તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
શહેરમાં રપ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરોઃ ૬ પ્લોટમાં વૃક્ષારોપણની દરખાસ્ત પરત મોકલાઇ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ર૦.રપ કરોડના વિકાસ કામો મંજૂર : રાજય સરકારના વૃક્ષરોપણ લક્ષ્યાંકને લઇ વિગતવાર એકશન પ્લાન રજૂ કરવા વિભાગને સૂચના : વોર્ડ નં. ૧૮ માં કોઠારિયા રોડ પર રૂા. ૧૧.૧૧ કરોડનો સીસી રોડ મંજૂર, સરકારની ગ્રાન્ટ મળ્યા બાદ જ કામ શરૂ કરાશેઃ ૧૬ દરખાસ્તોમાંથી ૧ર મંજૂર બે પેન્ડિંગ અને બે દરખાસ્તો સુધારા સાથે પરત મોકલાઇ

રાજકોટ, તા. ૬: રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આગામી એક વર્ષમાં ૨૫ લાખ વળક્ષોનું વાવેતર કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં વળક્ષારોપણ માટે રૂ. ૪૪.૬૬ લાખના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે, માત્ર ખર્ચ મંજૂર કરવા કરતાં સમગ્ર અભિયાન માટે ફૂલપ્રૂફ આયોજન, સ્થળવાર વિગતો, જાળવણી વ્યવસ્થા અને અમલીકરણની સ્પષ્ટ યોજના રજૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરતાં સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર વિભાગ તરફ પરત મોકલી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ પત્રકારનો વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ મહત્ત્વના લક્ષ્યાંકને સફળ બનાવવા માટે માત્ર વળક્ષારોપણ પૂરતું નથી, પરંતુ કયા વિસ્તારમાં કેટલાં વળક્ષો વાવવામાં આવશે, તેની જાળવણી કેવી રીતે થશે અને સર્વાઇવલ રેટ કેવી રીતે જળવાશે તે સહિતનું સંપૂર્ણ આયોજન રજૂ કરવું જરૂરી છે. તેથી દરખાસ્તને જરૂરી વિગતો સાથે ફરી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ૧૬ દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી. જેમાંથી ૧૨ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જ્યારે બે દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને બે દરખાસ્તો વધુ વિગતો સાથે ફરી રજૂ કરવા કમિશનર તરફ પરત મોકલવામાં આવી.
આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ બેઠકમાં વોર્ડ નં. ૧૮ના કોઠારિયા મેઈન રોડ પર સાંઈબાબા સર્કલથી ભવાની ચોક સુધી સીસી રોડ તથા આંશિક માર્ગ નિર્માણ માટે રૂ. ૧૧.૧૧ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરમાં સીસી રોડ માટે ગ્રાન્ટની જાહેરાત કરાઈ હોવાથી આ કામ રાજ્ય સરકારની ગ્રાન્ટ પ્રાપ્ત થયા બાદ જ શરૂ કરવાનું રહેશે તેવી સ્પષ્ટ સૂચના સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે.
તે ઉપરાંત વોર્ડ નં. ૧૮માં શિવભવાની રેસિડેન્સી નજીક બોક્સ કલ્વર્ટના નિર્માણ માટે રૂ. ૫.૫૪ કરોડ, ઈસ્ટ ઝોનના બગીચા, સિનિયર સિટિઝન પાર્ક અને બાળ ક્રીડાંગણની એક વર્ષની જાળવણી માટે રૂ. ૯૨.૮૧ લાખ, તેમજ વોર્ડ નં. ૧૫માં દાધા હનુમાનજી મંદિર નજીક સીસી રોડ માટે રૂ. ૨૬.૩૨ લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટ માટે ‘નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર સર્વિસિસ ઇન્કોર્પોરેટેડ (NICSI)'ના કન્સલ્ટન્ટ માટે રૂ. ૧.૧૧ કરોડના ખર્ચની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી. પરંતુ એજન્સી કઈ કામગીરી કરશે તેની પૂરતી વિગતો રજૂ ન થતાં આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭ અને ૨૦૨૭-૨૮ના સ્ટેચ્યુટરી ઓડિટ માટે ખાસ ઓડિટરની નિમણૂક અંગેની દરખાસ્ત પણ વધુ વિગતો માંગતા પેન્ડિંગ રાખવામાં આવી છે.
શહેરના ત્રણેય ઝોનમાં સેન્ટ્રલ વર્જ, ટ્રાફિક જંક્શન અને આઈલેન્ડ સર્કલની જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ સંપૂર્ણ વિગતો સાથે ફરી રજૂ કરવાની નોંધ સાથે કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.
ચાર મહિનામાં બાકી રહેતી ર.૧પ લાખ મિલ્કતોનું જીઓ-ટેગિંગ પૂર્ણ થશે
રાજકોટ : મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ શહેરમાં કુલ ૬.૪૫ લાખ મિલ્કતો નોંધાયેલી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૪.૩૦ લાખ મિલ્કતોનું જીઓ-ટેગિંગ પૂર્ણ થઈ ચૂકયું છે. બાકી રહેલી ૨.૧૫ લાખ મિલ્કતોના જીઓ-ટેગિંગ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
આ કામગીરી એસ્ટિમેટ કરતાં ૨૦ ટકા ઓછા ભાવે હર્ડસ ઇન્સ્પેક્શન એન્ડ સર્વિસિસ પ્રા. લિ.ને સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ બાકી રહેલી તમામ મિલ્કતોનું જીઓ-ટેગિંગ કરવાની સાથે ૪૬ હજાર જેટલા અનલિંક વોટર કનેક્શનને પણ ડિજિટલ ડેટાબેઝ સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે.
જીઓ-ટેગિંગ દરમિયાન મિલ્કતનો ઉપયોગ, ભોગવટેદારની વિગતો, મિલ્કતના ફોટોગ્રાફ્સ, વોટ્સએપ નંબર સહિત કુલ આઠ પરિમાણોનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં મહાનગરપાલિકાનો ડેટાબેઝ વધુ સુદૃઢ બનશે, મિલ્કતવેરા વ્યવસ્થામાં પારદર્શિતા આવશે અને વેરા વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ચાર મહિનામાં બાકી રહેલી તમામ ૨.૧૫ લાખ મિલ્કતોનું જીઓ-ટેગિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
(2:53 PM IST)










