<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કેન્‍સરથી પતિનું મૃત્‍યુ થયાના ત્રીજા જ દિવસે વિધવા સોનલબેન જાગાણીનું ધોરાજીના સાસરિયાઓએ ધરાર મુંડન કરી નાંખ્‍યું!

હાલ બે સંતાન સાથે રાજકોટ માયાણીનગરમાં રહેતાં મહિલાની ફરિયાદથી ચકચારઃ પતિની મિલ્‍કતો,સ્ત્રીધન પણ સાસરીયા ઓળવી ગયાનો ફરિયાદમાં આરોપ ટેકનોલોજી અને એઆઇના યુગમાં કુરિવાજોના નામે ગુજારાયો અત્‍યાચારઃ ધોરાજી રહેતાં સાસુ જયાબેન જાગાણી, સસરા ભાદાભાઇ જાગાણી, જેતપુર રહેતી નણંદ નિમીષાબેન પાદરીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ થયોઃ મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવીઃ નણંદ-સાસુએ તારે માથાનું મુંડન કરાવવું જ પડશે, જો નહિ કરે તો તારા પતિની આત્‍માને શાંતિ નહિ મળે તેમ કહી બળજબરીથી બધા વાળ કાપી નાંખ્‍યા : મારા પતિને કેન્‍સર હતું છતાં ભુવા-દોરા-ધાગામાં વધુ માનતાં મારા સાસુએ ભુવાના કહેવાથી તબિબી સારવાર બંધ કરાવી દીધી હતીઃ સોનલબેનનું આક્રંદ : સાસુએ મેણા મારી કહ્યું-તારા કારણે જ મારો દિકરો મરી ગયો, તું અપશુકનીયાળ છો, તારું હવે કંઇ કામ નથી તું માવતરે જતી રહે

આઠ મહિના પહેલા સોનલબેનના પતિનું અવસાન થયું તેના ત્રીજા જ દિવસે તેમનું ધરાર મુંડન કરાયું હતું તે ફોટો અને હાલ અશ્રુ સાથે વિગતો વર્ણવતા સોનલબેન ચંદ્રેશભાઇ જાગાણી નજરે પડે છે

રાજકોટ તા. ૯: આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને કુરિવાજોના નામેસ્ત્રીઓ પર ગુજારવામાં આવતા અત્‍યાચારનો  એક ખળભળાટ મચાવતો કમકમાટીભર્યો કિસ્‍સો રાજકોટ શહેરમાં સામે આવ્‍યો છે.  હાલ રાજકોટમાં માવતરે રહેતી વિધવાએ ધોરાજી રહેતાં સાસુ, સસરા, નણંદ વિરૂધ્‍ધ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેન્‍સરથી પતિનું મૃત્‍યુ થતાં સાસુ-નણંદ ેતારા કારણે જ તારા પતિનું મોત થયું છે, તું અપશુકનીયાળ છો એવા મેણા માર્યા હતાં અને નણંદે તારે હવે મુંડન કરાવવું જ પડશે નહિતર તારા પતિની આત્‍માને શાંતિ નહિ મળે તેમ કહી બળજબરીથી તેણીનું મુંડન કરાવી નાંખ્‍યું હતું. આ ઉપરાંત તેણીના પતિના મૃત્‍યુને એક મહિનો જ થયો હતો ત્‍યાં તેણીને કાઢી મુકાઇ હતી અનેસ્ત્રીધન, પતિની મિલ્‍કો પણ ઓળવી જવાઇ હોવાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા હાલ માયણીનગર-૪, માયાણી ચોક, સહજાનંદ ખાતે માવતરના ઘરે રહેતાં સોનલબેન ચંદ્રેશભાઇ જાગાણી (ઉ.વ.૩૬) નામના વિધવા મહિલાની ફરિયાદને આધારે ધોરાજી રહેતાં તેણીના સાસુ જયાબેન ભાદાભાઇ જાગાણી, સસરા ભાદાભાઇ જાગાભાઇ જાગાણી અને નણંદ જેતપુર રહેતી નિમીષાબેન રાજેશભાઇ પાદરીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  પોલીસ મથકે નોંધાયેલી ચોંકાવનારી ફરિયાદ મુજબ હાલ પિતાના ઘરે રહેતી ૩૬ વર્ષીય સોનલબેનના લગ્ન વર્ષ ૨૦૧૪માં જેતપુરના કોટડીયા વાડી ખાતે રહેતા ભાદાભાઈ જાગાણીના પુત્ર ચંદ્રેશકુમાર સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતના ત્રણ વર્ષ તેઓ સંયુક્‍ત પરિવારમાં રહ્યા હતા. આ દરમિયાન સોનલબેનને ત્‍યાં દીકરાનો જન્‍મ થયો હતો. જો કે સોનલબેનના સાસુ જયાબેન અને નણંદ નિમીષાબેન અવારનવાર પતિ ચંદ્રેશકુમારની કાનભંભેરણી કરતા હોવાથી પતિ સોનલબેન સાથે ઝઘડો કરતાં હતાં.

