<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

મોક્ષ સ્‍પા પાર્લરની આડમાં નેપાળ, આસામ, ત્રિપુરા, મિઝોરમની લલનાઓ રાખી ચલાવાતું હતું કૂટણખાનુ

૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ સામે વ્રજ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે દરોડો : માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમે નેપાળી મેનેજર છોટુનગરના અરૂણને પકડયોઃ સંચાલક જીગરની શોધખોળઃ ગ્રાહક પાસેથી ૫ હજાર વસુલી આ બંને લલનાને ૧ હજાર આપતાં હતાં

 

રાજકોટ તા. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલની સામે સરદાર વલ્લભભાઇ પટેલ કેળવણી મંડળની પાસે આવેલા વૃજ કોમ્‍પલેક્ષમાં અક્ષર લાઇટ્‍સની ઉપર આવેલા ‘ધ મોક્ષ સ્‍પા'માં મસાજ પાર્લરના ઓઠા હેઠળ કૂટણખાનુ ચાલતું હોઇ માલવીયાનગર પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી  નેપાળ, આસામ, ત્રિપુરા તથા મિઝોરમ રાજ્‍યની ૫ાંચ જેટલી રૂપલલનાઓને મુક્‍ત કરાવી કૂટણખાનું ચલાવતા નેપાળી મેનેજરની અટકાયત કરી છે. જ્‍યારે સ્‍પાનો મુખ્‍ય સંચાલક ફરાર થઈ જતાં  તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જે.એમ. કૈલા, પીએસઆઇ કે. ડી. મારૂ, એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયા, હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, કોન્‍સ. ક્રિષ્‍નાબેન, જીનલબેન સહિતના સ્‍ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલની સામે સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળ પાસે આવેલ વ્રજ કોમ્‍પ્‍લેક્ષના ત્રીજા માળે ધ મોક્ષ સ્‍પાનો સંચાલક  જિગર દિલીપભાઈ સચદેવ બહારથી છોકરીઓ બોલાવી દેહવ્‍યાપારનો અડ્ડો ચલાવી રહ્યો છે. બાતમીની ખાતરી કરવા માટે પોલીસે પંચોની સમક્ષ એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. પોલીસ ટીમે ડમી ગ્રાહકને ખાસ ચલણી નોટો આપી સ્‍પામાં મોકલ્‍યો હતો. ગ્રાહક અંદર ગયો ત્‍યારે મેનેજર સાથે વાતચીત કરતાં તેણે રૂ. ૧,૦૦૦ એન્‍ટ્રી ફી તથા રૂ. ૪,૦૦૦ શરીર સંબંધ બાંધવા માટે નક્કી કર્યા હતાં. આ પછી તે એક રૂમમાં ગયો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી.

આ સાથે જ બહાર ઉભેલી પોલીસની ટીમ અંદર પહોંચી ગઇ હતી. કાઉન્‍ટર પર ટેલિકોલર તરીકે કામ કરતી યુવતિ હાજર મળી આવી હતી. પોલીસે સ્‍પાના અલગ-અલગ રૂમો ચેક કરતાં રૂમ નંબર-૦૧માંથી ડમી ગ્રાહક અને એક મહિલા આપત્તિજનક હાલતમાં મળી આવ્‍યા હતા. તેમજ સ્‍પાના અન્‍ય રૂમોમાંથી મસાજ (થેરાપિસ્‍ટ)નું કામ કરતી અન્‍ય ચાર મહિલાઓ મળી આવી હતી. જેમાં નેપાળ, મિઝોરમ, આસામ અને ત્રિપુરા રાજ્‍યની યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રકમ અને કોન્‍ડોમ કબ્‍જે કર્યા હતાં.

આ મામલે પોલીસે સ્‍પાના નેપાળી મેનેજર અરૂણભાઈ લોકેન્‍દ્રભાઈ બીસ્‍કો (રહે.  રેયા રોડ, હનુમાન મઢી પાછળ છોટુનગર-૫, રાજકોટ)ની અટકાયત કરી હતી. જ્‍યારે સ્‍પાનો મુખ્‍ય સંચાલક જિગર  સચદેવ દરોડા સમયે હાજર ન મળી આવતા શોધખોળ હાથ ધરી હતી.  જેની પાસે દેહવેપલો કરાવાતો હતો એ યુવતિઓએ કબુલ્‍યું હતું કે ગ્રાહક પાસેથી મેનેજર સંચાલક પાંચ-પાંચ હજાર લઇ તેમાંથી પોતાને એક-એક હજાર આપતાં અને ચાર હજાર પોતે રાખી લેતાં હતાં.

(3:02 PM IST)