તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
મવડી ચોકડી પાસે રૂમ રાખીને રહેતાં જયેશ વાઢેરે ઝેર પીધું
મોટો ભાઇ માથાકુટ કરતો હોઇ પગલુ ભર્યાનો આક્ષેપઃ બીજા બનાવમાં જિંદગીથી કંટાળી વિરમ ફિનાઇલ પી ગયો

રાજકોટ તા. ૧૦: મવડી ચોકડી પાસે દેવાયત બોદરની પ્રતિમા નજીક રૂમ ભાડે રાખીને રહેતાં જયેશભાઇ ભગવાનજીભાઇ વાઢેર-પ્રજાપતિ (ઉ.વ.૩૭) નામના યુવાને રાતે ઘરે હતો ત્યારે ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
જયેશભાઇના કહેવા મુજબ પોતે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને છુટાછેડા થઇ ગયા છે. હાલ તે માતા જ્યોત્સનાબેન ભેગો રહે છે. પિતા હયાત નથી. મોટો ભાઇ અલગ રહે છે. પોતે વેલ્ડીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. મોટો ભાઇ અવાર-નવાર ઘરે આવી માથાકુટ કરતો હોઇ અને થોડા દિવસ પહેલા માતાના સોનાના બુટીયા ઘરમાં પડયા હોઇ તે લઇ ગયો હોઇ પોતે કંટાળી જતાં ઝેરી પાવડર પી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં દુધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતાં વિરમ જેન્તીભાઇ સાતડીયા (ઉ.વ.૨૨) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. તે ભંગારનો ધંધો કરે છે અને એક ભાઇ બે બહેનમાં નાનો છે. જિંદગીથી કંટાળીને પગલુ ભર્યાનું તેણે રટણ કર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(2:21 PM IST)










