તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
વરસાદી પાણીના ખાડામાં ડૂબી જવાને લીધે પાંચ વર્ષની મનિષા અને પાંચ વર્ષના હિતેષના મોત
રાજકોટના સરધાર નજીકના લોઠડા ગામે કરૂણ ઘટના : બાળકી માતા-પિતાની એકની એક દિકરી હતીઃ બાળક બે બહેનનો એક જ ભાઇ હતોઃ આ બંને સાથે અન્ય ત્રણેક બાળકો પણ રમતાં હતાં ત્યારે બનાવઃ બંનએ ઘટના સ્થળે જ દમ તોડયોઃ મુળ એમપીના પરિવારજનોમાં કાળો કલ્પાંત

રાજકોટ તા. ૪: બાળકો રમત-રમતમાં ઘણીવાર મુશીબત નોતરી લેતાં હોય છે અને ક્યારેક માસુમ બાળકોના મૃત્યુ પણ થતાં હોય છે. આવો જ એક બનાવ રાજકોટના સરધાર તાબેના લોઠડા ગામે બન્યો છે. જેમાં મુળ મધ્યપ્રદેશના પરિવારના બે બાળકોના વરસાદી પાણી ભરેલા ખાડામાં છબછબીયા કરતી વખતે ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. પાંચ વર્ષની બાળકી અને પાંચ વર્ષનો બાળક ઘર નજીક પાણીના ખાડા ભરાયા હોઇ ત્યાં રમવા ગયા હતાં. જેમાં એક ઉંડો ખાડો હોઇ તેનાથી અજાણ બંને માસુમ અંદર પડી જતાં મોત થયા હતાં.
જાણવા મળ્યા મુજબ લોઠડા ગામે રહેતાં મુળ મધ્યપ્રદેશના ઓમકાર નિશાદની પુત્રી મનિષા (ઉ.વ.૫) અને અને ચંદ્રરોશન ગોૈતમનો પુત્ર હિતેષ (ઉ.વ.૫) ગઇકાલે ઘર નજીક વરસાદના પાણીને કારણે ભરાયેલા ખાડા પાસે રમવા ગયા હતાં. આ બંને બાળકોની સાથે બીજા ત્રણેક બાળકો પણ રમી રહ્યા હતાં. આ વખતે એક ખાડો ઉંડો હોઇ તેનાથી અજાણ માસુમ મનિષા અને હિતેષ ત્યા પહોંચી ગયા હતાં અને પાણીમાં છબછબીયા કરવા જતાં વારાફરતી અંદર પડી ગયા હતાં.
આ બંને બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં એક બાળકી આ દ્રશ્ય જોઇ જતાં દોટ મુકી બંને બાળકોના પરિવારજનો પાસે પહોંચી હતી અને ઘટનાની જાણ કરી હતી. બાળકોના પરિવારજનો અને બીજા લોકો તુરત જ દોડી ગયા હતાં અને બંને બાળકોને બહાર કાઢયા હતાં. જો કે બંને બેભાન થઇ ગયા હોઇ ૧૦૮ને બોલાવાઇ હતી. તેના તબિબે બંને બાળક-બાળકીને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં. મૃત્યુ પામનાર મનિષા માતા-પિતાની એકની એક દિકરી હતી. તેણીના પિતા ઓમકાર નિશાદ કારખાનામાં કામ કરે છે. આ પરિવાર મુળ યુપીનો વતની છે. જ્યારે આ બાળકીની સાથે મૃત્યુ પામનાર હિતેષ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના પિતા ચંદ્રરોશન ગોૈતમ પણ યુપીના વતની છે અને તે પણ ભઠ્ઠી ખાતામાં કામ કરે છે.
(10:49 AM IST)










