<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ત્રંબામાં ૯૬ વર્ષના હીરાભાઇ ખોરાણીએ ઓઇલ ગટવટાવી આપઘાત કરી લીધો!

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ બિમારીથી કંટાળીને પગલુ ભરી લીધું

 

રાજકોટ તા. ૭: આપઘાતના એક બનાવમાં એક વૃધ્‍ધે ઓઇલ પી લેતાં મોત થયું છે. રાજકોટના ત્રંબા ગામે રહેતાં ૯૬ વર્ષના વૃધ્‍ધ રાતે ઘરે હતાં ત્‍યારે ઓઇલ પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.જાણવા મળ્‍યા મુજબ ત્રંબામાં રહેતાં હીરાભાઇ ખીમાભાઇ ખોરાણી (ઉ.વ.૯૬) રાતે સાડા નવેક વાગ્‍યે ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ તપાસ કરતાં તેમણે ઘરમાં પડેલુ પડતર ઓઇલ પી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મોડી રાતે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર હીરાભાઇ નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. અલગ અલગ બિમારીઓ તેમને હોઇ દવા સારવાર છતાં ફરક પડતો ન હોઇ કંટાળી જતાં આ પગલુ ભરી લીધાનું સગાએ જણાવ્‍યું હતું.

(11:25 AM IST)