તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
નાના મવા ક્વાર્ટરના વિજય ભોજાણીને ખોરાણામાં સાળાના ઝઘડામાં વચ્ચે પડતાં છરીના ઘા ઝીંકાયા
સાળા કેવલને પૈસા મામલે ગાળો દેનારા પારસને સમજાવવા જતાં પારસ વાઘેલા અને તેના પિતા રાજેશભાઇએ હુમલો કર્યોઃ વીસ ટાંકા આવ્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: શહેરના નાના મવા પાસે ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને તે કુવાડવા તાબેના ખોરાણા ગામે સાળાના ઘરે પત્નિ સાથે ગયો ત્યારે સાળાને ગામના શખ્સ સાથે પૈસાની લેતી-દેતી બાબત બોલાચાલી થતાં પોતે વચ્ચે પડતાં ખોરાણામાં રહેતાં પિતા-પુત્રએ એકસંપ થઈ છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતાં આ યુવાનને હોસ્પિટલમાં ખસેડાતાં વીસ ટાંકા લેવા પડયા હતાં. જાણવા મળ્યા મુજબ આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નાના મવા હરિદ્વાર હેવનની બાજુમાં આરએમસી ક્વાર્ટર મંદિરવાળી શેરીમાં રહેતાં રિક્ષાચાલક વિજયભાઇ મનસુભાઇ ભોજાણી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી ખોરાણા ગામે રહેતાં પારસ રાજેશભાઇ વાઘેલા અને તેના પિતા રાજેશભાઇ ચનાભાઇ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયભાઇ પરિવાર સાથે રહે છે. તેણે ત્રણ વર્ષ પહેલા ખોરાણાની યુવતિ અમીશા સાથે લવમેરેજ કર્યા છે અને સંતાનમાં એક દિકરી છે. વિજયભાઈ ગઇકાલે સોમવારે સવારના દસેક વાગ્યાના સુમારે પત્નિ અમીશાબેનને સાથે લઇ ખોરાણા સાળા કેવલભાઇના ઘરે ગયા હતાં.
ત્યાં રોકાયા પછી ખોરાણાના ફાટક પાસે સાળા સાથે ચા-પાણી પીવા ઉભા હતાં સાળા કેવલભાઇ સાથે ખોરાણા ગામના પારસ વાઘેલાએ પૈસા બાબતે બોલાચાલી કરી હતી. બધા ફાટક પાસે ઉભા હતાં ત્યારે પારસ ત્યાંથી નીકળતાં વિજયભાઇએ તેને પુછ્યું હતું કે મારા સાળા સાથે શું કામ ઝઘડો કરે છે અને ગાળો આપે છે. આ સાંભળી પારસ ઉશ્કેરાઇ ગયો હતો અને છરી કાઢી હુમલો કરતાં વિજયભાઇને પેટના ભાગે ઇજા પહોંચાડી હતી.
આ વખતે પારસના પિતા રાજેશભાઇ વાઘેલા પણ આવ્યા હતાં. તેણે વિજયભાઈને પાછળથી પકડી રાખ્યા હતા. ત્યારબાદ પારસે ફરીથી હુમલો કરી વિજયભાઇના ડાબા ખભાના ભાગે તથા ડાબા ગાલના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં પારસ અને તેના પિતા ભાગી ગયા હતાં. સાળા કેવલભાઇએ બનેવી વિજયભાઇને સારવાર માટે રાજકોટ ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. તબિબે વિજયભાઇને અલગ અલગ જગ્યાએ પહોંચેલી ઇજાઓ પર ૨૦ ટાંકા લીધા હતાં. કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં હેડકોન્સ.વી. જે. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:29 AM IST)