રોજેરોજના ઝઘડાથી કંટાળીને સસરા ભાદાભાઈએ દીકરા-વહુને અલગ રહેવા કહી દેતા તેઓ નવાગઢ જકાતનાકા પાસે ઇમ્‍પિરીયલ હાઇટ્‍સમાં ભાડે રહેવા ચાલ્‍યા ગયા હતા અને વર્ષ ૨૦૨૦માં ત્‍યાં જ પોતાનું મકાન ખરીદ્યું હતું. આ દરમિયાન સોનલબેનને ત્‍યાં વર્ષ ૨૦૨૨માં દીકરી કુમકુમનો જન્‍મ થયો હતો. અલગ રહેવા છતાં સાસુ અને નણંદની ઘરની બાબતોમાં દખલગીરી બંધ થઈ નહોતી. નણંદ નિમીષાબેનના ઇશારે જ ઘરમાં બધું થતું હતું. વધુમાં સાસુ જયાબેન ભુવા-ભારાડી અને દોરા-ધાગામાં ભારે શ્રદ્ધા ધરાવતા હોવાથી તેઓ અવારનવાર ઘરમાં જુદા-જુદા ભુવાઓને બોલાવતા હતા, જેનો સોનલબેન વિરોધ કરતા હોવાથી ત્રાસ વધતો ગયો હતો.

ત્‍યારબાદ વર્ષ ૨૦૨૩માં સોનલબેનના પતિ ચંદ્રેશકુમારને આંતરડાનું કેન્‍સર હોવાનો રિપોર્ટ આવ્‍યો હતો. ચંદ્રેશકુમારે પોતાની સારવારનો તમામ ખર્ચ જાતે ઉઠાવી રાજકોટની સેંચ્‍યુરી કેન્‍સર હોસ્‍પિટલ અને જાયડસ હોસ્‍પિટલ ખાતે ઓપરેશન કરાવ્‍યું હતું. પતિની સારવાર ચાલુ હતી તે દરમિયાન સાસુ જયાબેને અંધશ્રદ્ધાની હદ વટાવી દીધી હતી. તેમણે કોઈ ભુવાના કહેવાથી દીકરાની કેન્‍સરની તબીબી સારવાર બંધ કરાવી દીધી હતી. સોનલબેને આ બાબતે ભારે વિરોધ કર્યો હોવા છતાં સાસરિયાઓએ તેમનું એક પણ માલુમ નહોતું રાખ્‍યું. આખરે તબિયત વધુ લથડતા અને અંધશ્રદ્ધાના ખપ્‍પરમાં હોમાઈ જવાથી ગત તારીખ ૧૨/૧૧/૨૦૨૫ના રોજ પતિ ચંદ્રેશકુમારનું અવસાન થયું હતું.

પતિના અવસાન બાદ સાસુ જયાબેન અને નણંદ નિમીષાબેને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. પતિના મળત્‍યુના ત્રીજા જ દિવસે એટલે કે તા. ૧૪/૧૧/૨૦૨૫ના રોજ સાસુ અને નણંદે સોનલબેન પર દબાણ કર્યું હતું ક-તારે માથાનું મુંડન કરાવવું જ પડશે, જો તું મુંડન નહીં કરાવે તો તારા પતિની આત્‍માને શાંતિ નહીં મળે! સોનલબેનની ઈચ્‍છા ન હોવા છતાં આ કુરિવાજના નામે બળજબરીપૂર્વક તેમના માથાના બધા જ વાળ કાપી નાખીને મુંડન કરાવી નાખવામાં આવ્‍યું હતું. આ અમાનવીય બનાવના ૮ મહિના બાદ હાલ માથામાં થોડા વાળ આવતા પીડિતાએ પુરાવા તરીકે પોતાનો વર્તમાન ફોટો પણ પોલીસને સોંપ્‍યો છે.

