<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

બ્‍યુટી પાર્લરની નોકરીની લાલચ આપી મવડીના દંપતિએ યુવતી પાસે દેહવ્‍યાપાર કરાવ્‍યોઃ પૈસા ખાઇ જઇ ધમકી દીધી

યુવતિનો મિત્ર જે તે વખતે જેલમાં જતાં તેને છોડાવવા વકિલને ચાર લાખની ફી દેવી પડશે, આ માટે તારે દેહવ્‍યાપાર કરવો પડશેઃગ્રાહક દિઠ બે હજાર, નાઇટના આઠ હજાર મળશે, કસ્‍ટમર હું આપીશ...તેવું કહી રિધ્‍ધીએ લલચાવીઃ અઢીસો જેટલા ગ્રાહકો સાથે સુવા મજબૂર કરીઃ જેના નાણા પોતે જ રાખી લીધાઃ છેલ્લે યુવતિએ આવુ કામ બંધ કરી હિસાબ માંગતા ધમકી દીધીઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: શહેરમાં બ્‍યુટી પાર્લરમાં સારી નોકરી આપવાની અને તેણીના મિત્રને જેલમાંથી છોડાવી આપવાની બાંહેધરી આપી એક યુવતીને એક દંપતિએ જાળમાં ફસાવી તેણી પાસે દેહવ્‍યાપાર કરાવી ગ્રાહકો તરફથી મળતાં નાણા પોતે રાખી લઇ યુવતિને ન આપી માથે જતાં ધમકી દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં આ મામલે પોલીસે ગુનો નોંધ્‍યો છે. રાજકોટની અલગ અલગ હોટેલોમાં યુવતિને મોકલી અઢીસો વખત શરીર સંબંધ બંધાવી દંપતિ રૂપિયા ખાઇ ગયાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હાલ રાજકોટ રહેતી મુળ જુનાગઢ પંથકની ૨૦ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી મવડી પ્‍લોટ બાપા સિતારામ ચોક આદર્શ એવન્‍યુ બી-૨૦૨માં રહેતાં અને હોટેલનું સંચાલન પણ કરતાં હિરેન કિશોરભાઇ રૂડકીયા, તેની પત્‍નિ રિધ્‍ધી હિરેન રૂડકીયા અને હિરેનના ભાઇ મયુર કિશોભાઇ રૂડકીયા વિરૂધ્‍ધ  ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ભોગ બનનાર ૨૦ વર્ષની યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે એકાદ મહિનાથી હું પતિ સાથે રહુ છું અને અમે કોર્ટમેરેજ કર્યા છે.  મેેં વર્ષ ૨૦૨૪માં બ્‍યુટી પાર્લરનો કોર્સ પુરો કર્યો હતો. બાદમાં મારા મિત્ર જે હાલ મારા પતિ છે  તેના  મારફતે રાજકોટના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા હિરેન રૂડકીયા અને તેની પત્‍નિ રિધ્‍ધીનો સંપર્ક થયો હતો. હિરેન અને રિધ્‍ધીએ મને રાજકોટમાં બ્‍યુટી પાર્લરમાં ૧૫,૦૦૦ રૂપિયાના માસિક પગારથી નોકરીએ રખાવવાની ખાતરી આપી હતી અને એડવાન્‍સ પેટે મારા પિતાને ૧૦,૦૦૦ રૂપિયા આપ્‍યા હતા.

આ પછી હું મિત્ર સાથે રાજકોટ આવીને મિલપરા શેરી નં. ૧૪માં આવેલી એચ. આર. કિંગ હોટલમાં રોકાઈ હતી. આ વખતે અહિ હિરેન અને રિધ્‍ધી પણ હતાં. જે તેના ઘરે જતા રહ્યા હતાં. અમે બંને હોટેલના રૂમમાં રોકાયા હતાં. એ પછી મિત્ર શાપર જતો રહ્યોહ તો. હું ત્‍યાં જ રોકાઇ હતી. બાદમાં તા. ૧૬/૧૧/૨૫ના સાંજે મારો મિત્ર પાછો આવ્‍યો હતો. આ વખતે સાતેક વાગ્‍યે રૂમમાં હિરેન આવ્‍યો હતો અને કહ્યું હતું કે તારા મિત્રને કોઇ કેસમાં ગાંધીગ્રામ પોલીસમાં હાજર થવાનું છે, તેની અટકાયત થશે અને ૨૪ કલાકમાં તે છુટી જશે. આ પછી ૧૭/૧૧ના રોજ મારા મિત્રને હિરેન અને રિધ્‍ધી ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને રજૂ કરવા લઇ ગયા હતાં. રાતે નવેક વાગ્‍યે રિધ્‍ધી હોટલે પાછી આવી હતી અને કહ્યું હતું કે તારા મિત્રનેજેલમાંથી છોડાવવા માટે વકિલ રાખવો પડશે અને અંદાજે ૪ લાખ રૂપિયાનો ખર્ચ થશે.

