તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ડિમોલિશન ખર્ચ વિવાદ બાદ મનપા જાગી :તિરંગા યાત્રા-સ્વાતંત્ર્ય પર્વની ખરીદીના પણ ટેન્ડર પ્રસિધ્ધ
સીધી ખરીદી અને રેટ કોન્ટ્રાક્ટને બદલે સૌથી ઓછા ભાવ આપનાર એજન્સીને ઓર્ડરઃ માત્ર બે દિવસની ટૂંકી મુદતનું ટેન્ડર, ૨૦ જેટલી શરતો

રાજકોટ,તા.૧૦: જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને સર્જાયેલા વિવાદ બાદ રાજકોટ મહાનગરપાલિકા હવે ખરીદી પ્રક્રિયામાં વધુ સાવચેતી રાખી રહી છે. આગામી ૧૩ ઓગસ્ટે યોજાનારી તિરંગા યાત્રા તેમજ ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે જરૂરી ચીજવસ્તુઓની સીધી ખરીદી કરવાના બદલે ટેન્ડર પ્રક્રિયા મારફતે સૌથી ઓછા ભાવ આપનાર પાર્ટી કે એજન્સી પાસેથી ખરીદી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ માટે માત્ર બે દિવસની ટૂંકી મુદતનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે રાષ્ટ્રીય કે રાજ્યકક્ષાના તહેવારો અને કાર્યક્રમોની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા અગાઉથી મંજૂર રેટ કોન્ટ્રાક્ટના આધારે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ લેવામાં આવતી હોય છે. જોકે, જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી પાછળ થયેલા ખર્ચને લઈને વિવાદ સર્જાયા બાદ કોર્પોરેશનનું તંત્ર ખરીદીના મામલે વધુ સતર્ક બન્યું છે.
આ વિવાદ બાદ ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદી ટાળવા તરફ તંત્ર આગળ વધ્યું છે. એટલું જ નહીં, હાલના રેટ કોન્ટ્રાક્ટની પણ સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પરિણામે તિરંગા યાત્રા અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે જરૂરી સામગ્રી ઉપરાંત ચા-કોફી અને નાસ્તા જેવી વ્યવસ્થા માટે પણ અગાઉ મંજૂર રેટ કોન્ટ્રાક્ટના આધારે સીધો ઓર્ડર આપવાને બદલે ટેન્ડરનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
સમય ઓછો હોવાથી કોર્પોરેશન દ્વારા માત્ર બે દિવસની ટૂંકી મુદતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડરમાં વિવિધ પ્રકારની આશરે ૨૦ શરતો પણ મૂકવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાત્રતા ધરાવતી પાર્ટીઓ પૈકી સૌથી ઓછા ભાવ આપનાર એજન્સી પાસેથી જરૂરી માલ-સામાન અને સેવાઓ લેવામાં આવશે.
(3:31 PM IST)










