News of Wednesday, 10th June 2026
ટ્રકમાંથી પડી ગયેલા પ્રેશર કૂકરને લીધે કોટુંબીક કાકા-ભત્રીજા વચ્ચે છરી-ધોકાથી ધબધબાટી
મોરબી રોડના સોહમનગર પાસેના ઓમ પાર્કમાં બનાવઃ મહેન્દ્રભાઇ સાગઠીયા અને કલ્પેશભાઇ સાગઠીયાની બી-ડિવીઝન પોલીસમાં સામ-સામે ફરિયાદ

રાજકોટ તા. શહેરના મોરબી રોડ પર આવેલા સોહમનગર પાસેના ઓમ પાર્કમાં રાંધવાના કુકરના પૈસા ચુકવવા જેવી નજીવી બાબતે કૌટુંબિક સંબંધીઓ વચ્ચે મારામારી થતાં સામ સામે ફરિયાદ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ઓમ પાકમાં રહેતાં અને રિક્ષા તેમજ ટ્રક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઈ અશોકભાઈ સાગઠીયા (ઉ.વ. ૩૪)ની ફરિયાદ પરથી પાડોશમાં જ રહેતાં તેના કુટુંબી કાકા વાલજીભાઇ, તેના દિકરા કલ્પેશભાઇ, રાહુલભાઇ અને મંજુબેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે એક વર્ષ પહેલાં મહેન્દ્રભાઇએ તેમના કૌટુંબિક કાકા વાલજીભાઈના નામે એક સેકન્ડ હેન્ડ અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક લોન પર ખરીદ્યો હતો. આ ટ્રકમાં ક્લીનર તરીકે કાકાનો દીકરો કલ્પેશ થોડો સમય સાથે જતો હતો. બહારગામ જતી વખતે સાથે રાખેલું રાંધવાનું કુકર જે કલ્પેશ તેના ઘરેથી લાવ્યો હતો તે ટ્રકમાંથી કયાંક પડી ગયું હતું.
આ બાબતે સવારે કાકી મંજુબેને ફોન કરીને કુકર પાછું માગતા મહેન્દ્રભાઈએ કુકર ખોવાઈ ગયું હોવાનું કહી સાંજે તેના નવા કુકરના પૈસા આપી દેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ રાત્રે કલ્પેશે ફોન કરી પૈસા કેમ આપવા આવ્યો નથી તેમ કહેતા, મહેન્દ્રભાઈ રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતાના ભાઈઓ ચેતન, પ્રદીપ અને કાકાના દીકરા સતીષભાઈને સાથે રાખી વાલજીભાઈના ઘરે સોહમનગર સોસાયટી શેરી નં. ૩ ખાતે પૈસા આપવા માટે નીકળ્યા હતા.
મહેન્દ્રભાઈ અને તેના ભાઈઓ જેવા ઘર પાસે પહોંચ્યા તે વખતે જ બહાર ઉભેલા કાકા વાલજીભાઈ, તેનો દીકરો કલ્પેશ અને કૌટુંબિક ભાઈ રાહુલએ તું સવારનો કેમ બહાના બતાવે છે?ૅ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને અચાનક બાજુમાં પડેલો લાકડાનો ડંડાથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.
સામા પક્ષને કલ્પેશભાઇ વાલજીભાઇ સાગઠીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી મહેન્દ્રભાઇ, ચેતનભાઇ, પ્રદીપભાઇ અને સતિષભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. કલ્પેશભાઇ છુટક મજૂરી કરે છે તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતા વાલજીભાઇએ સેકન્ડ હેન્ડ ટ્રક લઇ મારા કુટુંબી કાકા અશોકભાઇના દિકરા મહેન્દ્રભાઇને ટ્રક વાપરવા આપ્યો હતો. મારા માતા મંજુબેને મહેન્દ્રભાઇને ફોન કરી ટ્રકની લોન ભરપાઇ કરી દેવાનું કહેતાં બોલાચાલી થયા બાદ મહેન્દ્રભાઇ સહિતે અમારા ઘરે આવી છરીથી હુમલો કરી મને પીઠ, માથા પાછળ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને બનાવમાં બી-ડિવીઝનના હેડકોન્સ.વાય. એન. મકવાણાએ ગુના દાખલ કર્યા હતાં.
(2:59 PM IST)










