<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : રાજકોટ શિવભક્‍તિમાં થશે લીન

‘‘ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધીમ્‌ પૂષ્‍ટિવર્ધનમ્‌, ઉર્વા ઋકમિવ બંધનાત મૃત્‍યોર્મોક્ષી યમામૃતામ્‌ '' : શિવ મંદિરોમાં અનેરા શણગાર : ૐ નમઃ શિવાયના નાદ સાથે આખો મહિનો આરતી-પૂજા-અભિષેક-દિપમાળાના કાર્યક્રમો

ૐ નમઃ શિવાય : આવતી કાલથી શ્રવણ માસનો પ્રારંભ થઇ રહ્યો હોય રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી પંચનાથ મહાદેવ, શ્રીરામનાથ મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી આશુતોષ મહાદેવ સહિતના મંદિરોમાં ચાર પ્રહર પૂજા, આરતીની તૈયારી સાથે અનેરા શણગાર કરવામાં આવેલ છે. તસ્‍વીરમાં શ્રી પંચનાથ મહાદેવ અને સ્‍વયંભુ શ્રીરામનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલ પૂર્વ તૈયારીઓનો માહોલ નિહાળી શકાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧ર : ખૂબ ઝડપથી પ્રસન્ન થઇ જાય એવા ભગવાન શિવશંભુની ભક્‍તિ કરવાનો અવસર એટલે શ્રાવણ માસ ! આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો હોય ભાવિક ભક્‍તોના હૈયે અનેરો ઉમંગ છવાયો છે. શિવમંદિરોને અનેરા શણગાર કરવામાં આવી રહ્યા છે.

કાલથી શિવાલયો હરહર મહાદેવ, ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે, જય ગીરનારી જેવા નાદોથી ગૂંજી ઉઠશે. મંદિરોમાં ચાર પ્રહરની આરતી ઉપરાંત વિશેષ પૂજા-આરતી અને લઘુરૂદ્ર, દીપમાળા, ભજન સત્‍સંગ સહિતના કાર્યક્રમોનો ધમધમાટ આખો માસ જોવા મળશે.

શ્રાવણ માસ નિમિતે શહેરભરમાં થયેલ વિશેષ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

સદ્દગુરૂ આશ્રમ ખાતે દ્વાદશ જયોતિર્લીંગ  દર્શન

શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ પ્રેરિત શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિતે તા. ૧૩ ઓગષ્‍ટથી તા. ૧૧ સપ્‍ટેમ્‍બર સુધી ભગવાન શિવશંકરના બાર જયોતિર્લીંગના દિવ્‍ય દર્શનનું આયોજન કરાયું છે. ઉપરાંત હરિદ્વાર ગંગામૈયાના દિવ્‍ય દર્શનનો લ્‍હાવો પણ મળશે. દ્વાદશ જયોતિર્લીંગની પ્રતિષ્‍ઠાનું પૂજન કાલે ગુરૂવારે સવારે ૯ કલાકે કરાશે. બાદમાં દરરોજ સવારે ૭ વાગ્‍યે અને સાંજે ૮ વાગ્‍યે આરતી થશે. સવારે ૧૦:૪પ કલાકે થાળ ધરાવાશે. જયોતિર્લીંગ દર્શનનો સમય દરરોજ સવારે ૬ થી ૧રઃ૩૦ અને સાંજે ૪ થી રાત્રીના ૧૦:૩૦ સુધીનો રહેશે. આશ્રમના પ્રાંગણમાં આવેલ શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરે દર સોમવારે સાંજે ૬ થી ૧૦ વિશેષ શૃંગાર દર્શન ખુલ્લા મૂકાશે. ભાવિકોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં લઘુ રૂદ્રી યજ્ઞ, હિંડોળા દર્શન

રાજકોટથી ૧૪ કિલોમીટર દૂર ધરતી પુત્રોના ગામ ઢોલરામાં ર૮ વર્ષથી કાર્યરત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સંસ્‍થાના પરિસરમાં બિરાજમાન મંગલેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં પવિત્ર શ્રાવણ માસની ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. નિત્‍ય સાંજના ૧૦૮ દીપમાળાની આરતી, દરરોજ સુકામેવાના, શાકભાજીના, ફૂલના, ફ્રુટના, રાખડીના હિંડોળા દર્શન, બ્રહ્મ ભોજન, શ્રાવણ માસના ત્રીજા સોમવારે ર૧ કુંડી લઘુ રૂદ્રી યજ્ઞ, પંચાક્ષરી મંત્ર જાપ, પવિત્ર મહામૃત્‍યુંજય મંત્રજાપ, સત્‍યનારાયણ ભગવાનની કથા, સુંદરકાંડ પાઠ, સવાર સાંજ પુજન અર્ચન, હનુમાન ચાલીસા પાઠ, સોમવારે શિવપુરાણનું વાંચન, રક્ષાબંધન ઉત્‍સવની ઉજવણી, આઠમના દિવસે રાત્રે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ મટકી ફોડ, શિવભજનોનું ગાન, ભાળાનાથને બીલીપત્ર, જળ, પુષ્‍પો અને ધાન્‍યનો અભિષેક, વડીલોને ફળાહાર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાજકોટવાસીઓને શિવભઁ ભક્‍તોને પવિત્ર અને શાંત વાતાવરણમાં નવનિર્મિત મંગલેશ્વર મહાદેવ દાદાના સાનિધ્‍યમાં શિવ પૂજા, શિવ આરધના કરવા પધારવા અને મહિલા મંડળો, ભજન મંડળોને, સખી મંડળો, સોસાયટી ફલેટોમાં રહેતા બહેનોને, સમૂહમાં વડીલોના સાનિધ્‍યમાં પવિત્ર પરિસરમાં વન ભોજન કરવા તેમજ શ્રાવણ માસ દરમિયાન સપરિવાર મંગલેશ્વર મહાદેવના દર્શન કરવા પધારવા જાહેર નિમંત્રણ છે. ઉજવણીના  તમામ કાર્યક્રમો આયોજનની સફળતા માટે સંસ્‍થાના સ્‍થાપક મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, કિરીટભાઇ આદરોજા, પ્રફુલભાઇ પરીખ, મોન્‍ટુ પાલીવાલ, હરેશભાઇ દવે, જીતુભાઇ વગેરે કાર્યરત છે. વિશેષ માહિતી માટે ૯૪ર૮ર૩૩૭૯૬ તેમજ ૯૮રપ૭ ૬પ૦પપ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(3:29 PM IST)