તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
સંત કબીર રોડના વેપારી સન્નીભાઇ અઢીયાના ૨૦ કિલો ચાંદીના દાગીના રાજસ્થાની વેપારી ખાઇ ગયો
વિશ્વાસ કેળવી ચાંદીના પાયલ મંગાવી લીધા અને રૂપિયા ન મોકલ્યાઃ વેપારી રાજસ્થાન તપાસ કરવા જતાં તેની દુકાનને તાળા લટકતા દેખાયાઃ કરણસિંહ સામે બી-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૯: શહેરના સામા કાંઠાના ચાંદીના વેપારી સાથે રાજસ્થાની વેપારીએ વિશ્વાસ કેળવી ૨૦.૫૮૬ કિલો ચાંદીની ઠગાઇ કરી છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર બ્રાહ્મણીયાપરા-૪માં રહેતાં સન્નીભાઇ અશોકભાઇ ગઢીયા (ઉ.વ.૨૯) નામના યુવા વેપારીની ફરિયાદ પરથી મુળ રાજસ્થાનના ઉદેપુરના લાલબોટ શગુન વિહારમાં રહેતા કરણસિંહ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ સન્નીભાઇ પોતાની ૩૦ વર્ષ જૂની કૌટુંબિક પેઢી શ્રી ખોડિયાર ઓરનામેન્ટ્સ ચલાવે છે. આ પેઢી તેમના માતા ભાવનાબેનના નામે રજીસ્ટર થયેલી છે. ગત જૂન-જુલાઈ ૨૦૨૫ દરમિયાન તેમની સાથે અગાઉ જોબવર્કનું કામ કરતા રણછોડનગરના વેપારી હસુભાઈ પાંભર ઉદયપુરના એક સોની વેપારીને લઈને આવ્યા હતાં. હસુભાઈ સાથે આવેલા આ શખ્સે પોતાની ઓળખ કરણસિંહ (રામેશ્વર જ્વેલર્સ, રહે. ૧૪૪, શગુન વિહાર, બેડલા પાસે, લાલબોટ, ઉદયપુર, રાજસ્થાન)તરીકે આપી હતી. કરણસિંહે રાજકોટની અન્ય નામાંકિત સિલ્વર પેઢીઓના નામ આપી પોતે મોટો વેપારી હોવાનો દાવો કર્યો હતો. તેણે સન્નીભાઈને ડાયરેક્ટ મેન્યુફેક્ચરર તરીકે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ૩૦ કિલોગ્રામ અલગ-અલગ ડિઝાઈનના ચાંદીના ફેન્સી પાયલ બનાવવાનો મૌખિક ઓર્ડર આપ્યો હતો.
આ પછી સન્નીભાઈએ ચાંદી એડવાન્સ માંગતા તેણે ગલ્લાતલ્લા કર્યા હતા, જેથી સન્નીભાઈએ પોતાની સગવડ મુજબ ૨૦.૫૮૬ કિલોગ્રામ પાયલ તૈયાર કર્યા હતા. ઓર્ડર તૈયાર થઈ જતાં સન્નીભાઈએ કરણસિંહ પાસે તેની પેઢીની વિગતો મંગાવી હતી. કરણસિંહે તેના વોટ્સએપ પર રામેશ્વર જ્વેલર્સ રાજસ્થાનનો ફોટો મોકલ્યો હતો. આ વિગતોના આધારે સન્નીભાઈએ તા. ૧૦/૦૭/૨૦૨૫ના રોજ જીએસટી બિલ બનાવી રાજકોટ બ્રાહ્મણીયાપરા ખાતે આવેલી નિલકંઠ આંગણીયા પેઢી મારફતે ૫૪.૪૯ ટકા ટચનો કુલ ૨૦.૫૮૬ કિલોગ્રામ ચાંદીનો માલ મોકલી આપ્યો હતો. કરણસિંહે માલ મળી ગયાની પુષ્ટિ પણ વોટ્સએપ મેસેજ દ્વારા કરી હતી. બંને વેપારીઓ વચ્ચે થયેલી મૌખિક શરત મુજબ આ ચાંદી કામની મજૂરી સહિત ૬૦.૪૯ ટકા ટચ મુજબ માલની ગણતરી કરવાની હતી. જે મુજબ ૨૦.૫૮૬ કિલો પાયલની સામે કરણસિંહે એક અઠવાડિયાની અંદર સન્નીભાઈને ૧૨.૪૫૩ કિલોગ્રામ ચોખ્ખું ચાંદી અથવા તેની રોકડ રકમ ચૂકવવાની હતી. એક અઠવાડિયું વીતી જવા છતાં ચાંદી ન આવતા સન્નીભાઈએ ફોન કર્યો ત્યારે કરણસિંહે-પાર્ટી પાસેથી પેમેન્ટ આવે એટલે મોકલી આપુ તેમ કહી બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. માર્ચ ૨૦૨૬ સુધી વાયદાઓ કર્યા બાદ કરણસિંહે સન્નીભાઈનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. સતત ફોન બંધ આવતા અને શંકા જતા જાન્યુઆરી ૨૦૨૬ માં સન્નીભાઈ રૂબરૂ કરણસિંહની પેઢીએ ઉદયપુર (રાજસ્થાન) ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતા રામેશ્વર જ્વેલર્સ નામની દુકાનને તાળાં લટકેલા હતા. આજુબાજુના દુકાનદારો અને વેપારીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પેઢી છેલ્લા બે-ત્રણ મહિનાથી રાતોરાત બંધ કરીને સંકેલી લેવામાં આવી છે. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા સન્નીભાઈ રાજકોટ પરત ફર્યા હતા. બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:04 PM IST)










