તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
કલેશને કારણે ઝેર પી લેનારા માતા-પુત્રમાં પુત્ર બાદ માતાનું પણ મૃત્યુ
કોઠારીયા રોડ રામેશ્વર પાર્કનો બનાવ ૩૦મીએ પુત્ર બ્રીજેશનું મોત થયું હતું: દમયંતિબેન રબારાએ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ રામેશ્વર પાર્ક-૪માં રહેતાં દમયંતિબેન મનસુખભાઇ રબારા-પટેલ (ઉ.વ.૫૮) અને તેમનો દિકરો બ્રિજેશ મનસુખભાઇ રબારા (ઉ.વ.૨૩) ૩૦મીએ ઘરે ઝેરી દવા પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ટુંકી સારવાર બાદ પુત્ર બ્રિજેશનું મૃત્યુ થયું હતું. સારવાર દરમિયાન આજે માતા દમયંતિબેને પણ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આપઘાત કરનાર બ્રિજેશ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે ઘર પાસે જ ફાસ્ટફૂડનો સ્ટોલ ચલાવતો હતો. તેનો મોટો ભાઇ પરિણીત છે અને તમામ પરિવારજનો સાથે જ રહેતાં હતાં. મોટો ભાઇ પણ ફાસ્ટફૂડનો ધંધો કરે છે. ૩૦મીએ સાંજે બહાર સ્ટોલ પર બ્રીજેશના પિતા, મામા, મોટો ભાઇ સહિતના લોકો ચર્ચા કરતાં હતાં ત્યારે દમયંતિબેને પતિને ફોન કરી પોતે અને બ્રિજેશ દવા પી ગયા છે તેવુ કહેતાં બધા ઘરમાં દોડી ગયા હતાં અને મા-દિકરાને સારવાર માટે ખસેડયા હતાં. જો કે ટુંકી સારવાર બાદ બ્રિજેશનું મૃત્યુ થયું હતું. હવે દમયંતિબેને પણ અંતિમ શ્વાસ લેતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાનું ખુલ્યું હતું
(3:08 PM IST)










