<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજકોટ શહેર- જીલ્લામાં ધાર્મિક દબાણો અંગે ફરી ઓપરેશન શરૂઃ ૧૭મીએ કલેકટરે તમામને બોલાવ્‍યા

ગામ, સર્વેનંબર, કેટલા ટાઇમથી દબાણ, કેટલી જગ્‍યા બધી વીગતો સાથે લાવવા સૂચના..

રાજકોટઃ તા.૧૧: ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્‍થળો, રસ્‍તાઓ અને માર્ગો પર આવેલા અનધિકળત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર  ફરી હરકતમાં આવ્‍યું છે. રાજકોટ જિલ્લા કલેક્‍ટર દ્વારા આ બાબતે તાત્‍કાલિક  ધાર્મીક દબાણો અંગે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓને હાજર રહેવા આદેશ કરવામાં આવ્‍યા છે.

અત્રે એ નોંધીનીય છે કે રાજકોટ શહેર -જીલ્લામાં સંખ્‍યાબંધ ધાર્મીક દબાણો હોવાનું અગાઉ તાત્‍કાલિક કલેકટરે જાહેર કરેલ છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર,  આગામી તારીખ ૧૭-૦૮-૨૦૨૬ના રોજ ચાર કલાકે આ મીટીંગ યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્‍ચ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જેમાં   પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક,જિલ્લા વિકાસ અધિકારી પ્રાદેશિક કમિશનર, મુખ્‍ય કારોબારી અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા ના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર અને કારોબારી ઈજનેર,પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર,રાજકોટ શહેર-૧, શહેર-૨, ગ્રામ્‍ય, ગોંડલ, ધોરાજી અને જસદણ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નામ, સર્વે નંબર, તારીખ, જગ્‍યાનું નામ અને કામગીરીના ફોટોગ્રાફ્‌સ તૈયાર રાખવા જણાવાયું છે. આ તમામ માહિતી સાથે બેઠકમાં હાજર રહેવા ફરજ પાડવામાં આવી છે.

(3:55 PM IST)