<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટ જિલ્લામાં ઓગસ્ટમાં પણ વરસાદની ભારે ઘટ: મોટાભાગના ડેમ અડધાથી વધુ ખાલી, ન્યારી-૨ ડેમ ઓવરફ્લોની નજીક પહોંચતા હાઇએલર્ટ!

અલનિનોની અસરથી સૌરાષ્ટ્રમાં મોસમનો અનિયમિત વરસાદ; ખેડૂતોના જીવ અધ્ધર, શ્રાવણ મહિનામાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશા!

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદની નોંધપાત્ર ઘટ વર્તાઈ રહી છે. ૧૫ જૂનથી ૮ ઓગસ્ટ સુધીના ૫૪ દિવસમાં રાજકોટમાં માત્ર ૧૮ ઈંચ જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાના મુખ્ય જળસ્ત્રોત એવા આજી, ન્યારી-૧ અને ભાદર ડેમમાં હજુ પણ પાણીની નોંધપાત્ર આવક થઈ નથી અને મોટાભાગના ડેમ અડધાથી વધુ ખાલી જોવા મળી રહ્યા છે.

 

જોકે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા વરસાદથી ૧૦ જેટલા ડેમોમાં ૦.૧૦ થી ૨ ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા ન્યારી-૨ ડેમમાં અડધો ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી ૧૯ ફૂટે પહોંચી છે. ૨૦.૭૩ ફૂટની ક્ષમતા ધરાવતો આ ડેમ હવે ઓવરફ્લો થવાથી માંડ એક ફૂટ દૂર છે. ડેમ ૯૧ ટકાથી વધુ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારો અને ગ્રામજનોને સાવચેત કરી હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

 

આ ઉપરાંત ગોંડલમાં ૨ ફૂટ, છાપરવાડી-૨ માં ૦.૩૩ ફૂટ, મોરબીના મચ્છુ-૧ માં ૦.૨૩ ફૂટ અને જામનગરના સપડા ડેમમાં ૦.૩૩ ફૂટ પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે અલનિનોની અસરના કારણે રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને કચ્છ પંથકમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે, જેના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેનાથી હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવે પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી મેઘરાજા મહેરબાન થશે અને જળાશયોમાં નવા નીરની આવક વધશે તેવી આશા ખેડૂતો અને સૌરાષ્ટ્રવાસીઓ રાખી રહ્યા છે.

(10:24 PM IST)