તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 10th August 2026
રાજકોટના ન્યારી ડેમ પાસે રીલ બનાવતા નબીરાઓને સ્ટંટ કરવો ભારે પડ્યો:કાર નિયંત્રણ ગુમાવી પાણીમાં ખાબકી : જુઓ વિડિયો
ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કારને સફળતાપૂર્વક બહાર કાઢી: ડેમ સાઇટની નજીક વાહનોની અનધિકૃત અવરજવર અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા

રાજકોટના જાણીતા પ્રવાસન સ્થળ ન્યારી ડેમ પાસે સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ નબીરાઓને ભારે પડ્યો છે. ડેમ કિનારે જોખમી રીતે કારથી સ્ટંટ કરી રહેલા યુવકોની કાર અચાનક નિયંત્રણ ગુમાવતા ઊંડા પાણીની અંદર ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને પાણીમાં ગરકાવ થઈ ગયેલી કારને સક્ષમ સાધનોની મદદથી બહાર કાઢી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હોવાના અહેવાલ મળ્યા છે.
આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પ્રતિબંધિત અથવા જોખમી ગણાતા ડેમ સાઇટના કેચમેન્ટ વિસ્તારમાં વાહનો કેવી રીતે પ્રવેશ્યા તે અંગે સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. ડેમ સાઇટની એકદમ નજીક વાહનોની અવરજવર અને નબીરાઓની આવી જોખમી પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.
(3:24 PM IST)










