<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજકોટને ૪ હજાર એમસીએફટી નર્મદા નીર આપોઃ મનપાનો સરકારને પોકાર

આવતા ચોમાસા સુધી શહેરમાં દૈનિક પાણી વિતરણ જાળવવા આગોતરૂં આયોજન : આજી-ન્‍યારી ડેમમાં અપેક્ષિત આવક ન થતાં દર વર્ષ કરતાં ૧૦૦૦ એમસીએફટી વધુ પાણીની માગઃ ત્રણ તબક્કામાં આજીમાં ૨૧૦૦ અને ન્‍યારીમાં ૧૯૦૦ એમસીએફટી પાણી ઠાલવવા માગ

રાજકોટ : તા.૧૧: ચોમાસાની સિઝનમાં વરસાદ માટે મહત્‍વનો ગણાતો અષાઢ માસ પૂર્ણ થવાને હવે માત્ર એક દિવસ બાકી છે, પરંતુ રાજકોટ શહેરની જળજરૂરિયાત સંતોષતા આજી અને ન્‍યારી ડેમમાં હજુ સુધી સંતોષકારક પાણીની આવક થઈ નથી. ભરચોમાસે પણ બંને ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની ફરજ પડી રહી છે. હાલની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આગામી ચોમાસા સુધી શહેરમાં નિયમિત પાણી વિતરણ જાળવી રાખવા રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્‍ય સરકાર પાસે તબક્કાવાર ૪૦૦૦ એમસીએફટી નર્મદાના નીરની માગ કરી છે.

હાલ બંને જળાશયોમાં ઉપલબ્‍ધ પાણીનો જથ્‍થો આગામી ૧૦ સપ્‍ટેમ્‍બર સુધી જ શહેરની જરૂરિયાત પૂરી કરી શકે તેવી સ્‍થિતિ હોવાનું જાણવા મળે છે. આથી ૩૦ જૂન ૨૦૨૭ સુધી શહેરના તમામ ૧૮ વોર્ડમાં દરરોજ નિયમિત ૨૦ મિનિટ પાણી આપી શકાય તે માટે મહાપાલિકાએ આગોતરું આયોજન હાથ ધર્યું છે. આ આયોજનના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન જરૂરિયાત મુજબ તબક્કાવાર ૪૦૦૦ એમસીએફટી પાણી ફાળવવા રાજ્‍ય સરકારને પત્ર લખવામાં આવ્‍યો છે.સામાન્‍ય રીતે ચોમાસા દરમિયાન આજી અને ન્‍યારી ડેમ ઓવરફ્‌લો થતા હોય છે. જોકે, આ વર્ષે રાજકોટમાં અપેક્ષા મુજબ વરસાદ ન વરસતાં બંને જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ નથી. ૨૫.૧૦ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્‍યારી-૧ ડેમની હાલની સપાટી ૧૬.૨૪ ફૂટ છે અને તેમાં ૪૭૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ચોમાસાની સામાન્‍ય સ્‍થિતિની સરખામણીએ ન્‍યારી ડેમમાં હાલ અંદાજે ૭૦૦ એમસીએફટી પાણીની ઘટ છે.

બીજી તરફ ૨૯ ફૂટે ઓવરફ્‌લો થતા આજી ડેમની સપાટી હાલ ૨૧.૨૬ ફૂટ છે. ડેમમાં ૪૬૫ એમસીએફટી પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ છે અને તેમાં અંદાજે ૪૫૦ એમસીએફટી પાણીની ઘટ વર્તાઈ રહી છે.

સામાન્‍ય રીતે ચોમાસું પૂર્ણ થયા બાદ મહાપાલિકાની વોટર વર્ક્‍સ શાખા દ્વારા આખા વર્ષના પાણી વિતરણનું આયોજન તૈયાર કરીને સૌની યોજના હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઓગસ્‍ટ માસનો લગભગ અડધો સમય વીતી ગયો હોવા છતાં બંને જળાશયોમાં ખાસ પાણીની આવક થઈ નથી. આથી મહાપાલિકાએ અત્‍યારથી જ આગામી જૂન સુધીની પાણી વિતરણ વ્‍યવસ્‍થાનું આયોજન શરૂ કરી દીધું છે. સાથે જ સૌની યોજના હેઠળ અગાઉથી આપવાના બાકી રહેલા ૨૫૦ એમસીએફટી પાણી પણ તાત્‍કાલિક ફાળવવા માગ કરવામાં આવી છે.

દર વર્ષ કરતાં ૧ હજાર એમસીએફટી વધુ પાણીની માગ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્‍ય રીતે દર વર્ષે આશરે ૩૦૦૦ એમસીએફટી નર્મદાના નીરની માગ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે ચોમાસામાં આજી અને ન્‍યારી ડેમ ઓવરફ્‌લો ન થતાં પાણીની ઘટને પહોંચી વળવા વધારાના ૧૦૦૦ એમસીએફટી સાથે કુલ ૪૦૦૦ એમસીએફટી પાણી માંગવામાં આવ્‍યું છે.

રાજ્‍ય સરકારને લખાયેલા પત્રમાં જરૂરિયાત મુજબ ત્રણ અલગ-અલગ તબક્કામાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે. તેમાં આજી ડેમમાં કુલ ૨૧૦૦ એમસીએફટી અને ન્‍યારી ડેમમાં ૧૯૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગ કરવામાં આવી છે.

સપ્‍તાહમાં સારો વરસાદ નહીં પડે તો ચિંતા વધી શકે

આગામી એક સપ્તાહ દરમિયાન રાજકોટ અને આસપાસના વિસ્‍તારમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા ઉપર દબાણ વધવાની ભીતિ છે. જોકે, નર્મદા ડેમ હાલ ૮૨ ટકાથી વધુ ભરાયેલો હોવાથી રાજ્‍ય સરકાર માટે સૌની યોજના મારફતે સૌરાષ્‍ટ્રના જળાશયોમાં પાણી પહોંચાડવાની અનુકૂળ સ્‍થિતિ છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ રાજ્‍ય સરકાર પણ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઓછો વરસાદ ધરાવતા વિસ્‍તારોના જળાશયોની સ્‍થિતિ પર નજર રાખી રહી છે. આગામી એક પખવાડિયા સુધી વરસાદની સ્‍થિતિ જોવામાં આવી શકે છે. ત્‍યારબાદ પણ પૂરતો વરસાદ ન થાય તો સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવી સૌરાષ્‍ટ્રના ખાલી કે ઓછા ભરાયેલા જળાશયોને ભરવાની દિશામાં નિર્ણય લેવાય તેવી શકયતા છે.

(3:55 PM IST)