News of Friday, 12th June 2026
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મહેનત લેખે લાગી: તત્કાલિન ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબીરીમાં એસીપી ક્રાઇમ ભરત બસિયા, એસઓજી, એએચટીયુની ટીમે અગાઉ બાળ મજૂરો મુક્ત કરાવ્યા પછી ગૂમ બાળકની તપાસ થઈ ને સફળતા મળી: એફએસએલ ટીમની કાબીલેદાદ કામગીરી
૮ વર્ષ પહેલાં આજી નદીમાંથી મળેલું માથું બંગાળી બાળકનું હતું: બંગાળી ઠેકેદારે કરી હતી ક્રૂર હત્યા: અજિતમોલા આજમતમોલાની ધરપકડ: જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો જણાવી : બાળ મજૂરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયા બાદ એક બાળક ગૂમ હતો તેની તપાસ શરૂ થઈ અને DNA રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૮ની સનસનાટીભરી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો

હત્યા કરી ધડ માથું ઓખા કરી જ્યાં બાળકનું માથું ફેક્યું હતું તે નદી ખાતે આરોપી ને લઈ જઈ રી કન્ટ્રક્શન કરાવ્યું હતું
રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બસીયા દ્વારા વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત રાજકોટ પોલીસને એક ખૂબ જ મોટી અને ચોંકાવનારી સફળતા મળી છે. એસ.ઓ.જી. અને એએચટીયુની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) અને બાળ મજૂરીનું મોટું નેટવર્ક પકડી પાડયું હતું ત્યારે એક બાળક ગૂમ હોવાની મળેલી માહિતી બાદ તપાસ શરૂ થતાં વર્ષ ૨૦૧૮માં થયેલી એક ૧૪ વર્ષના માસુમ બાળકની ઘાતકી હત્યાનો ભેદ DNA રિપોર્ટના આધારે ઉકેલવામાં ઐતિહાસિક સફળતા મેળવાઈ છે.
જેસીપીશ્રી માંડલિકે જણાવ્યું કે રાજકોટ શહેર એસ.ઓ.જી. તથા એએચટીયુ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે બાંગ્લાદેશી બાળકોને રાજકોટમાં લાવીને રાખવામાં આવેલ છે. આ માહિતીના આધારે તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલનીસુચનાથી અને એસીપી ક્રાઈમ શ્રી ભરત બસીયાની આગેવાની હેઠળ એસઓજી તથા એએચટીયુ પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાં પશ્ચિમ બંગાળના ૨૧ બાળકો મળી આવતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
બાળકોનું કાઉન્સેલીંગ કરતા બાળકો ઉપર શારીરિક અત્યાચાર થયેલ હોવાનુ જણાતા બાળકોની મેડિકલ તપાસણી તથા સારવાર કરાવવામાં આવેલ જેથી જણાય આવેલ કે એક બાળકના ગુદાના ભાગે ઈજા થયેલ હતી. રેસ્ક્યુ વખતે બાળકો અત્યંત દયનીય સ્થિતિમાં હતા. ઘણા બાળકો પાસે પહેરવા પૂરતા કપડાં પણ નહોતા અને તેમની સાથે અમાનુષી કૃત્યો આચરવામાં આવતા હતા. બાળકોને એક જ રૂમમાં પૂરી રાખીને ક્યારેક ભૂખ્યા રાખવામાં આવતા હોવાનું પણ કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ સ્ટેશન હેઠળના સિકારપુર ગામનો વતની અને હાલ રાજકોટ સામાકાંઠે રાજનગરમાં રહેતો મુખ્ય આરોપી અજીતમૌલા આઝમતમૌલા (ઉ.વ.૪૦) વાળો ગરીબ માતા-પિતાને માત્ર રૂપિયા ૮,૦૦૦ જેવી રકમ આપીને તેઓના ૧૧ થી ૧૭ વર્ષના બાળકોને રાજકોટ લાવતો હતો. તે તેઓની પાસે ઇમિટેશન માર્કેટમાં મજૂરી કરાવતો હતો અને શારીરિક અત્યાચાર ગુજારતો હતો. આ આરોપી વિરૂદ્ધ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ તત્કાલીન એએચટીયુ પો. ઇન્સ. બી. એમ. જણકાંતે કરી હતી
આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૪૬, ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૩૫, ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૧૯૮૬ કલમ ૩, ૭(૪), ૧૪, ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ કલમ ૭૫, ૮૫, પોક્સો એક્ટ ૨૦૧૨ની કલમ ૩બી, ૪ તથા બોન્ડેડ લેબર સીસ્ટમ (એબોલીશન) એક્ટ ૧૯૭૬ ની કલમ ૧૬, ૧૭, ૧૮ મુજબ ગુનો દાખલ કરાયો છે. તેમજ આ આરોપી વિરૂદ્ધ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં પણ ગુનો નોંધાયેલ હતો, જેથી પશ્ચિમ બંગાળ પોલીસ આરોપીને ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી પશ્ચિમ બંગાળ લઇ ગયેલ હતી.
