તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
મારે તો કાયમ અહિથી નીકળવાનું છે, કચડી નાંખીશ તો ખબરે'ય નહિ પડેઃ ટ્રાફિક કોન્સ. પૂજાબેનને ધમકી
નવા ૧૫૦ રીંગ રોડ પર કાળા કાચવાળી કાર રોકતાં પારડીના કરણ મકવાણાએ ધમાલ મચાવી : મારી ગાડી ઉભી રાખીને ભુલ કરી છે, પટ્ટા ઉતરાવી નાંખીશ કહી ધમકી દીધીઃ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૫: શહેરના ૧૫૦ ફીટ રીંગ રોડ પર આવેલ પાટીદાર ચોક ખાતે વાહન ચેકિંગ દરમિયાન કાળી ફિલ્મધરાવતી ફોરવ્હીલ કારને રોકતાં કારમાં સવાર શખ્સોએ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી કરીે પોલીસ કર્મચારીને ખોટી ફરિયાદ કરી સસ્પેન્ડ કરાવી દેવાની તેમજ ઉપર ગાડી ચડાવી દેવાની ધમકી પણ આપતાં ગુનો નોંધાયો છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પૂજાબેન ભરતભારથી ગોસ્વામી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી લોધીકાના પારડી ગામના કરણ પ્રવિણભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ સાંજના આશરે સાડા છએક વાગ્યે પાટીદાર ચોક નવા ૧૫૦ ફીટ રીંગ રોડ ખાતે એએસઆઇ ભુપતભાઈ વાસાણી, ટીઆરબી અશ્વિનભાઈ સોલંકી, સમીરભાઈ શાહમદાર તથા અમિતભાઈ સબાડ સાથે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન ગોસ્વામી વાહન ચેકિંગની કામગીરીમાં હતા.
આ વખતે શીતળા ચોક તરફથી આવતી એક કાર નં. જીજે૦૪એપી-૯૮૫૫ પસાર થઈ હતી. આ કારમાં કાળા કાચ-બ્લેક ફિલ્મ લગાડેલી હોવાથી પોલીસે કારને રોકાવી હતી. કારમાં ચાર શખ્સો સવાર હતા. પોલીસે જ્યારે કાળા કાચ અંગે પુછપરછ કરી ત્યારે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે ઉધ્ધત વર્તન કરી હું મારી ગાડીમાં કાળા કાચ જ રાખીશ અને કાળા કાચ ઉતારીશ તો તારા પટ્ટા ઉતારતા મને વાર નહીં લાગે. તે મારી ગાડી ઊભી રાખીને ભૂલ કરી છે. મારે તો કાયમ અહિથી જ નીકળવાનું છે, હું ગમે ત્યારે તારી ઉપર ગાડી ચલાવીને કચડી નાખીશ અને તને ખબર પણ નહીં રહે. તું અત્યારે મારી ગાડી જવા દે નહિતર તારી વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરી તને સસ્પેન્ડ કરાવી નાખીશ. તેવી ધમકી આપી હતી.
આ શખ્સોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને દાદાગીરી ચાલુ રાખી હતી. જેથી પરિસ્થિતિને પહોંચી વળવા ટ્રાફિક સ્ટાફે તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન નંબર ૧૧૨ પર કોલ કરી પોલીસ ગાડી બોલાવી લીધી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસ ટીમ તમામને તાલુકા પોલીસ સ્ટેશને લઇ જતાં પૂજાબેનની ફરિયાદ પરથી કરણ મકવાણા સામે ફરજમાં રૂકાવટ, ઉશ્કેરણીજનક વર્તન અને મારી નાંખવાની ધમકીનો ગુનો પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે નોંધ્યો હતો
(2:33 PM IST)










