<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ખોદકામને મહિનો વીત્‍યો, છતા ખોડિયારનગરમાં રસ્‍તા પર બ્‍લોકના ઢગલા યથાવત્‌

વોર્ડ નં. ૧૩ના સ્‍લમ વિસ્‍તારમાં પાણીની લાઇન માટે રસ્‍તાના રસ્‍તાની કામગીરી બાદ બ્‍લોક વ્‍યવસ્‍થિત ન ગોઠવાયાનો આક્ષેપ : વારંવાર ઓનલાઇન ફરિયાદ અને અધિકારીઓને રૂબરૂ રજૂઆત છતાં કામ ન થયાનો જાગૃત નાગરિકનો દાવો

રાજકોટઃ તા.૧૧: શહેરના વોર્ડ નં. ૧૩માં આવેલા ખોડિયારનગર સ્‍લમ વિસ્‍તારમાં પાણીની લાઇનના કામ માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્‍તો પૂર્વવત્‌ કરવાની કામગીરી લાંબા સમયથી અધૂરી પડી હોવાની ફરિયાદ ઊઠી છે. અંદાજે એક મહિના પહેલાં પાણીની લાઇન માટે રસ્‍તામાં ખાડો ખોદવામાં આવ્‍યો હતો અને તે માટે રસ્‍તા પરના બ્‍લોક કાઢવામાં આવ્‍યા હતા. પાણીની લાઇનની કામગીરી બાદ કાઢવામાં આવેલા બ્‍લોક ફરીથી રસ્‍તા પર ગોઠવવાના બદલે તેનો ઢગલો કરી દેવાયો હોવાનો સ્‍થાનિકોનો આક્ષેપ છે.

ખાસ કરીને આ બ્‍લોકનો ઢગલો ત્‍યાં રહેતા એક ગરીબ પરિવારના ઘરની ડેલીની બરાબર સામે પડ્‍યો હોવાથી પરિવારને પોતાના ઘરમાં આવવા-જવામાં પણ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું છે. એકાદ-બે દિવસની વાત હોય તો સ્‍થાનિકો સહન કરી શકે, પરંતુ લગભગ એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં રસ્‍તાની સ્‍થિતિ પૂર્વવત્‌ કરવામાં આવી નથી.

આ રસ્‍તા પરથી દરરોજ મોટી સંખ્‍યામાં વાહનો પસાર થાય છે. ઉપરાંત વળદ્ધો, નાના બાળકો અને સ્‍થાનિક રહેવાસીઓની સતત અવરજવર રહે છે. રસ્‍તા પર પડેલા બ્‍લોક અને તેના ઢગલાના કારણે લોકોને હાલાકી થવા ઉપરાંત અકસ્‍માતનું જોખમ પણ સર્જાઈ શકે તેવી સ્‍થાનિકોમાં ચિંતા છે.

આ મામલે જાગળત નાગરિક મનોજભાઈ અમરેલીયાએ  મહાનગરપાલિકામાં અનેક વખત ઓનલાઇન ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. ઓનલાઇન ફરિયાદો છતાં સમસ્‍યાનો ઉકેલ નહીં આવતાં તેઓ મહાનગરપાલિકાની બાંધકામ શાખાના સંબંધિત અધિકારીઓને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી ચૂકયા હોવાનું જણાવ્‍યું છે.

અમરેલીયાના જણાવ્‍યા મુજબ અધિકારીઓ સમક્ષ રસ્‍તા પર પડેલા બ્‍લોકના ઢગલાથી સ્‍થાનિકોને થતી મુશ્‍કેલી અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ છે કે રૂબરૂ રજૂઆત દરમિયાન અધિકારીઓ તરફથી નાના કામોને સમય મળ્‍યે હાથ ધરવામાં આવશે તે પ્રકારનો જવાબ મળ્‍યો હતો. વારંવાર રજૂઆત છતાં સ્‍થળ પર કામગીરી કરવામાં આવી નથી તેવો તેમનો દાવો  કરવામાં આવ્‍યો છે.

રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા આ ફરિયાદને માત્ર ‘નાનું કામ' ગણીને મુલતવી રાખવાને બદલે તાત્‍કાલિક સ્‍થળ તપાસ કરે. રસ્‍તા ઉપર પડેલા બ્‍લોકને યોગ્‍ય રીતે ફરી ગોઠવી રસ્‍તો પૂર્વવત્‌ કરવામાં આવે અને જે પરિવારના ઘરની ડેલી સામે ઢગલો પડ્‍યો છે તેને પણ રાહત આપવામાં આવે. લાંબા સમયથી પડતર રહેલી આ કામગીરી હવે મહાનગરપાલિકા કેટલા સમયમાં પૂર્ણ કરે છે અને વારંવાર રજૂઆત કરનારા નાગરિકની ફરિયાદનો કયારે નિકાલ આવે છે તેના પર સ્‍થાનિકોની નજર છે.  આ સમસ્‍યા તાકિદે ઉકેલવા માંગ  કરવામાં આવી છે.

(3:40 PM IST)