આરોપીની પૂછપરછ કરવામાં આવતા મજકુર ભાંગી પડ્યો હતો અને ચોંકાવનારી હકીકત જણાવી હતી કે કોરોનાના સમય વખતે એક બાળકને પોતે મજૂરી માટે લઇ આવેલ હતો જેને પોતે માર મારવાથી બાળક મરી ગયેલ હોય જેથી ધડ માથું નોખા કરી લાશને નદીમાં ફેંકી દીધેલની હકીકત જણાવેલ હતી. જેથી કોરોના કાળની આજુબાજુના વર્ષો એટલે કે ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨માં રાજકોટમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની તપાસ કરવામાં આવતા ઉંમર મુજબના કોઇ બાળકની લાશ વણઓળખાયેલ રહેલ હોય તેવું જણાય આવેલ નહીં.
પોલીસે તપાસ ચાલુ રાખતા વર્ષ ૨૦૧૮ ની એક વણઉકેલાયેલી ફાઈલ સામે આવી. સને ૨૦૧૮માં બી. ડીવઝન. પો. સ્ટેશનમાં એક વણઓળખાયેલ બાળકનું માથું (કોહવાયેલ હાલતમાં) આજી નદી રૂખડીયાપરા પાસેથી મળી આવેલ. જે અંગે જે તે વખતે તપાસ કરવામાં આવેલ પરંતુ તેના કોઇ વાલી વારસ મળી આવેલ નહીં તેમજ આ માથું વણઓળખાયેલ રહેલ જેના કારણે ખૂનનો ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હતો. ફોરેન્સિક પીએમ કરાવતા આશરે ૮ થી ૧૫ વર્ષના બાળકની આ લાશ (માથું) હોવાનું જણાયું હતું.
દરમિયાન એ.ડીવી. પો. સ્ટેશનના પોસઇ એસ. એમ. રાણાએ દિશામાં તપાસ શરૂ કરી કે, આરોપી અજીતમૌલાએ જે બાળકની લાશ નદીમાં ફેંકી દીધેલ હોય તે સને ૨૦૧૮ માં મળી આવેલ વણઓળખાયેલ માથું જ છે કે કેમ?આરોપી અજીતમૌલાએ જણાવેલ નામ સરનામા આધારે બાળકના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ રાજકોટ આવવા આર્થિક સક્ષમ ન હોય જેથી તેઓની રેલ્વે ટીકીટની સગવડતા કરી આપી રાજકોટ ખાતે બોલાવવામાં આવેલ હતા.
માતા-પિતા પાસેથી બાળકના ફોટોગ્રાફ મેળવી સને ૨૦૧૮ ના વર્ષમાં મળી આવેલ બાળકના માથાનો ફોરેન્સિક સોફ્ટવેર faceVACS માં સરખામણી કરાવતા એક સરખા હોવાનું પ્રમાણ મળેલ છે. આ ઉપરાંત, સચોટ વૈજ્ઞાનિક પુરાવા માટે માતા-પિતાના ડીએનએ સેમ્પલ એફએસએલમાં મોકલી, વર્ષ ૨૦૧૮ માં મળી આવેલ વણઓળખાયેલ બાળકના માથાના લેવામાં આવેલ ડીએનએ રિપોર્ટ સાથે સરખામણી કરાવવામાં આવતા આ મર્ડર મિસ્ટ્રીનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. રાજકોટ પોલીસે ટેકનોલોજી અને સાયન્ટિફિક પુરાવાના આધારે આ ઐતિહાસિક સફળતા મેળવી આરોપીની વધુ પૂછતાછ માટે બી ડિવિઝન પોલીસને સોપાયો છે. રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.
(7:26 PM IST)










