તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
આવતા સપ્તાહે મનપાના ખાસ બોર્ડની શકયતાઃ ૧પ સમિતિઓમાં નિમણુંક
ટીપી, ફાયર અને બાંધકામ સમિતિના ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ : સંગઠન દ્વારા સૂચવાયેલા નામોમાં ફેરફારની ચર્ચા : કમીટી ચેરમેનની નિયુકતીમાં મહિલાને પ્રાધન્ય

રાજકોટ,તા.૯ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મુખ્ય પદાધિકારીઓની નિમણૂકને લગભગ પખવાડિયું વીતી ગયું હોવા છતાં હજુ સુધી વિવિધ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી નથી. હવે આવતા સપ્તાહે ખાસ બોર્ડ બેઠક બોલાવી ૧૫ સમિતિઓની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠક દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ સંભવિત સમિતિ ચેરમેનોના નામો પ્રદેશ નેતળત્વ સમક્ષ રજૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ (ટીપી) સમિતિ, ફાયર સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન પદ માટે સૌથી વધુ દાવેદારી નોંધાઈ છે. ફાયર સમિતિ માટે આશરે ૧૧ જેટલા કોર્પોરેટરો ઇચ્છુક હોવાનું અને તેમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ટીપી સમિતિ માટે પણ અનેક દાવેદારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતના કારણે આ વખતે સમિતિઓના ચેરમેન પદે મહિલાઓને વિશેષ પ્રાધાન્ય મળે તેવી શકયતા છે. અંદાજે છથી સાત સમિતિઓના નેતળત્વની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી શકે છે. ફાયર સમિતિ જેવા મહત્વપૂર્ણ પદ માટે પણ મહિલા ચેરમેનની પસંદગી થાય તેવી ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠન દ્વારા તૈયાર કરાયેલા કેટલાક નામો અંગે કોર્પોરેશનના નવા નેતળત્વમાં સંપૂર્ણ સહમતિ નથી. સમિતિઓના ચેરમેન અને પદાધિકારીઓએ આગામી અઢી વર્ષ સુધી સાથે મળીને કામગીરી કરવાની હોવાથી અંતિમ યાદીમાં કેટલાક ફેરફારો થવાની શકયતા નકારી શકાય તેમ નથી.
દરેક સમિતિમાં પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવશે અને યાદીમાં પ્રથમ ક્રમે સમાવિષ્ટ સભ્યને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવશે. બોર્ડ બેઠકમાં સમિતિઓની રચના થયા બાદ બીજા દિવસથી નવા ચેરમેનો સત્તાવાર રીતે ચાર્જ સંભાળે તેવી સંભાવના છે.
બીજી તરફ, મુખ્ય પદાધિકારીઓની પસંદગી દરમિયાન અંતિમ તબક્કા સુધી ચર્ચામાં રહેલા પરંતુ સ્થાન ન મેળવનાર કેટલાક કોર્પોરેટરોએ પ્રથમ અઢી વર્ષની ટર્મ દરમિયાન સમિતિના ચેરમેન પદની જવાબદારી ન લેવા અંગેની ઇચ્છા પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે સમિતિઓની અંતિમ રચનાને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી છે.
(3:41 PM IST)