આ પછી હુ રડવા લાગતાં રિધ્‍ધીએ સમજાવેલુ કે તું દેહવ્‍યાપારનો ધંધો કરે તો સારા રૂપિયા મળશે, કસ્‍ટમર હું લાવીશ અને જેટલુ પેમેન્‍ટ આવશે તેમાંથી એક કસ્‍ટમર દીઠ ૨૦૦૦ આપીશ. નાઇટના ૮૦૦૦ આપીશ. આ પછી રિધ્‍ધી મને ફોન કરે તે હોટેલના રૂમમાં જઇ શરીર સંબંધ બાંધવાના હતાં. આખી રાત રોકાવાનું હોય તો રાતના અગીયારથી સવારના છ સુધીનો સમય નક્કી કર્યો હતો. મારે મારા મિત્રને છોડાવવો હોઇ ફી ભરવાના પૈસાની જરૂર હોઇ જેથી મેં હા પાડતાં એ રાતથી જ એચ. આર. કિંગ હોટેલમાં મારી પાસે કામ શરૂ કરાવી દીધુ હતું. મને બીજી હોટેલોમાં પણ મોકલાતી હતી. જેમાં બસ સ્‍ટેશન પાછળની હોટેલોમાં જવાનું હતું. હિરેનનો નાનો ભાઇ મયુર મને એક્‍ટીવામાં જે તે હોટલે લઇ જતો હતો.

દરમિયાન ૩૧/૧૨/૨૫ના થર્ટી ફર્સ્‍ટ નાઇટમાં હિરેન તેના પરિવાર સાથે મને સુરત લઇ ગયો હતો. ત્‍યાં ડુમ્‍મસ રોડની હોટેલમાં રોકાઇ રાજકોટ પરત આવ્‍યા હતાં. બાદમાં હિરેનની પત્‍નિ રિધ્‍ધીએ મને ત્રણ સાડા ત્રણ મહિનામાં આશરે ૨૫૦ જેટલા કસ્‍ટમર પાસે શરીર સંબંધ બાંધવા મોકલી હતી. તેમજ કુલ ૨૮ જેટલી નાઇટ કરી હતી. રિધ્‍ધી ગ્રાહકો પાસેથી મેળવેલ નાણા પોતાના યુપીઆઇ તથા સ્‍કેનર કે રોકડા સ્‍વરૂપે મેળવી  લઇ મને નજીવી રકમ જ આપતી હતી. નક્કી થયા મુજબ મને રકમ અપાતી નહોતી. અંતે હું આ કામથી કંટાળી ગઇ હોઇ મેં  દેહવ્‍યાપાર કરવાની ના પાડી ત્‍યારે રિધ્‍ધીએ મારા પિતા અને પરિવારને આ બાબતે જાણ કરી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી મારો મિત્ર જેલમાંથી છુટી ગયો હોઇ મેં હિરેનને વ્‍હોટ્‍સએપ કોલ કરી હવે આ કામ નથી કરવું તેમ કહેતાં હિરેન અને રિધ્‍ધી હોટલે આવ્‍યા હતા. આ વખતે મેં મારા હિસાબના રૂીપયા માંગતા આ બંનેએ કોઇ રૂપિયા આપવાના થતાં નથી તેમ કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી હતી.

જો કે બાદમાં અમારી વચ્‍ચે સમાધાન  થઇ ગયું હતું અને અઠવાડીયામાં પોતે પૈસા આાપી દેશે તેમ હિરેને કહ્યું હતું. હિરેન આ હોટેલ ભાડેથી ચલાવતો હોઇ તે ખાલી કરી નાંખતાં અમને કહેલું કે તમને બીજી હોટેલમાં શીફટ કરી દઇશ. એ પછી અમને કાલાવડ રોડ પરની હોટેલમાં મોકલ્‍યા હતાં. ત્‍યાં ત્રણ દિવસનું પેમેન્‍ટ તેણે આપ્‍યું હતું.બા રિધ્‍ધી અને તેનો પતિ હિરેન ફોન ઉપાડતાં ન હોઇ અને હવે ફોન બંધ કરી દીધો હોઇ તેમજ હિરને મારા અને મિત્રના સંબંધની જાણ મારા પિતાને કરી દીધી હતી. મારા મિત્રને જેલમાંથી છોડાવવા આવકનું પ્રલોભન આપી મારી પાસે દેહવ્‍યાપાર કરાવડાવી પુરા રૂપિયા ન આપી માથે જતાં ધમકી આપી અપમાનીત કરી હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. બરાડીયા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(2:39 PM IST)