સોનલબેને ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૨૫માં પતિએ લસણના ધંધા માટે રૂ. ૧૭ લાખની જરૂરિયાત હોવાનું કહેતા સોનલબેનનાં સોનાના દાગીના જે સાસુ પાસે રહેતા હતા તે ફાઇનાન્‍સ કંપની અને બેંકમાં ગિરવે મુકી રૂ. ૧૫ લાખ લોન લીધી હતી. બાકી ખૂટતા રૂ. ૩ લાખ સોનલબેને પિયરમાંથી મંગાવ્‍યા હતા. સોનલબેનના ભાઈ ધવલભાઈ માંડવીયાએ મે-૨૦૨૫માં અલગ-અલગ તારીખે જી-પે દ્વારા કુલ રૂ. ૩,૦૦,૦૦૦ ચંદ્રેશકુમારની પેઢીના ખાતામાં ટ્રાન્‍સફર કર્યા હતા, જેનાથી લસણ ખરીદીને ગોડાઉનમાં રખાયું હતું. પતિના અવસાન બાદ સસરા ભાદાભાઈએ વહુને એક પણ રૂપિયો આપ્‍યા વગર પિયરના પૈસાથી ખરીદેલુ આ તમામ લસણ વેચીને રોકડી કરી લીધી હતી તેવો ફરિયાદમાં આરોપ મુકાયો છે. તેમજ આગળ જણાવાયું છે કે પતિના મરણના બીજા જ દિવસે નણંદના દીકરાએ ચંદ્રેશકુમારના પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી કટકે-કટકે આશરે રૂ. ૧.૫૦ લાખ ઉપાડી લીધા હતા અને એટીએમનો પિનકોડ પણ બદલી નાખ્‍યો હતો.

પતિના અવસાનના એક જ મહિના બાદ સાસુ જયાબેને સોનલબેનને મેણાં મારવાનું શરૂ કર્યું હતું કે-તારા કારણે જ મારો દીકરો મરી ગયો છે, તું અપશુકનિયાળ છો, તારું અહીં કોઈ કામ નથી. તેમ કહી ૧૧ વર્ષના દીકરા માન અને ૪ વર્ષની દીકરી કુમકુમ સાથે સોનલબેનને સાસરીયામાંથી હાંકી કાઢવામાં આવ્‍યા હતા. છેલ્લા છ મહિનાથી સોનલબેન રાજકોટ ખાતે પિયરમાં આશરો લઈને બેઠા છે. સાસરિયાઓએ પતિનું કારખાનુ-ઁશિવ હેન્‍ડ ફિનિશિંગ, એક્‍ટિવા સ્‍કૂટર જીજે૦૩એનજે-૨૬૭૩), વોલ્‍ક્‍સવેગન કાર જીજે૦૩એચઆર-૩૮૨૬ તેમજ તમામ બેંકના કાગળો અને મિલકત પડાવી લીધી છે અને વિધવા સોનલબેન કે તેમના માસુમ બાળકોને હક્ક-હિસ્‍સો આપવાનો ઈનકાર કરી દીધો છે.

બે બાળકોના ઉછેર અને ભવિષ્‍યની ચિંતા વચ્‍ચે આખરે ભોગ બનનાર સોનલબેન જાગાણીએ તેમના ભાઈ ધવલભાઈ સાથે પોલીસ સ્‍ટેશને પહોંચી ન્‍યાયની માંગણી કરતાં પીએસઆઇ બી. આર. પલ્લાચરીયાએ સાસુ, સસરા, નણંદ વિરૂધ્‍ધ  શારીરિક-માનસિક ત્રાસ આપવા,સ્ત્રીધન અને મિલકત પચાવી પાડવા તેમજ બળજબરીપુર્વક અમાનવીય કળત્‍ય આચરવા અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સર્વત્ર ચકચાર મચાવી દીધી છે.

(2:16 PM IST)