તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
મવડી ગોલ્ડ હાઇટ્સના કેટરર્સ સંચાલકે મિત્રને ભાડે આપેલા બેંક ખાતામાં ૩.૯ કરોડના ટ્રાન્જેક્શન
દેશવ્યાપી સાયબર ફ્રોડઃકેરળ, કર્ણાટક, મુંબઇ, તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, પヘમિ બંગાળ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી સાયબર ફ્રોડની રકમ જમા થઇ હતીઃ પેરીસકુમારને મિત્ર અમદાવાદના કૃણાલે ૨થી ૩ ટકા વળતરની લાલચ આપી હતીઃ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર દ્વારા સંચાલિત સમન્વય પોર્ટલ પરથી મળેલી મહત્વની વિગતોના આધારે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટા દેશવ્યાપી સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મવડીના કેટરર્સના ધંધાર્થીના બેં એકાઉન્ટમાં રૂા.૩ કરોડથી વધુની સાયબર ફ્રોડની રકમ જમા થયાનું અને આ નાણા સગેવગે થઇ ગયાનું ખુલ્યું છે. કેટરર્સ સંચાલક સાથે અમદવાદ સ્થિત તેનો મિત્ર પણ સામેલ હોઇ બંને સામે શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેટરર્સ સંચાલકે પોતાના જુના ભાગીદારની જાણ બહાર એકાઉન્ટ ખોલી ૨થી ૩ ટકા વળતરની લાલચે અમદાવાદી મિત્રને આપી દીધુ હતું.
સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે સાયબર ક્રાઇમના હેડકોન્સ. હર્ષરાજસિંહ એસ. જાડેજાની ફરિયાદ પરથી મવડી અંબીકા ટાઉનશીપની સામે ગોલ્ડ હાઇટ્સ-૩૦૧માં રહેતાં કેટરર્સ સંચાલક પેરીસકુમાર જેન્તીભાઇ શીશાંગીયા (ઉ.વ.૪૪) અને અમદાવાદ રહેતાં તેના મિત્ર કૃણાલ નગીનભાઇ ગોંડલીયા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. આ બંને સામે ચોરીના, સાયબર ફ્રોડના નાણા હોવાનું જાણવા છતાં રૂા. ૩,૦૯,૮૩,૦૭૭ રૂપિયા એકાઉન્ટમાં મેળવી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી આર્થિક લાભ મેળવ્યાનો ગુનો દાખલ થયો છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક્સિસ બેંકના ખાતા નંબર ૯૨૫૦૨૦૦૧૦૫૩૨૨૬ની વિગતો સામે આવી હતી. આ બેંક ખાત સેફ્રોન ફૂડ્સ પ્રોડક્ટ્સ નામની પેઢીના નામે ખુલેલું હતું, જેના માલિક પેરીસકુમાર જેન્તીભાઈ શીશાંગીયા હોવાનું ખુલ્યું છે. આ પેઢી તેમણે વર્ષ ૨૦૨૦માં તેમના મિત્ર સાગરભાઈ ગિરીશભાઈ તલાવીયા સાથે ભાગીદારીમાં શરૂ કરી હતી, પરંતુ બાદમાં આર્થિક નુકસાનીના કારણે જુલાઈ-૨૦૨૫માં સાગરભાઈ છૂટા થઈ ગયા હતા.
નાણાકીય જરૂરિયાત હોવાના કારણે પેરીસકુમારે આ બેંક ખાતું ગાંધીનગર ખાતે રહેતા તેમના મિત્ર કુણાલભાઈ નગીનભાઈ ગોંડલીયાને વાપરવા માટે આપ્યું હતું. કુણાલભાઈએ ઇન્ટરનેટ બેંકિંગના આઈ.ડી. અને પાસવર્ડ મેળવીને, પેરીસકુમારને દરેક ટ્રાન્ઝેક્શન દીઠ ૨ થી ૩ ટકા કમિશન-વળતર આપવાની લાલચ આપી હતી. આ કમિશન મેળવવાની લાલચમાં જ આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસે આ એક્સિસ બેંક ખાતાની નેશનલ સાયબર ક્રાઈમ રિર્પોટિંગ પોર્ટલની અરજીઓ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ખાતામાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દસ્તાવેજો અનુસાર, આ ખાતામાં કુલ રૂ. ૩,૦૯,૮૩,૦૭૭.૨૧ (ત્રણ કરોડ નવ લાખ) જમા થયા હોવાનું સામે આવ્યું છે.
વિવિધ રાજ્યોમાંથી જમા થયેલી મુખ્ય રકમોની વિગત જોઇએ તો કેરળ અલાપ્પુઝાથી રૂ. ૫,૦૦,૦૦૬, કોટ્ટાયમથી રૂ. ૧,૦૦,૦૦૦, અને કોલ્લમ રૂરલથી રૂ. ૪,૯૯,૯૯૨, કણાટક બેંગ્લોર સિટીથી રૂ. ૬,૩૨,૦૦૫, મહારાષ્ટ્ર બળહન મુંબઈ સાયબર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૧૦,૦૦,૦૦૬, પિંપરી-ચિંચવડથી રૂ. ૧,૦૦,૦૩૦, અને થાણે સિટીમાંથી રૂ. ૩,૯૪,૦૦૧, તમિલનાડુ ચેન્ગલપત્તુથી રૂ. ૫,૦૦,૦૦૩, ચેન્નાઈથી રૂ. ૩,૦૦,૦૦૦, અને સેન્ટ થોમસ માઉન્ટથી રૂ. ૪,૦૦,૦૦૦, તેલંગાણા સાયબરાબાદ સાયબર ક્રાઈમથી રૂ. ૭,૦૦,૦૦૦, ગુજરાત-વડોદરા સિટીમાંથી રૂ. ૫,૦૦,૦૦૯, ભરૂચથી રૂ. ૩,૯૯,૯૯૭, અને સુરત સિટીમાંથી રૂ. ૨,૫૦,૦૦૦ આ ખાતામાં ફ્રોડ રૂપે જમા થયા હતા.
આ સિવાય પヘમિ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ગોવા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની સાયબર ફ્રોડની રકમ પણ આ જ ખાતામાં ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડ આર્થિક લાભ મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરૂં રચીને આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હષરાજસિંહ જાડેજા અને આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે. કે. ઝાલાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પેરીસકુમાર જેન્તીભાઈ શીશાંગીયા અને કુણાલ નગીનભાઈ ગોંડલીયા વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૮ (૨) અને ૬૧ (૨) મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
(2:51 PM IST)










