તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
કોઠારીયા રોડ નંદા હોલ પાછળ ઘરમાં ઇલેક્ટ્રીક બાઇક સળગતાં આગઃ ફસાયેલા છ લોકોને બચાવાયા
આગને લીધે ઘરમાં ધૂમાડો ભરાઇ ગયો હતોઃ ફાયર બ્રિગેડની ટીમોએ જાનહાની અટકાવી

રાજકોટઃ કોઠારીયા રોડ નંદા હોલ પાસે સુભાષનગર-૫માં મકાનમાં આગ ભભૂકતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ હતી. મકાનની અંદર ઇલેક્ટ્રીક બાઇકમાં આગ ભભૂકી હતી. તેના કારણે આખા ઘરમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો. મકાનમાં છ પરિવારજનો હરેશભાઇ ધીરૂભાઇ કંડોલીયા (ઉ.વ.૪૩), નીતાબેન હરેશભાઇ (ઉ.વ.૪૨), સોહન હરેશભાઇ (ઉ.વ.૧૭), અલ્પાબેન જયેશભાઇ ફળદુ (ઉ.વ.૩૨), કર્મ જયેશભાઇ ફળદુ (ઉ.વ.૭), નીરમા હરેશભાઇ કંડોલીયા (ઉ.વ.૧૦) હતાં. પરિસ્થિતિની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડની ટીમોએ તુરત જ આ તમામને સુરક્ષીત રીતે ઘરમાંથી બહાર કાઢી બચાવી લઇ બાઇકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી બુઝાવી હતી અને વધુ આગળ વધતી અટકાવી હતી. ફાયર બ્રિગેડના એમે. એમ. શેખ, કે. બી. ગોસ્વામી, વિક્રમભાઇ, કમલેશભાઇ, દશરથભાઇ, મેહુલભાઇ, પ્રદિપભાઇ, ચંદુભાઇ, વિજયભાઇ, અર્જુનભાઇ, જયદીપભાઇ, રવિન્દ્રસ્ંિહ, નાહજુભાઇ, શક્તિસિંહ, હિમાંશુભાઇ, મેહુલભાઇ, વિશાલભાઇ, કલ્પેશભાઇ, સુનિલભાઇ, સચીનભાઇ સહિતે આ કામગીરી કરી હતી. ફાયર બ્રિગેડની કામગીરીના દ્રશ્યો, બળીને ખોખુ થઇ ગયેલુ બાઇક જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:07 PM IST)










