તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
પ્રેમ પરિવાર દ્વારા ૪૩મો અખંડ હરિનામ સંકિર્તન મહોત્સવઃ રવિવારથી પૂ. રાજેન્દ્રદાસજી મહારાજનો દિવ્ય સત્સંગ
હરિનામ સંકિર્તન મંદિરે ચાર દાયકાથી ‘શ્રી રામ જય રામ જય જય રામ' વિજયમંત્રની અખંડ સંકિર્તન ચાલે છે તા.૧૬ થી ૧૮ ઓગષ્ટ કલાકારો દ્વારા સમુહ સંકીર્તન દિવ્ય સત્સંગઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટઃ અહિં શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ, કાલાવડ રોડ, સેન્ટમેરીઝ સ્કુલ સામે, આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકીર્તન મંદિર ખાતે છેલ્લા ૪૩ વર્ષથી ચોવીસ કલાક ‘‘શ્રી રામ જય રામ જય જય રામ''વિજયમંત્રનું અખંડ સંકીર્તન ચાલે છે. આ સંસ્થા ૧૯૭૬માં ‘‘પ્રેમ પરિવાર'' ના નામથી શરૂ કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના સંકીર્તન મંદિરની શરૂઆત ૧૯૮૪માં પૂ. મોરારીબાપુના શ્રીમુખે કરવામાં આવેલ. પ્રેમપરિવારની અખંડ સંકીર્તનની પ્રવૃતિએ ‘‘ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્''માં સ્થાન મેળવેલ છે. આ સંસ્થાો મુખ્ય હેતુ વિશ્વ કલ્યાણ અને વિશ્વબંધુત્વની ભાવના સાથે સંકળાયેલ છે. સાથોસાથ નામ-જપ અને સંકીર્તનનો છે. પ્રેમપરિવારના ટ્રસ્ટી મંડળ તથા દરેક ભાઇ-બહેનોએ અઠવાડીયામાં એક દિવસની રાત્રીધૂનની પોતાની ફરજના ભાગરૂપ પૂરી નિષ્ઠાથી ઉપાડી લીધેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.
શ્રી રામનામ મહારાજની અહૈતુકી અસીમ કૃપાથી અને અખંડ હરિનામ સંકીર્તન પ્રવર્તક સંકીર્તન સમ્રાટ નામનિષ્ઠ સંત સદ્ગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણા અને અવિરત આશીર્વાદ સાથે રાજકોટ શહેરની ભગવદ્ નામપ્રેમી ધર્મપારાયણ જનતાના તન, મન અને ધનના સહયોગથી વિશ્વકલ્યાણની ભાવનાથી તા.૨૦-૦૪-૧૯૮૪ના રોજથી અત્રે ચાલી રહેલ ‘‘શ્રી રામ જય રામ જય જય રામ'' વિજયમંત્ર સંકીર્તનના ૪૩માં વર્ષના ઉપલક્ષમાં તા. ૧૬ રવીવાર થી તા.૧૮ મંગળવાર સુધી સાંજે ૪ થી ૭ ‘‘અનંતશ્રી વિભુષિત શ્રીમદ્ જગદ્ગુરૂ દ્વારાચાર્ય શ્રી અગ્રપીઠાધીશ્વર તથા શ્રી મલુકપીઠાધીશ્વર પ.પૂ. સ્વામી શ્રી રાજેન્દ્રખાસ દેવાચાર્યજી મહારાજશ્રી'' ના શ્રી મુખે દિવ્ય સત્સંગનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે.
સત્સંગના ઉપલક્ષમાં શ્રી સંકીર્તન મંદિર ખાતે રોજ ૧૦ થી ૧૨ રાજકોટ તથા બહારગામ થી આવેલા કલાકારો દ્વારા વિશેષ સમૂહ સંકીર્તન રજૂથશે.
તા.૧૬ રવીવાર થી તા.૧૮ દરરોજ બપોરે ૩ થી ૪ શ્રી રામનામ મહારાજ, શ્રી સદ્ગુરૂ પાદુકા પૂજન, અર્ચન, અભિષેક, સોડષોપચાર પૂજન કરવામાં આવશે.
સત્સંગ સ્થળઃ શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીીટી હોલ(એ.સી.)વિભાગ -૨, પેરેડાઇ હોલ રોડ, ગોપાલ ચોક પાસે, વોર્ડ નં.૯ કાર્યાલય સામે, રાજકોટ. આ અંગે વધુ માહિતી માટે ફોન ૦૨૮૧-૨૫૭૧૭૨૧ / ૨૫૮૪૬૪૪ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઇ ભાતેલીઆ, શ્રી હસુભાઇ ભગદે, શ્રી રાજુભાઇ દાવડા, શ્રી હરૂભાઇ નથવાણી, શ્રી અનીલભાઇ ભાયાણી, શ્રી દિનેશભાઇ રાયચુરા, શ્રી ચંદુભાઇ પરચાણી, શ્રી હર્ષદભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:22 PM IST)










