તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સ્કોચની બોટલોમાં સસ્તી વ્હીસ્કી ભરીને પ્યાસીઓને ધાબડવાનું કારસ્તાનઃ ભગવતીપરાનો અનિશ પકડાયો: જુઓ વિડિયો
પાંચ-પાંચ હજારની બે ભરેલી બોટલો અને શીવાજ રીગલ, ગ્લીનફીડીચની ખાલી બોટલો, ગરણી, બોટલ પર લગાડવાના રેડીયમ, લાલ-લીલા સીલ, ઢાંકણા ફીટ કરવાની હીટગન કબ્જે પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને ટીમે કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડાની બાતમી પરથી દરોડો પાડયો હતો, કઇ રીતે પોતે બોટલો બનાવતો હતો તેનો ડેમો બતાવ્યો હતો

રાજકોટ તા. ૬: શહેરમાં વધુ એક વખત મોંઘી બ્રાન્ડની સ્કોચના નામે આવી બોટલોમાં રનીંગ દારૂ ભરીને પ્યાસીઓને ધાબડી દેવાનું કારસ્તાન ખુલ્યું છે. ભગવતીપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં શખ્સે ટુંકા રસ્તે વધુ રૂપિયા કમાઇ લેવા માટે મોંઘીદાટ સ્કોચ-વ્હીસ્કીની બોટલોમાં ગોલમાલ કરી છસ્સો-આઠસોમાં મળતી વ્હીસ્કીની બોટલોનો દારૂ ભરી દઇ તેમાં નામ પુરતો મોંઘો દારૂ ઉમેરી સ્કોચના નામે વેંચવાનું ચાલુ કર્યુ હતું. પીસીબીની ટીમે તેને દબોચી લઇ સ્કોચ-વ્હીસ્કી ભરેલી બે બોટલો અને બીજી બ્રાન્ડેડ કંપનીની સ્કોચની ખાલી બોટલો, ઢાંકણા, રેપર, સીલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કિરતસિંહ ઝાલા અને કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે ભગવતીપરા વિનોબા ભાવે ટાઉનશીપ બ્લોક નં. બી-૧૬, ૧૦૫માં રહેતો શખ્સ મોંઘા ભાવની સ્કોચ-વ્હીસ્કીની ખાલી બોટલોમાં રોયલ ચેલેન્જ, ઓલ સીઝન્સ જેવી વ્હીસ્કી તથા થોડી સ્કોચ ઉમેરી બોટલો બનાવી સ્કોચના નામે વેંચે છે. આ બાતમી પરથી ટીમે દરોડો પાડતાં એક શખ્સ ટાઉનશીપના પાર્કિંગમાં થેલા સાથે મળી આવ્યો હતો. તપાસ કરતાં થેલામાં દારૂ તથા અલગ અલગ બોટલના શીલ, સહિતની ચીજવસ્તુ મળી હતી.
પુછતાછ કરતાં આ શખ્સે પોતાનું નામ અનિશ આમદભાઇ હીંગોરા (ઉ.વ.૨૮) હોવાનું અને પોતે આ ટાઉનશીપમાં જ રહેતો હોવાનું તથા છુટક ડ્રાઇવીંગ કરતો હોવાનું કબુલ્યું હતું. પોલીસને થેલામાંથી ધ સિંગલટન સિંગલ મોલ્ટ વ્હીસ્કીની એક લિટરની રૂા. ૫૫૧૪ની એક બોટલ તથા ધ બેલવેવની કેરેબીયન કાસ્કની ૭૫૦ એમએલની એક બોટલ રૂા. ૫૯૯૩ની મળી આવી હતી. વિશેષ પુછતાછ કરતાં પોતે રનીંગ દારૂની બોટલોમાંથી દારૂ કાઢી સ્કોચની ખાલી બોટલોમાં ભરી ઉપર હીટ ગનની મદદથી સીલ લગાવી સ્કોચના ભાવે વેંચતો હોવાનું કબુલ્યું હતું.
પોલીસે તેની પાસેથી શીવાજ રીગલની એક ખાલી બોટલ, ગ્લીનફીડીચ ટ્વેલ્વ યર્સ ઓલ્ડની બે ખાલી બોટલ, ગ્લીનફીડીચ ફીફટીન યર્સ ઓલ્ડની એક ખાલી બોટલ, પ્લાસ્ટીકની ગરણી, હીટ ગન, બોટલ ઉપર લગાડવાનું રેડીયમ, બોટલ ઉપર લગાવવાના લાલ-લીલા રંગના શીલ-૨૦ નંગ મળી આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અઠવાડીએ બે ચાર આવી બોટલો ગોલમાલ કરીને બનાવતો હતો અને પ્યાસીઓને ઉંચા ભાવે વેંચતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે આવુ કામ ચાલુ કર્યુ હતું. વધુ પુછતાછ માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમરા, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)
ખાલી બોટલો ભંગારના ડેલામાંથી લાવતો, ઉપર લગાડવાના નવા સીલ ઓનલાઇન મંગાવતો!
ઞ્જઅનિશની પીસીબીની ટીમે પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે પોતે સ્કોચની ખાલી બોટલો અલગ અલગ ભગારના ડેલામાંથી લાવતો હતો અને બાદમાં આ બોટલો ઉપર લગાડવા માટેની નવી કેપ, સીલ વગેરે ઓનલાઇન પોર્ટલ પરથી મંગાવી બોટલમાં સસ્તો દારૂ ભરી સ્કોચના નામે મોંઘાભાવે વેંચતો હતો.
(3:03 PM IST)










