<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

શિક્ષણ સમિતિની શાળાઓના માતા-પિતા વિહોણા ૮૯ બાળકોને દર મહિને મળશે ૩-૩ હજાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માનવતાલક્ષી કાર્યઃ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે પાલક માતા-પિતા યોજના અંતર્ગત કુમારને ૧૮ વર્ષ સુધી તથા કુમારીને ર૧ વર્ષ સુધી લાભઃ કન્‍યાના લગ્ન સમયે ર લાખની આર્થિક સહાયઃ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ લાભ લઇ શકેઃ પુજારા-નિમાવત-જેઠવા

રાજકોટઃ તા.૬,  મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્‍તકની ૯૩ શાળાઓમાં અભ્‍યાસ કરતા માતા-પિતા વિહોણા વિદ્યાર્થીઓને ‘પાલક માતા-પિતા યોજના' અંતર્ગત ૮૯  બાળકોને લાભાર્થી બનાવવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ ખાનગી શાળામાં અભ્‍યાસ કરતા વિધાર્થીઓ પણ મેળવી શકે છે.

આ અંગે ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન  ડો.પ્રવીણકુમાર નિમાવત, અને શાસનાધિકારી આર.બી. જેઠવાના જણાવ્‍યા મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્‍તકની ૯૩ પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં વિધાર્થીઓ ૩૫ હજાર બાળકો વચ્‍ચે શાસનાધિકારી  આર.બી.જેઠવાની દિર્ઘદૃષ્ટી પૂર્વકની વિચારસરણીથી વિશાળ વિધાર્થી સમુદાય પૈકી ૮૯ માતા-પિતા વિહોણા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ‘પાલક માતા-પિતા યોજના'અંતર્ગત લાભાર્થી બનાવવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત કુમાર લાભાર્થીને ૩૦૦૦/- પ્રતિમાસ ૧૮ વર્ષની ઉમર સુધિ પ્રાપ્ત થતા રહેશે. જયારે કન્‍યા લાભાર્થીને ૩૦૦૦/- પ્રતિમાસ ૨૧ વર્ષની ઉમર સુધિ પ્રાપ્ત થતા રહેશે. તદ્‌ઉપરાંત કન્‍યાના લગ્ન સમારંભ સમયે ૨,૦૦,૦૦૦/- ની આર્થીક સહાય આપવામાં આવશે.

માતા-પિતા વિહોણા વિધાર્થીઓને આવી ઉતમ પ્રકારની સહાયો મળતા વિધાર્થીઓ તેમની યુવાવસ્‍થા સુધિ નિરંતર અભ્‍યાસ ચાલુ રાખે છે પરીણામે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્‍ય રહે છે. રાજય સરકારશ્રીની આ પ્રકારની માનવતાસભર અને લાંબાગાળાની યોજનાથી માતા-પિતા વિહોણા બાળકોને શાસનાધિકારી  આર.બી.જેઠવા અને ચેરમેન વિક્રમ પુજારાએ લાભાર્થી બનાવી માનવતાનું આગવું ઉદાહરણ પુરૂ પાડેલ છે.

તેમજ વિધાર્થીઓના વિશાળ સમુદાયમાથી માતા-પિતા વિહોણા બાળકોને શોધવા જેવી જટીલ કામગીરીમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,રાજકોટ દ્વારા માનવતા મહેકાવતા અવિરત સાથ અને સહકાર પ્રાપ્ત થયેલ છે 

આ યોજનાનો લાભ સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગની કચેરી, બહુમાળી ભવન (જિલ્લા સેવા સદન), રેષકોર્સ રીંગ રોડ ખાતેથી ફોર્મ સાથે જરૂરી આધારો આપી મેળવી શકાશે તેમજ આ બાબતમાં કોઈ મુશ્‍કેલી જણાય તો અત્રેની કચેરીનો સંપર્ક કરવો.

આ કામગીરીને  સફળ બનાવવા ચેરમેન  વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન  ડો.પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી  રમેશભાઈ જેઠવાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યશ્રીઓ દ્વારા કામગીરી કરેલ

(3:19 PM IST)