તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
લોધીકાના પીપરડી સહિત ૪ ગામોની ગૌચરની રપ૦ એકર જમીન સદ્દભાવના સેવા ફાઉન્ડેશનને ફાળવવાની કલેકટરમાં દરખાસ્ત થતાં પ્રચંડ વિરોધ :
ગ્રામજનો-આગેવાનો કલેકટર પાસે દોડી આવ્યાઃ સરપંચના ઠરાવ વગર લોધીકા મામલતદારે દરખાસ્ત કર્યાના આક્ષેપો : કલેકટર યોગ્ય નિર્ણય નહી લ્યે તો કલેકટર કચેરીમાં ગાયો લાવવાની ચેતવણી અપાઇ

રાજકોટઃ તા.૧૦, જિલ્લાના લોધિકા તાલુકાના પીપરડી ગામ સહિત આસપાસ ૪ થી પ ગામોની રપ૦ એકર ગૌચરની જમીન અન્ય સંસ્થાને ફાળવી દેવાની વહીવટી તંત્રની હિલચાલ સામે ગ્રામજનો અને માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન ફાળવણીના વિરોધમાં આજે પીપરડી ગામના જાગૃત નાગરિકો અને માલધારીઓ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને કલેક્ટરને લેખિત વાંધા અરજી આવેદનપત્ર આપી હતી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કલેકટર કચેરીમાં ગાયો લાવવાની ચેતવણી અપાઇ હતી.
રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, પીપરડી ગામની ગૌચરની સર્વે નં. ૧૭૫ ની ૨૫૦એકર જમીન બિનવારસુ ગૌવંશની જાળવણી માટે ‘શ્રી સદ્દભાવના સેવા ફાઉન્ડેશન, રાજકોટ'ને ખાસ કિસ્સામાં ભાડા પટ્ટે આપવાની કાર્યવાહી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના વિરોધમાં ગામના માલધારીઓએ કલેક્ટરને વાંધા રજૂ કર્યા છે. તેમજ મામલતદારે પણ સરપંચના ઠરાવ કે મંજૂરી વગર જમીન આપવા અંગે કલેકટરને દરખાસ્ત કરતા તેનો પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનોનો મુખ્ય વાંધો એ છે કે જો આ ગૌચરની જમીન સંસ્થાને આપી દેવામાં આવશે તો ગામના માલધારીઓના પશુઓને ચરાવવા માટે કોઈ જ જગ્યા રહેશે નહીં, જેનાથી તેમની આજીવિકા પર મોટો ફટકો પડશે.,ગ્રામજનો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જમીન ફાળવણી અંગે ગામમાં કોઈ જાહેર ગ્રામસભા બોલાવવામાં આવી નથી. ગ્રામ પંચાયત પાસેથી કોઈ લેખિત મંજૂરી કે ઠરાવ પણ લેવામાં આવ્યો નથી કે ગામના લોકોને આ અંગે અગાઉથી જાણ સુધ્ધાં કરવામાં આવી નથી. તંત્ર દ્વારા ખોટા અભિપ્રાયોના આધારે જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો છે.
આ સમગ્ર મામલે બીજી બાજુ લોધિકા મામલતદારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘હાલ માત્ર જમીન ફાળવણી માટેની દરખાસ્તની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિયમ મુજબ કોઈપણ જમીનની ફાળવણી કરતા પહેલા ગ્રામ પંચાયતની દરખાસ્ત અને અભિપ્રાય લેવાનો હોય છે, ત્યારબાદ જ આગળની કાર્યવાહી થાય છે. જોકે, ગ્રામજનો અને માલધારીઓ આ ગૌચરની જમીન કોઈપણ સંસ્થાને આપવા સામે મક્કમતાથી વિરોધ નોંધાવી રહ્યા છે અને આ ફાળવણીનો હુકમ તાત્કાલિક રદ કરવા માંગ કરી રહ્યા છે. મામલતદારે જણાવેલ કે સરપંચનો ઠરાવ પાછળથી આપી દેવાશે, હાલ તો કલેકટરને વિસ્તૃત પૂરવા સાથે આવેદન પાઠવાયું છે.' આવેદન દેવામાં અગ્રણીઓ સર્વશ્રી વિજયસિંહ, લોધીકા તાલુકા પંચાયતના સભ્યશ્રી રાજભા, પીપરડીના ભૂતપૂર્વ સરપંચ, આગેવાનો જોડાયા હતા.
(4:00 PM IST)










