તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
વૃધ્ધ દંપતિને મિલ્કત માટે પુત્રવધૂ અને બે પોત્રીઓનો ભારે ત્રાસઃ ગાળો દઇ ધમકી
વૃધ્ધ દંપતિ રસોડામાં લપસીને પડી જાય એ માટે તેલ પાણી ઢોળવામાં આવતું: દાદા હીંચકે બેસે તો પછાડવા માટે પોત્રી સાથે બેસી હીંચકાની સ્પીડ વધારી દેતી! : કાલાવડ રોડ ન્યુ કોલેજવાડીમાં રહેતાં ૭૪ વર્ષિય પુષ્પાબેન જોશીની ફરિયાદ પરથી તેના પુત્રવધૂ કિન્નરીબેન અને બે પોૈત્રી પંછીબેન, ભાવ્યાબેન વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડીમાં રહેતાં વૃધ્ધ દંપતિ સાથે તેના જ પુત્રવધૂ, બે પોૈત્રીઓ મિલ્કતનો ભાગ માંગી ઝઘડા કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતાં હોય તેમજ આ બંને લપસીને પડી જાય તે માટે રસોડામાં તેલ-પાણી ઢોળી તેમજ દાદા હીંચકે બેઠા હોય તો તેની સાથે પોૈત્રી બેસી તેને પછાડી દેવા સ્પીડથી હીંચકો હંકારવા માંડતી હોવા સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી મેઇન રોડ પર અમુલ પાર્લર પાસે ભગીરથી લીલામાં રહેતાં પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોશી (ઉ.વ.૭૪)ની ફરિયાદ પરથી કીન્નરી સંજયભાઇ જોશી લીલાધર, પંછી સંજયભાઇ અને ભાવ્યા સંજયભાઇ જોશી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પુષ્પાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારા પતિ પ્રવિણચંદ્ર લીલાધર જોશી ૮૧ વર્ષના છે. મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે, મોટો દિકરો સંજયભાઇ બે વર્ષ પહેલા ૨૦૨૪માં અવસાન પામેલ છે. તેની પત્નિનું નામ કિન્નરીબેન (ઉ.વ.૪૫) છે. જે અમારા મકાનમાં ઉપરના માળે રહે છે. કિન્નરીબેનને બે દિકરીઓ પંછી (ઉ.વ.૨૫) અન ભાવ્યા (ઉ.વ.૨૨) છે. પંછીના લગ્ન અમદાવાદ થયા છે તે મહિને બે ત્રણ વખત રાજકોટ અમારી ઘરે આવે છે. ભાવ્યા રાજકોટમાં નોકરી કરે છે. મારા બીજા દિકરાનું નામ રવિભાઇ છે જે ઘરે જ હોય છે. તેના પત્નિનું નામ જાગૃતિબેન છે, જે હાલ પિયર છે. મારી દિકરી જાનકીબેન અમદાવાદ સાસરે છે.
ફરિયાદમાં આગળ જણાવ્યા અનુસાર ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના સુમારે પુષ્પાબેન, તેમના પતિ અને પુત્રવધુ કિન્નરીબેન તથા પૌત્રીઓ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. આ સમયે કિન્નરીબેન તથા પોૈત્રીઓ પંછી અને ભાવ્યાએ એકસંપ થઈને ઘરની મિલકતમાં ભાગ માંગ્યો હતો. પુષ્પાબેને શાંતિ રાખવાનું કહેતા જ ત્રણેય મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને સાસુ-સસરાને ગાળો આપી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ‘અમારા નામે મિલકત નહીં કરો તો તમને કોઈપણ રીતે ઘરમાં જ અકસ્માત કરીને મારી નાખશું' તેવી ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પુષ્પાબેને ફરિયાદમાં પુત્રવધૂ અને પોૈત્રીઓ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરી જણાવ્યું છે કે અમે વળદ્ધ દંપતી રસોડામાં જઇએ ત્યારે લપસીને પડી જાય અને ગંભીર અકસ્માત થાય તે માટે અવારનવાર રસોડાના ભોંયતળિયે તેલ અથવા પાણી પુવધૂ-પોૈત્રીઓ ઢોળી નાંખતા હતાં. તેમજ મારા પતિ પ્રવિણચંદ્ર જ્યારે હિંચકે બેઠા હોય ત્યારે પૌત્રી પંછી બાજુમાં બેસીને અચાનક હિંચકાની સ્પીડ વધારી દઈ તેમને નીચે પાડી દેવાનો પ્રયાસ કરતી હતી. ઘરના મેન દરવાજા ખુલ્લા રાખીને અજાણ્યા તત્વોને ઘરમાં ઘુસી આવવાની તક પાડવામાં આવતી હતી.આ ઉપરાંત દંપતીની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં ઘુસીને મિલકતના કાગળો કે કિંમતી સામાન શોધવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પોતાના જ પરિવારના સભ્યો દ્વારા સતત મળતી ધમકીઓ અને જાનના જોખમથી કંટાળીને આખરે વૃધ્ધા પુષ્પાબેને ફરિયાદ નોંધાવતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ.પી. ચૌહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:51 PM IST)










