તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 10th August 2026
થેલેસેમીયાગ્રસ્ત બાળકોને મળતી સારવારમાં ક્ષતિઓ દુર કરોઃ ગાયત્રીબા વાઘેલા
‘‘કેલ્કર'' દવાના અપુરતા જથ્થા સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત કરાઇઃ જવાબદાર તંત્ર સામે પગલા ભરવા માંગ

રાજકોટ તા. ૧૦: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના વાઇસ પ્રેસીડેન્ટ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીને રજુઆત કરી સારવારમાં ગંભીર ક્ષતિઓ દુર કરી જવાબદાર તંત્ર સામે પગલા ભરવા માંગ કરી છે.
રજુઆતમાં સિવિલમાં સારવાર લેતાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને લઇ બાળકો અને દર્દીઓને જીવન રક્ષક સારવાર આપવા વિવિધ મુદ્દાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. જે મુદ્દાઓમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે જરૂરી ‘‘કેલ્કર'' દવાનો જથ્થો કે જે છેલ્લા કેટલાક મહિલાઓથી જરૂરી ઉપલબ્ધ માત્રામાં મળતો નથી જેથી દવાના અભાવે આ દર્દીઓના જીવન સામે જોખમ સર્જાયું છે. દર્દીઓ માટે જરૂરી સેવા ‘‘ડેસ્ફોરાલ'' ઇન્જેકશન પણ વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યા છે. જેના જથ્થાની પણ ત્વરીત વ્યવસ્થા કરવામાં નહીં આવે તો દર્દીઓની સારવાર સામે જોખમ તોળાઇ રહ્યું છે.
દર પંદર દિવસે લોહી ચઢાવતી વખતે બાળકોને તાવ-ધ્રુજારીના રીએશન આવે છે. તો હોસ્પિટલમાં એલ.આર. મશીન હોવા છતાં ફિલ્ટરસેટ એન બ્લડ બેગના અભાવે શુધ્ધ લોહી મળવામાં મુશ્કેલી સર્જાય છે તો આ મુદ્દાઓને ધ્યાને લઇ થેલેસેમીયા પીડીત બાળકોને રક્ષક સારવાર આપવા અને જવાબદાર તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા અને પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પુર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ રજુઆતો કરી હતી.
(3:24 PM IST)










