<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

આંગણવાડી બહેનોનો આર્તનાદઃ હવે બહુ થયું સહન નહીં કરીએઃ પડતર પ્રશ્‍નો મામલે સરકારી નીતિ સામે આક્રોશ

કલેકટર કચેરીએ દેખાવોઃ ધરણા યોજયાઃ વિસ્‍તૃત આવેદન પાઠવી રજૂઆત... ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સપ્‍ટેમ્‍બરમાં ‘‘મહાપડાવ''ની જાહેરાત

રાજકોટ તા. ૧૦: રાજ્‍યમાં આંગણવાડી વર્કર અને હેલ્‍પરો દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓ અને શોષણના વિરોધમાં આંદોલનના મંડાણ કરવામાં આવ્‍યા છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન (જી.એ.કે.એસ.) - સેન્‍ટર ઓફ ઈન્‍ડિયન ટ્રેડ યુનિયન (સીઆઈટીયુ) દ્વારા એક પત્રિકા જારી કરીને સપ્‍ટેમ્‍બર મહિનામાં ‘‘જબ્‍બર મહા પડાવ'' માં જોડાવા માટે તમામ યુનિયન સભ્‍યો અને કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે. સંગઠને સ્‍પષ્ટ ચીમકી આપી છે કે ‘‘જબ્‍બર પડાવ સિવાય કોઈ રસ્‍તો નથી'' અને સરકાર તાત્‍કાલિક નિર્ણાયક બેઠક યોજીને આ પ્રશ્‍નોનો ઉકેલ લાવે, આજે સેંકડો આંગણવાડી બહેનો કલેકટર કચેરીએ ઉમટી પડી હતી, દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.

 કોરોના રસીકરણ, પોલિયો નાબૂદીમાં મહત્‍વની ભૂમિકા તેમજ સરકારના તમામ કાર્યક્રમોમાં ૧૦૦% સહયોગ છતાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તેઓને બીએલઓ, વસ્‍તી ગણતરી અને છેવટે કૂતરા ગણવાની કામગીરી પણ સોંપવામાં આવે છે. બીલો મોડા મળવા છતાં આંગણવાડી બહેનોએ ગુજરાતમાં એક પણ બાળકને પોષણ આહાર વિના રહેવા દીધું નથી અને સ્‍વખર્ચે પોષણ આહાર આપેલ છે. ૨૦૧૮ પછી કેન્‍દ્ર સરકારે વેતનમાં કોઈ વધારો કરેલ નથી.  ગુજરાત હાઈકોર્ટે વ્‍યાજબી પગાર નક્કી કરી આપ્‍યો હોવા છતાં, સરકારે તે ચૂકવવાને બદલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. ૨૦૨૨માં ગ્રેચ્‍યુટીના આપેલા ચુકાદામાં પણ પગારો ઓછા હોવાનું સ્‍પષ્ટ જણાવાયું હોવા છતાં પગારોમાં વધારો કરાયો નથી.પ્રોજેક્‍ટના ૫૦ વર્ષ પછી પણ આંગણવાડી કર્મચારીઓને કાયમી કરાયા નથી અને કાયમી નોકરીયાતને મળતા લાભો અપાતા નથી.વડાપ્રધાન અને મુખ્‍યમંત્રી સહિતના નેતાઓની સભામાં ભીડ એકઠી કરવા માટે ફરજિયાત હાજર રહેવા દબાણ કરવામાં આવે છે.

સંગઠને ‘‘અમારી લડાઈ શોષણ સામેની હકની લડાઈ'' ના નારા સાથે એક અવાજે આંદોલન માટે હાકલ કરી છે. આ પત્રિકા દ્વારા જણાવાયું છે કે બાળકો અને સુવાવડી માતાની દયા આવતી નથી અને કામનો સૌથી વધારે બોજ હોવા છતાં લઘુત્તમ વેતન પણ અપાતું નથી.

(4:00 PM IST)