<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

બાવીસ ગુનાઓમાં સામેલ યુપીના આસુ સહિત ચારે ૨૦ દિ' રેકી કરીને ૧૯ લાખની લૂંટ કરી'તી

ભાવનગર રોડ પર પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ આંગડીયાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ મથુરા, બંગાળથી બે પકડાયા-બેની શોધ : અગાઉ દિલ્‍હી રહી ઇમિટેશનનું કામ કરતો બંગાળની રમઝાનઅલી ઉર્ફે રાજુ ત્રણ મહિનાથી રાજકોટ રહી કામ કરતો'તોઃ તેને દિલ્‍હી હતો ત્‍યારે યુપીના આસુ, રાજસ્‍થાનના અરૂણ ઉર્ફે ઇલુ અને મથુરાનો પ્રવિણ મળ્‍યો હતોઃ આસુએ ફોન કરી રાજકોટમાં રૂમ શોધવા કહેતાં રમઝાનઅલીએ ભગવતીપરામાં રૂમ શોધ્‍યોઃ પછી ચારેય ભેગા મળ્‍યા અને પ્‍લાન ઘડી લૂંટ ચલાવીઃ સાથે મળી લૂંટને અંજામ આપ્‍યો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો જણાવી

ઝડપાયેલા બે લૂંટારા અને વિગતો જણાવતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,  સાથે એસીપી ભરત બસીયા, પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ નજરે પડે છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરના ભાવનગર રોડ પર પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ગત ૩૦મી તારીખે સવારે થયેલી ૧૯ લાખની લૂંટનો ભેદ અંતે ક્રાઇમ બ્રાંચે ઉકેલી અલગ અલગ ચારથી પાંચ રાજ્‍યોમાં દોડધામને અંતે બે આરોપીઓને ઝડપી લઇ બે લાખની રોકડ કબ્‍જે કરી છે. જ્‍યારે અન્‍ય બે આરોપીના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. પોલીસે બે આરોપીઓને વેસ્‍ટ બંગાલ અને મથુરાથી દબોચી લીધા છે. મુળ વેસ્‍ટ બંગાળનો એક શખ્‍સ હાલ ત્રણેક મહિનાથી રાજકોટ રહી ઇમિટેશનનું કામ કરતો હતો. તે અગાઉ દિલ્‍હીમાં હતો ત્‍યારે બાકીના ત્રણ આરોપીઓ તેને મળ્‍યા હોઇ તેમાંથી એકે રાજકોટમાં રૂમની વ્‍યવસ્‍થા કરવાનું કહેતાં આ શખ્‍સે ભગવતીપરામાં રૂમ રાખ્‍યો હતો. બાદમાં ત્રણેયને બોલાવ્‍યા હતાં. એ પછી ચારેયએ  સાથે મળી ૨૦ દિવસ સુધી અલગ અલગ પેઢીઓની રેકી કરી છેલ્લે સોફટ ટારગેટ તરીકે પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ પેઢીને પસંદ કરી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભાવનગર રોડ પર પટેલવાડી નજીક પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ગઇકાલે સવારે બે શખ્‍સો આંગડીયા કર્મચારી અલ્‍કેશભાઇ ગીરીશભાઇ દવે (ઉ.વ.૪૬)ને તા. ૩૦/૭ના સવારે પિસ્‍તોલ જેવું હથિયાર દેખાડી રૂા.૧૯ લાખની રોકડનો થેલો લૂંટી જવાયો હતો. બી-ડિવીઝન પોલીસમાં આ મામલે ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાંચની ટીમોએ લૂંટારાઓને શોધી કાઢવા મહેનત શરૂ કરી હતી. જેમાં અંતે સફળતા મળી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે-બે આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ (ઉ.વ.૩૨-રહે. નાગદા ચરાપોલે મસ્‍જીદપરા, ગલી કપા જીલ્લો નોર્ટ, ૨૪ પરગણા વેસ્‍ટ બંગાળ)ને બંગાળથી અને બીજા આરોપી પ્રવિણ ઉર્ફે ખજીયો (ઉ.વ.૨૯-રહે. ઇન્‍દિરા વિકાસ કોલોની નવાદા મથુરા ઉત્તરપ્રદેશ)ને મથુરાથી પકડી લઇ બે લાખની રોકડ કબ્‍જે કરી રિમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ બંનેની સાથે લૂંટમાં અન્‍ય બે આરોપીઓ આસુ ઉર્ફે આસ મોહમ્‍મદ અયુબ (રહે. ભાર્ગવા ગલી, ચોક બઝારક કોતવાલી ઉત્તરપ્રદેશ) અને અરૂણ ઉર્ફે ઇલુ ખટીક બીશનસિંગ જગનસિંગ ખટીક (રહે. ભરતપુર રાજસ્‍થાન, હાલ વૃંદાવન)ના નામ ખુલ્‍યા હોઇ આ બંનેની શોધખોળ થઇ રહી છે. પકડાયેલા પૈકી બેમાં પ્રવિણ ઉર્ફે ખજીયા વિરૂધ્‍ધ રાજસ્‍થાનમાં દીધ પોલીસ સ્‍ટેશન હેઠળ આર્મ્‍સ એક્‍ટ અને લૂંટના બે ગુના નોંધાયા છે.

