<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જન્‍મ-મરણ વિભાગમાં ફરી ધમાલઃ કામગીરી અટકીઃ મેયર દોડયા

નેહલ શુકલાએ અરજદારોને તકલીફ ન પડે તે માટે વિજીલન્‍સ, સેક્રેટરી બ્રાન્‍ચ તથા વિભાગના અધિકારીઓને આપી સૂચના

રાજકોટઃ મનપાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી સર્વરના ધાંધીયા યથાવત છે. ત્‍યારે આજે સીઆરએસ પોર્ટલમાં ટેકનીકલ ખામી સર્જાતા કામગીરી બંધ હોવાનું તંત્રએ બોર્ડ મારવું પડયું હતું. જોકે સવારથી ટોકન લઇને કલાકોથી લાઇનમાં ઉભેલા નાગરિકો સીધા મેયર નેહલ શુકલને રજૂઆત કરવા પહોંચ્‍યા હતા. મેયર પણ લોકોને પડી રહેલ હાલાકીને સમજી જન્‍મ-મરણ વિભાગમાં પહોંચી અધિકારીઓ સાથે આખી ઘટનાનો તાગ મેળવી આજે આવેલ લોકોને નવી તારીખ અને સમય ફાળવી સમસ્‍યાનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.મેયરે આ અંગે જણાવેલ કે, સર્વર ડાઉન છે તેથી આ સમસ્‍યા સર્જાઇ છે, તેમ છતા લોકોને ઓછામાં ઓછી મુશ્‍કેલી પડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત રાજય સરકારના મંત્રી તેમજ કેન્‍દ્ર સરકારમાં પણ આ અંગે જાણ કરી છે. આ પ્રશ્ન  રાજકોટનો નથી  પણ સમગ્ર રાજયનો છે. પરંતુ લોકોને તાત્‍કાલીક સમસ્‍યા હલ થાય તેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહયા છે. લોકોને પણ સહકાર આપવા મેયરે અપીલ કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:49 PM IST)