<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

થિરૂવંતપુરમ-પોરબંદર ટ્રેનના ત્રણ કોચમાંથી રાજકોટ રેલ્‍વે એલસીબીએ દારૂનો જથ્‍થો પકડયો

એસી કોચની બેટરી પાસે અને બાથરૂમની છતમાં બોટલો છુપાવીને થાય છે હેરાફેરી! : બી-૧, બી-૨, બી-૬ કોચમાંથી ૯૧ હજારનો દારૂ મળ્‍યોઃ પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જયેન્‍દ્રસિંહ. એમ. પરમાર, એએસઆઇ રામજીભાઇ, કોન્‍સ. ભુપતભાઇ, જયેશભાઇની ટીમની કામગીરી

રાજકોટ તા. ૫: રાજકોટ રેલ્‍વે પોલીસ એલસીબીની ટીમે થિરૂવંતપુરમ-પોરબંદર ટ્રેનના અલગ અલગ કોચમાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લઇ હેરાફેરી કરનારાને શોધવા તપાસ હાથ ધરી છે. આ ટ્રેન પોરબંદર પહોંચી ત્‍યારે એલસીબીની ટીમે બાતમીને આધારે ત્રણ અલગ અલગ કોચ (ડબ્‍બા)માંથી આ જથ્‍થો શોધી કાઢયો હતો. એસી કોચની બેટરી પાસેની જગ્‍યામાં અથવા તો કોચના બાથરૂમની છતમાં બોટલો છુપાવી હેરાફેરી થતી હોવાની પ્રાથમિક માહિતી રેલ્‍વે પોલીસને મળી હોઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ ટ્રેનમાં દારૂની હેરાફેરી ન થાય અને આવી હેરાફેરી કોઇ કરતું હોઇ તો શોધી કાઢી કેસ કરવાની સુચના મળી હોઇ રાજકોટ રેલ્‍વે એલસીબીના પીએસઆઇ જયેન્‍દ્રસિંહ એમ. પરમાર અને ટીમ રાજકોટથી પોરબંદર સુધી થિરૂવંતપુરમ-પોરબંદર રૂટની ટ્રેનમાં પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન ટ્રેન પોરબંદર પહોંચી ત્‍યારે સાથેના એએસઆઇ રામજીભાઇ ચંદુલાલ, કોન્‍સ. ભુપતભાઇ કાનાભાઇ, જયેશભાઇ નાથાભાઇને બાતમી મળી હતી કે ટ્રેનના કોચ નં. બી-૧, બી-૨ અને બી-૬માં દારૂનો જથ્‍થો છે. આ માહિતી પરથી તપાસ કરતાં આ ત્રણેય કોચમાંથી અલગ અલગ બ્રાન્‍ડની દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે આઇકોનીક વ્‍હાઇટ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૪૮ ચપલા, ઓકસ્‍મીથ વ્‍હીસ્‍કી ફોર સેલ ઇન ગોવાના ૭૨ ચપલા-નાની બોટલો, નેશનલ ઓરેન્‍જ વોડકાના ૧૮૦ એમએલના ૩૩ ચપલા, રોયલ ક્‍લાસીક વ્‍હીસ્‍કીના ૮૮ ચપલા, ગ્રીનએપલ વોડકાના ૧૨૮ ચપલા, બેગપાઇપર વ્‍હીસ્‍કીની ૭૫૦ એમએલની ૧૬ બોટલ, રોયલ ક્‍લાસીક વ્‍હીસ્‍કીની ૧૦ બોટલ મળી કુલ રૂા. ૯૯૧૧૪૦નો દારૂ કબ્‍જે કરી અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રેલ્‍વે પોલીસ મહાનિર્દેશક કે. એન. ડામોર, અધિક્ષક યશપાલ જગાણીયા, પીઆઇ જે. આર. દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ રામજીભાઇ, ધર્મેન્‍દ્રસિંહ, કોન્‍સ. ભુપતભાઇ, જયેશભાઇ, હસમુખભાઇએ આ કામગીરી કરી હતી. ગોવાથી આ દારૂની બોટલોની હેરફેર થયાનું તારણ છે. બુટલેગરો એસી કોચની બેટરીના ભાગે અને કોચ અંદર બાથરૂમની છત અંદર બોટલો છુપાવી હેરાફેરી કરતાં હોવાની પ્રાથમિક માહિતી મળી હોઇ વધુ તપાસ થઇ રહી છે.

(2:49 PM IST)