જ્‍યારે અન્‍ય બે આરોપીના નામ ખુલ્‍યા તેમાં આસુ ઉર્ફે આસ મોહમ્‍મદ અયુબ વિરૂધ્‍ધ મથુરા યુપીના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં આર્મ્‍સ એક્‍ટ, લૂંટ, કાવત્રા ઘડી લૂંટ કરવી, હત્‍યાની કોશિષ, સહિત ૨૨ ગુના નોંધાયેલા છે. આ સિવાયના અન્‍ય ગુનાઓ મળી ચાલીસેક ગુના તેના વિરૂધ્‍ધ હોવાનો અંદાજ છે. ડીસીપી જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્‍યું હતું કે ઝડપાયેલો રમઝાનઅલી ઉર્ફે રાજુ અગાઉ દિલ્‍હીમા રહી ઇમિટેશનનું કામ કરતો હતો. ત્‍યારે તેનો સંપર્ક દિલ્‍હીમાં નામચીન મથુરા યુપીના આસુ ઉર્ફે આસ તેમજ તેના સાગ્રીતો અરૂણ ઉર્ફે ઇલુ અને પ્રવિણ ઉર્ફે ખજીયા સાથે થયો હતો. આ વખતે ચારેય વચ્‍ચે મિત્રતા થઇ હતી.

ત્‍યારબાદ હાલમાં ત્રણેક મહિનાથી રમઝાનઅલી ઇમિટેશન કામના ઓઠા તળે રાજકોટ રહી લૂંટના પ્‍લાનમાં હતો. આ દરમિયાન તેને ૨૨ ગુનાઓમાં સામેલ આસુ ઉર્ફે આસે ફોન કરી પોતાને અને સાથેના પ્રવિણ તેમજ અરૂણ ઉર્ફે ઇલુને પણ રાજકોટ આવવુ છે. રાજકોટમાં કોઇ મોટી લૂંટને અંજામ આપવાની વાત પણ કરી હોઇ રૂમ શોધવાનું કહેતાં રમઝાનઅલીએ રાજકોટના ભગવતીપરામાં એક રૂમ ભાડેથી રાખી બાદમાં આસુને જાણ કરતાં તે પ્રવિણ અને અરૂણને લઇ રાજકોટ લૂંટના પચ્‍ચીસેક દિવસ પહેલા આવ્‍યો હતો.

આ પછી ચારેય જણાએ સાથે મળીને વીસ દિવસ સુધી અલગ અલગ આંગડીયા પેઢીઓની રેકી કરી હતી. જેમાં સોૈથી છેલ્લે પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીને સોફટ ટારગેટ ગણી ત્‍યાં ત્રાટકવાનું નક્કી કર્યુ હતું. આ લૂંટ કરવા માટે એક બાઇકની ચોરી કરી હતી અને તેમાં નંબર પ્‍લેટ ખોટી લગાડી દીધી હતી. બાદમાં ૩૦મીએ રેકી મુજબ આંગડીયા કર્મચારી પોતાની ઓફિસમાં આવતાં જ એક આરોપી અંદર ઘુસી ગયો હતો અને બીજો હથીયાર સાથે બહાર ઉભો હતો. બાદમાં રોકડનો થેલો લૂંટી ચારેય અલગ અલગ રાજ્‍યમાં ભાગી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમોએ યુપી, રાજસ્‍થાન, બંગાળ, એમપી સહિતના રાજ્‍યોમાં દોડધામ કરી હતી અને બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળ થઇ હતી.

ભગવતીપરાના મકાન માલિકે આધાર પુરાવા લીધા વગર રૂમ ભાડે આપી પોલીસને જાણ પણ કરી ન હોઇ તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. અન્‍ય બે આરોપી ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા  પીએસઆઇ એ. એન. પરમાર, ડી. પી. ઝાલા, વી. ડી. ડોડીયા, એસ. એમ. રાણા, વી. ડી. રાવલીયા, એએસઆઇ દીગપાલસિંહ, અમિતભાઇ, યશવંતભાઇ, હિતેન્‍દ્રસિંહ, સમીરભાઇ, અશોકભાઇ, રણજીતસિંહ, સંજયભાઇ, વિજયરાજસિંહ, ભાવેશભાઇ, હેડકોન્‍સ. સુભાષભાઇ, સંજયભાઇ, પ્રદિપસિંહ, રાજેશભાઇ, વિજયભાઇ, દીપકભાઇ, જયરાજસિંહ, ધારાભાઇ, કરણભાઇ, સંજયભાઇ, કિશનભાઇ, અમીતકુમાર ખીમજીભાઇ, રાજદિપભાઇ, કૃષ્‍ણદેવસિંહ, જયદેવસિંહ, હરસુખભાઇ, મોહિલરાજસિંહ, દિપકભાઇ, મુકેશભાઇ, સાગરભાઇ, યજુર્વેદસિંહ, લાલજીભાઇ, તુલસીભાઇ, કુલદીપસિંહ, કોન્‍સ. ધર્મરાજસિંહ, નિકુંજભાઇ, રાજેશભાઇ, પોપટભાઇ, મહાવીરસિંહ, અરવિંદભાઇ, ગોપાલભાઇ, મયુરધ્‍વજસિંહ, અશ્વીનભાઇ, જીલુભાઇ, મનિષભાઇ, ધર્મેશભાઇ, સંજયભાઇએ આ કામગીરી કરી હતી.

(3:21 PM IST)