<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

મને એમ કે આ કાર ધર્મેશની છે...તેમ કહી અભિએ જીજ્ઞેશભાઇની કારમાં તોડફોડ કરી!

કોઠારીયા રણુજા મંદિર પાસેની સોમનાથ સોસાયટીમાં રાતે બનાવ જીજ્ઞેશભાઇએ તોડફોડ કરનારેને અટકાવીને સમજાવ્‍યો છતાં તે કાર ધર્મેશની જ હોવાનું કહી બેફામ ગાળો ભાંડી ભાગી ગયોઃ કારમાં ૨૪ હજારનું નુકસાનઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડની સોસાયટીમાં રહેતાં યુવાનને ઘર પાસે પાર્ક કરેલી પાર્કના કાચ એક શખ્‍સે તોડી નાંખી નુકસાન કરતાં તેને અટકાવીને આ માટે આવુ કરે છે પુછતાં તેણે મને એમ કે આ કાર ધર્મેશની છે એટલે તોડફોડ કરુ છું તેમ કહી ગાળો દઇ ભાગી જતાં ચર્ચા જાગી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રણુજા મંદિર પાછળ ક્રિષ્‍ના ચોક પાસે સોમનાથ સોસાયટી-૨માં રહેતાં જીજ્ઞેશભાઇ બાવકુભાઇ ચાવડા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી અભી જળુ સામે ગુનો નોંધ્‍યો છે.

જીજ્ઞેશભાઇ સેન્‍ટીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેની પાસે આઇ-૨૦ કાર જીજે૦૩જેસી-૮૫૨૪ છે જે પોતે રોજિંદા વપરાશ માટે ઉપયોગમાં લે છે. આ કાર ઘરની પાસે આવેલા શેરીના કોમન પ્‍લોટમાં પાર્ક કરે છે. શુક્રવારેરાત્રે સાડા અગિયાર વાગ્‍યાની આસપાસ જીજ્ઞેશભાઈ અને તેમનો પરિવાર ઘરે સુતો હતો, ત્‍યારે તેમની જ શેરીમાં રહેતા કાકાના દીકરા હાર્દિકભાઈએ ફોન કરીને જણાવ્‍યું કે કોમન પ્‍લોટમાં પાર્ક કરેલી તેમની કારના કાચ કોઈ ફોડી રહ્યું છે.

ફોન આવતા જ જીજ્ઞેશભાઈ તાત્‍કાલિક ઘરની બહાર દોડીને કોમન પ્‍લોટ તરફ પહોંચ્‍યા હતા. ત્‍યાં જઈને જોયું તો એક શખ્‍સ હાથમાં લોખંડનો પાઇપ લઈને ઊભો હતો અને તેમની આઈ-૨૦ કારના આગળ-પાછળના તેમજ ચારેય દરવાજાના કાચ તૂટેલી હાલતમાં હતા. જીજ્ઞેશભાઈએ તેને અટકાવીને પૂછયું કે-ભાઈ તેં કેમ મારી ગાડીના કાચ ફોડ્‍યા?ૅ ત્‍યારે તોડફોડ કરનાર શખ્‍સે કહેલું કે-મને એમ કે આ ધર્મેશની કાર છે, મારે તેની સાથે માથાકૂટ ચાલે છે, એટલે મેં તેની કાર સમજીને કાચ ફોડ્‍યા છે!

આથી જીજ્ઞેશભાઈએ તેને સમજાવ્‍યું કે આ કાર ધર્મેશની નહીં પણ તેમની પોતાની છે, ત્‍યારે તે શખ્‍સ ઉશ્‍કેરાઈ ગયો હતો અને  આ કાર ધર્મેશની જ છે તેમ કહીને જીજ્ઞેશભાઈને ગાળો આપવા લાગ્‍યો હતો. આ દરમિયાન ત્‍યાં એક અજાણ્‍યો માણસ આવી ચડ્‍યો હતો અને તોડફોડ કરનારને તું ચાલ ઘરે તેમ કહીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જિજ્ઞેશભાઈએ તે અજાણ્‍યા વ્‍યક્‍તિને પુછતા જાણવા મળ્‍યું હતું કે તોડફોડ કરનાર શખ્‍સનું નામ અભી જળુ છે. મોડી રાત્રે હોબાળો થતાં શેરીના લોકો એકઠા થઈ જતાં આરોપી અભી જળુ ત્‍યાંથી ભાગી છૂટયો હતો. તોડફોડથી કારમાં ૨૪ હજારનું નુકસાન થયું હોઇ જીજ્ઞેશભાઇ રાતે જ પોતાના પિત્રાઇ જનકભાઇ સહિતને લઇને આજીડેમ પોલીસ સ્‍ટેશને પહોંચતા પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોનસ. ટી. જે. સરવૈયાએ ગુનો દાખલ કર્યો હતો.

(3:31 PM IST)