News of Monday, 10th August 2026
હૃદય બંધ પડી જવાથી શારદાબેન ડોબરીયા અને જગદીશભાઇ અમરેલીયાના મૃત્યુ
કુવાડવા રોડ વલ્લભનગર અને અટીકા ગોપવંદનના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૮: હૃદય ધબકારા ચુકી જવાને કારણે મૃત્યુના વધુ બે બનાવ બન્યા છે. જેમાં કુવાડવા રોડ પર રહેતાં મહિલા અને અટીકા વિસ્તારમાં રહેતાં પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ડી માર્ટ સામે મારૂતિનગર રોડ વલ્લભનગર-૧માં રહેતાં શારદાબેન જીતુભાઇ ડોબરીયા (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ કારખાનેદાર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં અટીકા વિસ્તારની ન્યુ ગોપવંદના સોસાયટી-૩માં રહેતાં જગદીશભાઇ નાગજીભાઇ અમરેલીયા (ઉ.વ.૫૬) સવારે છએક વાગ્યે બાથરૂમમાં ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જગદીશભાઇ અપરિણીત હતાં અને હીરાઘસુ તરીકે કામ કરતાં હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બેભાન હાલતમાં સરધારના સંજયભાઇ મકવાણાનું મૃત્યુ
જ્યારે સરધાર રહેતાં સંજયભાઇ બાવાભાઇ મકવાણા (ઉ.વ.૩૯) નામના યુવાન ૨૬/૭ના રોજ ઘરે પડી ગયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં ગોળાનું ઓપરેશન કરાવાયું હતું. બાદમાં ઘરે સારવાર ચાલુ હતી. ગત સાંજે તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:17 PM IST)










