તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થતા ભાજપાના વિશેષ સંપર્ક અભિયાન હેઠળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની રાજકોટમાં ઉદ્યોગપતિઓના નિવાસસ્થાને મુલાકાત : કેન્દ્રની યોજનાઓ અને રાષ્ટ્રહિતના કાર્યો અંગે વિસ્તૃત સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનકલ્યાણ, સુશાસન અને વિકાસલક્ષી કાર્યોની ઐતિહાસિક સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રદેશ પ્રમુખે જાણીતા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ કિશોરભાઈ ખંભાયતા તેમજ પરાક્રમસિંહ જાડેજા સાથે કરી ખાસ ચર્ચા

રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. આ ગૌરવશાળી અવસરના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટ ખાતે તેઓએ શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓના નિવાસસ્થાને જઈને સૌજન્ય મુલાકાતો કરી હતી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રદેશ અધ્યક્ષે ઉદ્યોગપતિઓના નિવાસસ્થાને લીધી મુલાકાત:
ગુજરાત પ્રદેશ ભાજપાના વિશેષ સંપર્ક અભિયાનના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી કિશોરભાઈ ખંભાયતાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ રાજકોટના અન્ય એક અગ્રણી ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી પરાક્રમસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમ્યાન આગેવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને યોજનાઓ અંગે સંવાદ:
આ બંને મહાનુભાવો સાથેની મુલાકાત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઐતિહાસિક નિર્ણયો અને રાષ્ટ્રહિતના કાર્યો વિશે ઊંડાણપૂર્વક સંવાદ કર્યો હતો. તેઓએ કેન્દ્રની ભાજપા સરકારના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા સુશાસન, જનકલ્યાણ અને વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ વિશેષ મુલાકાત દરમિયાન રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રયાસો અને દેશને વૈશ્વિક સ્તરે મળેલી ઐતિહાસિક સિદ્ધિઓની વિગતો પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભાજપાના આ વિશેષ સંપર્ક અભિયાનને રાજકોટના અગ્રણીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.
(9:47 PM IST)










