તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સાંઢીયો પૂલ શરૂ થઇ જતા રાજકોટથી જામનગર અને મોરબી એસટી બસ ભાડામાં ૩ થી ૧૬ રૂા.નો ઘટાડો
રાજકોટથી મોરબી જતી બસમાં રૂા. ૩ થી ૧૪ અને જામનગર રૂટમાં રૂા. ૩ થી ૧૬ નો ઘટાડો જાહેર કરાયો

રાજકોટ, તા. ૧૭: રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢીયા બ્રિજનું નિર્માણ થઇ જતા મોરબી અને જામનગરની એસ.ટી. બસના ભાડામાં ઘટાડો થતાં મુસાફરોને ફાયદો થયો છે.
રાજકોટથી મોરબી જતી લોકલથી વોલ્વો સુધીની બસનું ભાડૂ રૂા. ૩ થી રૂા. ૧૪ સુધી ઘટયુ છે, જયારે રાજકોટથી જામનગર જતી એસટી બસના ભાડામાં રૂા. ૩ થી રૂા. ૧૬ નો ઘટાડો થયો હોવાનું એસટી વિભાગના રાજકોટ અધિકારી સુત્રોએ જાહેર કર્યુ છે.
બ્રિજ બંધ હતો ત્યારે એસટી બસને ૪ કિલોમીટર ફરીને અવરજવર કરવી પડતી હતી. જેને કારણે રાજકોટથી મોરબી અને જામનગર જતી લોકલથી લઇ વોલ્વો બસના ભાડામાં રૂા. ૩ થી ૧૬ નો વધારો થયો હતો પરંતુ હવે બ્રિજ ખૂલ્લો મુકાઇ જતા એસટી બસ ત્યાથી આવી શકે છે અને તેથી મુસાફરોને ભાડામાં રાહત થઇ છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક એમ.પી. રાજે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢિયા બ્રિજનું કામ પુર્ણ થતા એસટી બસના ભાડામાં ઘટાડો થયો છે. જેમાં રાજકોટથી મોરબી તરફની લોકલ અને એકસપ્રેસ બસમાં રૂા. ૩, લકઝરી/સ્લીપરમાં રૂા. ૪, ગુજરનગરીમાં રૂા. પ અને વોલ્વો બસમાં રૂા. ૧૪ નો ઘટાડો થયો છે. આ જ રીતે જામનગર તરફ જતી બસમાં લોકલમાં રૂા. ૩, ગુર્જરનગરીમાં રૂા. ૪, લકઝરી/સ્લીપરમાં રૂા. પ, એકસપ્રેસમાં રૂા. ૬ અને વોલ્વોમાં રૂા. ૧૬ નો ઘટાડો થયો છે.
(11:24 AM IST)










