<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જ્ઞાનજીવન સોસાયટીના પાયલબેન સાથે જમીનના સોદામાં કાકાજી શિવપરાના ગેલા સોહલાની ૭૦ લાખની છેતરપીંડી

પાયલબેનના પતિ અર્જુનભાઇની મઘરવાડામાં આવેલી જમીન ૧ કરોડ ૫૧ લાખમાં વેચાંવી દેવાના નામે દસ્‍તાવેજ ટ્રાન્‍સફર કરાવી સોદો કરી ૧૬ લાખ જ દીધાઃ ગેલા અને તેના મિત્ર રેલનગરના બીજલ ગોલતર વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન નજીક જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતાં મહિલાના પતિની મધરવાડામાં આવેલી પોણા ચાર એકર જમીન તેણીના જ કાકાજી સસરા અને કાકાજીના મિત્રએ વેંચાવી આપવાના નામે દસ્‍તાવવેજ ટ્રાન્‍સફર કરાવડાવી ૧ કરોડ ૫૧ લાખમાં બારોબાર સોદો કરી તે પૈકી ાત્ર ૧૬ લાખ આપી બાકીના ૭૦ લાખ ન ચુકવી ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.

આ બારામાં ગાંધીગ્રામ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ દેશળદેવનગર જ્ઞાનજીવન સોસાયટી-૨, મોદી સ્‍કૂલની બાજુમાં રહેતાં પાયલબેન અર્જુનભાઇ સોહલા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી રૈયા રોડ હનુમાન મઢી પાછળ શીવપરા-૨માં રહેતાં તેણીના કાકાજી સસરા ગેલાભાઇ ઉકાભાઇ સોહલા અને કાકાજીના મિત્ર રેલનગર મફતીયાપરામાં રહેતાં બીજલભાઇનાગજીભાઇ ગોલતર વિરૂધ્‍ધ જમીનના સોદાના નામે છેતરપીંડી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાયલબેને ફરિયાદમાં જણાવ્‍યા મુજબ  તેમના પતિ અર્જુનભાઇ દેવાભાઇ સોહલા ટ્રાન્‍સપોર્ટનો વ્‍યવસાય અગાઉ કરતાં હતાં, હાલ કંઇ કામ કરતાં નથી. વર્ર્ષ ૨૦૨૩માં પાયલબેનના પરિવારની આર્થિક સ્‍થિતિ નબળી હોવાથી તેણીના  પતિ અર્જુનભાઈએ મધરવાડા ગામના સર્વે નંબર ૭૭ માં આવેલી પોતાની માલિકીની આશરે પોણા ચાર એકર જમીન વેચવાનું નક્કી કર્યુ હતું. આ માટે મુળ દસ્‍તાવેજો તેણીના કૌટુંબિક કાકાજી સસરા ગેલાભાઈ સોહલાને સોંપવામાં આવ્‍યા હતા. ગેલાભાઈએ પરિવારને વિશ્વાસમાં લઈ જમીનનો યોગ્‍ય સોદો કરાવી આપવાની ખાતરી આપી હતી.

જમીનની ખરીદ-વેચાણ પ્રક્રિયા દરમિયાન ગેલાભાઈ સોહલાએ એવું બહાનું બતાવ્‍યું હતું કે તમારા પરિવારમાં કૌટુંબિક ઝઘડો ચાલતો હોવાથી કોઈ સીધો સોદો નહીં કરે. આથી જમીનનો દસ્‍તાવેજ પહેલા દાદા લાલાભાઈ વશરામભાઇ ધોળકીયાના નામે ટ્રાન્‍સફર કરવો પડશે. વશ્વાસમાં આવીને પાયલબેનના પતિએ ગેલાભાઈના કહેવાથી લાલાભાઈના નામે રજિસ્‍ટર્ડ દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો, જે પેટે માત્ર ૧૪.૫૦ લાખ બેંક ખાતામાં જમા થયા હતા અને તેમાંથી પણ અમુક રકમ રોકડા તથા અન્‍ય રીતે લઈ લેવામાં આવી હતી.

ત્‍યારબાદ ગેલાભાઈ અને બીજલભાઈએ આ જમીનનો કૂલ સોદો ૧,૫૧,૦૦,૦૦૦ રૂપિયામાં નક્કી કર્યો હતો. પરંતુ ફરિયાદી પાયલબેનના પરિવારની અજાણતામાં અને અગાઉથી રચેલા પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનનો મુખ્‍ય દસ્‍તાવેજ બારોબાર લાલજીભાઈ વશરામભાઈ ધોળકીયા અને અન્‍યના નામે કરાવી દેવાયો હતો. ત્‍યારબાદ સોદાની નક્કી થયેલી ૧.૫૧ કરોડની રકમમાંથી ફરિયાદી પરિવારને કટકે-કટકે માત્ર ૧૬,૦૦,૦૦૦ જ આપવામાં આવ્‍યા હતા.

જ્‍યારે પાયલબેનના પરિવારે બાકી નીકળતા નાણાંની માગણી કરી, ત્‍યારે આરોપીઓએ દલાલી અને અન્‍ય ખર્ચાઓ ગણાવી ૩૦ લાખ નીકળતા હોવાનું ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. આ ઉપરાંત ફરિયાદી પાયલબેનના ભાઈના મોબાઈલ પર રૂપિયા ૩૫-૩૫ લાખના ચેકના ફોટા મોકલી આપી, નાણાં ચુકવાઈ ગયા હોવાનો ખોટો વિશ્વાસ અપાવ્‍યો હતો. આ ફોટા અને ખોટા વાયદાઓના આધારે આરોપીઓએ જમીનનો વાસ્‍તવિક કબ્‍જો અપાવી દીધો હતો. બાદમાં ચેક કે રોકડ નાણાં ન આપી  રૂપિયા ૭૦ લાખની ઠગાઇ કરી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:14 PM IST)