તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
તણાવ અને ખરાબ સંગત એ વ્યસનના મુખ્ય કારણો છેઃ ડો.દર્શિતા શાહ
આત્મઓળખ અને રાજયોગના માધ્યમથી વ્યસનમુક્ત શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા મળે છેઃ ભારતી દીદી

રાજકોટઃ ગોંડલ રોડ સ્થિત ‘જ્યોતિ દર્શન' ભવન ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ‘૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન'નો શુભારંભ કરવામાં આવ્યાનું સંસ્થા નોંધે છે. ઉપસ્થિત લોકોએ ‘ક્યુઆર' કોડ સ્કેન કરીને ડિજિટલ માધ્યમથી પણ ‘નશામુક્તિ પ્રતિજ્ઞા' નોંધાવી હતી.
બ્રહ્માકુમારી અંજુ બહેને આ મહાઅભિયાનનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે નશો એ માત્ર એક વ્યક્તિની શારીરિક બીમારી નથી, પરંતુ તે આખા પરિવાર અને સમાજનો વિનાશ કરે છે. આ અભિયાનનો ધ્યેય લાખો યુવાનો અને પરિવારના સભ્યોને નશામાંથી મુક્ત કરી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો છે. આ પ્રસંગે અતિથિ તરીકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યાનું પણ સંસ્થા નોંધે છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તણાવ અને ખરાબ સંગત એ વ્યસનના મુખ્ય કારણો છે. યુવાનોને નશામુક્ત બનાવીને જ વિકસિત ભારતનું નિર્માણ શક્ય છે. એસ.ઓ.જિ વિભાગના નિલેશભાઈ ચૌધરીએ જણાવેલ કે નશામુક્ત સમાજના નિર્માણ માટે પોલીસ અને સમાજે મળીને કામ કરવું પડશે. આ પ્રસંગે મિલનભાઈ પંડિત પણ ઉપસ્થિત રહેલ. રાજયોગિની ભારતી દીદીજીએ આત્મ-ઓળખ અને રાજયોગના માધ્યમથી સકારાત્મક, વ્યસનમુક્ત અને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી હતી. મેડિકલ વિંગના બી કે વિધિબેને નશામુક્તિ, તણાવમુક્તિ અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગેની સેવાઓની માહિતી પૂરી પાડી હતી. કુમારી તૃષાએ નૃત્ય, પ્રેરણાદાયી રીતે જીવન અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. જ્યારે બ્રહ્માકુમારી શીતલબેને રાજયોગ મેડિટેશનનો અનુભવ કરાવ્યો હોવાનું જણાવાયું છે. બ્રહ્માકુમારીઝ દ્વારા દેશભરમાં ૨૦ ઓગસ્ટ સુધી નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. દેશભરના ૬ હજારથી વધુ સેવાકેન્દ્રો અને ૫૦ હજાર પાઠશાળાઓમાં નશા મુક્તવીરો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમ પણ સંસ્થાની યાદી નોંધે છે.
(2:20 PM IST)










