<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

૧૩થી રર ઓગષ્‍ટ સુધી દશામાના વ્રતની ઉજવણી દરમ્‍યિાન સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ

ધૂણીને છેતરપિંડી કરતી ભૂઇમા ઉપર જાથા કાનૂની કાર્યવાહી કરશે. વ્રતની પૂર્ણાહુતિએ મૂર્તિઓને પીવાના પાણીમાં વિસર્જન કરવું નહીં. વિજ્ઞાનના કારણે અવતારો, ચમત્‍કારો, પરચા બંધ થયા. દશામાંની ભૂઇમા પરચાયુગ જાથાના કારણે નહીંવત જોવા મળે છે : ચેરમેન જયંત પંડયા

રાજકોટ : શ્રાવણ માસની એકમથી દસશ સુધી તથા આ વર્ષે ૧૩ ઓગષ્‍ટથી રર ઓગષ્‍ટ સુધી આરાધ્‍ય દેવી દશામાંના વ્રતનો પ્રારંભ, પૂજન, અર્ચન, મહિમાની ઉજવણી અનેક રીતે પ્રદેશ પ્રમાણે કરવામાં આવે છે. દશામાંના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ધા પ્રમાણે થાય તેનો કદી પણ વિરોધ હોય શકે નહિં. સૌને આદર, વંદન માતાજી તરફ હોય તે સ્‍વાભાવિક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રત દરમ્‍યાન અમુક લેભાગુઓ, ભુવા-ભારાડી, ભૂઇમા, તક સાધુઓ, ચમત્‍કારિકો, શ્રદ્ધાના માહોલમાં યુકિત, પ્રયુકિત, ચમત્‍કારો કરી છેતરપિંડી કરે છે. તેનો વર્ષોનો અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્‍ત શબ્‍દોમાં વખોડી વિરોધ કરી ધૂણતી, ઢોંગી ભૂઇમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી હોવાનું જાથાના ચેરમેન શ્રી જયંત પંડયાની યાદી જણાવે છે.

એડવોકેટ શ્રી જયંત પંડયા જણાવે છે કે, ગુરૂવાર તા. ૧૩ ઓગષ્‍ટથી દશામાંના વ્રતનો પ્રારંભ થાય છે. દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્‍સવ ઉજવવો સૌ નાગરિકોને અબાધિત અધિકાર છે. વ્રતના સ્‍થાપન-પૂર્ણાહૂતિએ શ્રદ્ધાળુઓએ આરોગ્‍યની જાળવણી રાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્‍કારો - પરચાઓ ‘વિજ્ઞાન'ને કારણે ગાયબ થઇ ગયા છે. સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂરી છે. વર્ષોની લોકજાગૃતિના કારણે દશામાંની ભૂઇમાના પરચા ઓસરતા થઇને હવે નહિંવત જોવા મળે છે. મેટ્રો શહેરમાં અમુક વિસ્‍તારમાં આજે પણ ધાર્મિક ઉન્‍માદ જોવા મળે છે. તેમાં જાથા વિવેકથી કામગીરી કરે છે. તા. રર ઓગષ્‍ટે જાગરણના દિવસે મૂર્તિના વિસર્જન સ્‍થળે પૂજન-અર્ચન કરેલ દશામાની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે. તેમાં ફેરફાર કરવો અતિ જરૂરી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન કરવું નહીં.

વધુમાં જાથાના પંડયા જણાવે છે કે, વિજ્ઞાનના કારણે પૃથ્‍વી ઉપર અવતારો-ચમત્‍કારો-પરચાઓ બંધ થઇ ગયા છે. દશામાંની ભૂઇના પરચા બેબુનિયાદ સાબિત થયા છે. છતાં પણ જાથા દર વર્ષે દશામાંના વ્રત સમયે શ્રદ્ધાળુઓ છેતરાય નહિં તે માટે લોકજાગૃતિનું કામ કરે છે. વર્ષોના અભિયાન પછી મહદ્દ અંશે સફળતા જોવા મળેલ છે. અને ઉન્‍માદમાં ઓટ જરૂર આવી છે. દશામાંના વ્રતના અભિયાનના જાથાના ર૪મા વર્ષે જાગૃતિ લાવવા જનસમાજ સમક્ષ હકિકત મુકે છે તેમાં ર૪ વર્ષથી વ્રત દરમ્‍યાન ર૮૦૦ મહિલાઓ ધૂણતી નજરે પડી હતી. તેમાંથી છેતરપિંડી કરતી ૯૦૩  ભૂઇમાઓનો પર્દાફાશ કરી ચોંકાવનારી હકિકત બહાર આવી હતી.

વિશેષમાં જાથાના જયંત પંડયાએ જણાવ્‍યું છે કે, છેલ્લા ૩ર વર્ષમાં જાથાએ ધૂણતી અનેક ભૂઇમા, ઢોંગી મહિલાઓને પૂછવાથી કે તપાસવાથી એકપણ સાચી નીકળી નથી. તમામ ખોટી સાબિત થઇ છે. છેલ્લા વર્ષોમાં દશામાના વ્રત દરમ્‍યાન ભૂઇમાનો પતિ જ જાથાને રજૂઆત કરી પર્દાફાશનો આગ્રહ રાખે છે. અમુક પતિ તો પોતાને ધૂણીને ધબ્‍બો મારી માર મારે છે તેના ત્રાસની હકીકતથી જાથાને વાકેફ કરે છે. ધાર્મિકતાના કારણે લોકો મૌન રહેવાનું પસંદ કરે છે. વ્રત દરમ્‍યાન ભૂઇમા પોતાની શેરી, ઘર આસપાસ રહીશોને બેહદ ત્રાસ આપી ઢોલ-નગારા, ધૂપ-ધૂમાડા, ઘોંઘાટ, ધૂણવું, અબીલ-ગુલાલ ઉડાડવો વિ. હકિકત જાથાને આપવામાં આવે છે. જેથી લોકોએ સ્‍વયંભુ વિરોધ કરી પરિસ્‍થિતિ પ્રમાણે કાયદાનું અનુસરણ કરવું જોઇએ. રજૂઆત સાચી હોય તો પોલીસ તંત્ર વાસ્‍તવમાં નાગરિકને મદદરૂપ થાય છે.

જાથાના પંડયા જણાવે છે કે દશામાના વ્રતની સમાપ્તિ-પુર્ણાહુતિએ માતાજીની મૂર્તિઓ પીવાના પાણીમાં પધરાવી નહિં. પીવાના ડેમ,ચેક ડેમ, નદી-નાળામાં મૂર્તિઓ પધરાવવાથી પાણી પ્રદુષિત થશે. પાણીજન્‍ય રોગનો ભોગ લોકો ન બને તે માટે મૂર્તિઓને ખાસ જગ્‍યાએ પધરાવવા જાથા અનુરોધ કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી જાથાના પ્રયાસથી દશામાની ભૂઇમાઓએ ધૂણવાનું સ્‍વયંભુ બંધ કરી ત્રાસ ઓછો આપે છે.

જાથાના સદસ્‍યો નાથાભાઇ પીપળીયા, દિનેશભાઇ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઇ યાદવ, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા, એડવોકેટ અને શાખાઓના કાર્યકરો સંકલન કરી શ્રદ્ધાની આડમાં છેતરાય નહીં તે સંબંધી જાગૃતિ કેળવવાના છે. દશામાંના વ્રત દરમ્‍યાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરતી ભૂઇમાઓ વિશે માહિતી મો. ૯૮રપર૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાના ચેરમેને જણાવ્‍યું છે.

(3:37 PM IST)