<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કોઠારીયા વિસ્‍તારમાં ૧૧ કરોડના ખર્ચે આધુનિક સિમેન્‍ટ રોડ બનાવાશે

વોર્ડ નં. ૧૮ના સાઈબાબા સર્કલથી ભવાની ચોક-કોઠારિયા મેઈન રોડ સુધી ૮૫૦ મીટર લાંબો, ૪૦ મીટર પહોળો થશેઃ ડિવાઇડર અને પેવિંગ બ્‍લોક સહિતની કામગીરી કરાશે

રાજકોટ ,તા.૪: શહેરમાં સિમેન્‍ટ (CC) રોડના નિર્માણની દિશામાં મહત્‍વપૂર્ણ શરૂઆત થવા જઈ રહી છે.

શહેરમાં સિમેન્‍ટ રોડ બનાવવાની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્‍ત પર ગુરુવાર, તા. ૬ ઓગસ્‍ટે યોજાનારી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

દરખાસ્‍ત મુજબ શહેરના વોર્ડ નં. ૧૮ વિસ્‍તારમાં રોલેક્‍સ રોડને સાઈબાબા સર્કલથી ભવાની ચોક થઈ કોઠારિયા મેઈન રોડ સુધી આશરે બે થી ત્રણ કિલોમીટર લાંબો અને ૮૦ ફૂટ પહોળો આધુનિક સિમેન્‍ટ રોડ બનાવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્‍ટ પાછળ અંદાજે રૂ. ૧૦થી ૧૨ કરોડનો ખર્ચ થવાનો છે.

આ માર્ગ પર માત્ર સિમેન્‍ટ રોડ જ નહીં, પરંતુ રોડની મધ્‍યમાં ડિવાઇડરનું નિર્માણ તેમજ બંને બાજુ પેવિંગ બ્‍લોક બિછાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેના કારણે માર્ગ વધુ મજબૂત, સુરક્ષિત અને સુવિધાસભર બનશે. ભારે વાહનોની અવરજવર છતાં રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે તે હેતુથી સિમેન્‍ટ રોડનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કોઠારિયા વિસ્‍તાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસતો વિસ્‍તાર બની રહ્યો છે. વધતી વસતી અને ટ્રાફિકને ધ્‍યાનમાં રાખીને આ માર્ગનું આધુનિકીકરણ જરૂરી બન્‍યું હતું. પ્રસ્‍તાવને મંજૂરી મળ્‍યા બાદ ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરવામાં આવશે.

રાજ્‍ય સરકારની નવી નીતિ બાદ રાજકોટમાં સિમેન્‍ટ રોડના નિર્માણ માટે આ પ્રથમ મહત્‍વપૂર્ણ દરખાસ્‍ત માનવામાં આવી રહી છે. જો સ્‍ટેન્‍ડિંગ કમિટી આ પ્રસ્‍તાવને મંજૂરી આપશે તો શહેરમાં આગામી સમયમાં અન્‍ય મુખ્‍ય માર્ગોને પણ તબક્કાવાર સિમેન્‍ટ રોડમાં રૂપાંતરિત કરવાની દિશામાં માર્ગ મોકળો બનશે. આ મુદ્દે અંતિમ નિર્ણય ગુરુવારે યોજાનારી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્‍તારમાં સીમેન્‍ટ રોડ બનાવવા અગાઉ ટેન્‍ડર થયાની આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે કામ આપવામાં મ્‍યુનિ.કમિશનર વિભાગ મારફત દરખાસ્‍ત મોકલવામાં આવી છે. આ દરખાસ્‍ત અંગે ગુરૂવારે મળનાર સ્‍ટેન્‍ડિંગ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

આ કામમાં કુલ ૧૦ કરોડનો ખર્ચ છે. એક ભાગ અગાઉ થઇ ગયો તો હવે બીજો ભાગ કરવા અને ડિવાઇડર, પેવિંગ બ્‍લોક સહિતની કામગીરી થશે.

સીમેન્‍ટ રોડની ટેકનિકલ વિગતો

રાજકોટઃ આ પ્રોજેક્‍ટ હેઠળ ૪૦ મીટર પહોળા ટીપી રોડ પર બંને બાજુ ૮-૮ મીટર પહોળાઈમાં ઘ્‍ઘ્‍ રોડ બનાવવામાં આવશે. મધ્‍યમાં ૧ મીટર પહોળો ડિવાઇડર, બંને બાજુ આશરે ૩.૫૦ મીટર પહોળા વિસ્‍તારમાં પેવિંગ બ્‍લોક, કર્બ સ્‍ટોન અને સાઇડ શોલ્‍ડરનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત ૬૦૦ મીમી વ્‍યાસની સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્‍ય નિકાલ થઈ શકે. માર્ગની કુલ લંબાઈ આશરે ૮૫૦ મીટર રહેશે

 

(3:37 PM IST)