<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

આધુનિક યુગમાં પણ રાજકોટમાં ‘ટેન્‍કર રાજ': પાણી વિતરણ માટે બે વર્ષનો ૧૧.૫૦ કરોડનો ખર્ચ

પાઈપલાઈન વિહોણા વિસ્‍તારોમાં ટેન્‍કર-ટ્રેક્‍ટરથી પાણી પહોંચાડવા સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં નિર્ણયઃ વોર્ડ નં.૩,૪,૫,૬,૧૬ તથા ૧૮ સહિતના અનેક સ્‍લમ અને નવા વિસ્‍તારોને મળશે લાભ

રાજકોટ તા.૧૬: શહેરમાં એક તરફ સ્‍માર્ટ સિટી અને આધુનિક સુવિધાઓના દાવા થઈ રહ્યા છે, ત્‍યારે બીજી તરફ અનેક વિસ્‍તારો આજે પણ નિયમિત પાણીની પાઈપલાઈન સુવિધાથી વંચિત છે. આવા વિસ્‍તારોમાં ટેન્‍કર અને ટ્રેક્‍ટર મારફતે પાણી વિતરણ ચાલુ રાખવા માટે રૂ. ૧૧.૨૬ કરોડના બે વર્ષના ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્‍ત આવતીકાલે મળનારી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારી બેઠકમાં કુલ ૧૩ દરખાસ્‍તો મંજૂરી માટે રજૂ થવાની છે. તેમાં શહેરના પાઈપલાઈન સુવિધા વિહોણા વિસ્‍તારોમાં પાણી વિતરણ માટે ટેન્‍કર અને ટ્રેક્‍ટર સેવા ચાલુ રાખવાની મહત્‍વની દરખાસ્‍તનો સમાવેશ થાય છે.

દરખાસ્‍ત મુજબ વોર્ડ નં.૩,૪,૫,૬,૧૬ તથા ૧૮માં ભગવતીપરા, રાજકોટ-અમદાવાદ હાઈવે પર જેટકો ઓફિસ નજીકની ઝૂંપડપટ્ટી, આઈસબાપીર દરગાહ વિસ્‍તાર, બેડી ચોકડી, વેલનાથપરા, મંછાનગર, ભીમરાવનગર, યુવરાજનગર, રાંદરડા તળાવ વિસ્‍તાર, ગોવિંદબાગ શાકમાર્કેટ, જંગલેશ્વર, ખોડલધામ-૭, શીતલધાર, રામેશ્વર ગોલ્‍ડ, ગોપાલનગર, ભૂતનાથ સોસાયટી, સાનદાર રેસીડેન્‍સી, મારુતિ પાર્ક, શિવમ પાર્ક, એનિમલ હોસ્‍ટેલ, ગારબેજ સ્‍ટેશન નજીકના સ્‍લમ વિસ્‍તાર, શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર વિસ્‍તાર, માધાપર ગામ નજીક એનિમલ હેલ્‍પલાઈન પાસેનો વિસ્‍તાર, ઉમિયાધાર, ઓમાયાધાર અને ઈશ્વરિયા રોડ સહિતના વિસ્‍તારોમાં પાણી પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

શહેરમાં હજુ પણ અનેક વિસ્‍તારોમાં પાણીની પાઈપલાઈન ન પહોંચતાં મનપાને દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ટેન્‍કર આધારિત પાણી વિતરણ કરવું પડે છે. આવતીકાલની બેઠકમાં આ દરખાસ્‍તને મંજૂરી મળ્‍યા બાદ આગામી સમયગાળા માટે પાણી પુરવઠાની વ્‍યવસ્‍થા યથાવત રાખવાનો માર્ગ મોકળો બનશે.

મનપા દ્વારા પાણી વિતરણ માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ એજન્‍સીઓએ ભાગ લીધો હતો. ટેન્‍ડર ખુલ્‍યા બાદ અલગ-અલગ ઝોન માટે સૌથી નીચા ભાવ (એલ-૧) આપનાર એજન્‍સીઓના ભાવો સામે આવ્‍યા હતા. ઈસ્‍ટ ઝોનમાં એલ-૧ એજન્‍સીએ પ્રથમ વર્ષ માટે અંદાજે રૂ. ૩.૧૪ કરોડ અને બીજા વર્ષ માટે રૂ. ૩.૪૫ કરોડનો ભાવ આપ્‍યો હતો. જ્‍યારે સેન્‍ટ્રલ ઝોનમાં એલ-૧ એજન્‍સીએ પ્રથમ વર્ષ માટે રૂ. ૧.૨૦ કરોડ અને બીજા વર્ષ માટે રૂ. ૧.૧૨ કરોડનો ભાવ રજૂ કર્યો હતો. વેસ્‍ટ ઝોનમાં પણ એલ-૧ એજન્‍સીએ પ્રથમ વર્ષ માટે રૂ. ૧.૩૧ કરોડ અને બીજા વર્ષ માટે રૂ. ૧.૪૪ કરોડનો ભાવ આપ્‍યો હતો.

ટેન્‍ડર પ્રક્રિયા બાદ કરવામાં આવેલી વાટાઘાટોને અનુસરી કુલ બે વર્ષ માટેનો ખર્ચ રૂ. ૧૧.૫૦ કરોડ સુધી નિર્ધારિત કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે. દરખાસ્‍ત મુજબ બીજા વર્ષ માટે કોન્‍ટ્રાક્‍ટની રકમમાં ૧૦ ટકા સુધીનો ભાવવધારો આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સેન્‍ટ્રલ ઝોન અને વેસ્‍ટ ઝોન બંને માટે એક જ એજન્‍સીએ સૌથી નીચો ભાવ આપ્‍યો છે. આ તમામ ભાવો અને શરતો અંગે અંતિમ નિર્ણય સ્‍ટેન્‍ડિંગ કમિટિની બેઠકમાં લેવામાં આવશે

(4:07 PM IST)