ્રાંગુ સાહેબ તથા નાર્કોટીક્સ સેલની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન જામનગર રોડ હોસ્પિટલ ચોક પાસે પહોંચતા જ હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલ તથા હેડકોન્સ. હાર્દિકસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જામનગર રોડ, ભીસ્તીવાડ સ્લમ ક્વાર્ટર નં. ૧૫૮ની સામે આવેલ મરીયમ મંજિલ મકાન પાસેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ યાકુબ ઈશાભાઈ મોટાણી (ઉંમર વર્ષ ૪૩, ધંધો: ડ્રાઈવીંગ, રહે. ભીસ્તીવાડ સ્લમ ક્વાર્ટર નં. ૧૫૮ ની સામે, મરીયમ મંજિલ મકાન, રાજકોટ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી ૫,૦૦૦ની કિંમતની ૧ દેશી બનાવટની રિવોલ્વર અને ૩૦,૦૦૦ની કિંમતનો ૧ ઓપો કંપનીનો મોબાઈલ ફોન એમ કુલ મળીને ૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલ આરોપી યાકુબ મોટાણી અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં યાકુબ વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ નવો ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઈન્સપેક્ટર એન.બી.ચૌધરી તથા પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ તથા પો.હેડ.કોન્સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા હાર્દિકસિંહ પરમાર તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહએ આ કામગીરી કરી છે.
(5:20 PM IST)










