તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
માતાજીના માંડવા માટે ૧ાા લાખ ઉછીના લીધા, તેની સામે મિત્રએ ૨૦.૭૩ લાખ વ્યાજ વસુલી વધુ ૧૬ાા લાખની ઉઘરાણી કરી!
લીલી સાજડીયાળીમાં માંડવો કર્યો તેમાં ૪ાા લાખનો ખર્ચ થયોઃ દોઢ લાખ ઘટતાં ઉછીના લીધા અને કારખાનેદાર યુવાન ફસાઇ ગયો : કોઠારીયા રોડ ખોડિયાર સોસાયટીમાં રહેતાં કારખાનેદાર કલ્પેશભાઇ હીરપરાની ફરિયાદ પરથી તેના મિત્ર રાજેશ કોટડીયા અને સાથેના મનોજસિંહ ગોહિલ તથા દર્ષણ પાનસુરીયા વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઠારીયા રોડ નંદા હોલ પાછળ ખોડીયાર સોસાયટીમાં રહેતાં અને કારખાનમાં મજુરી કરી ગુજરાન ચલાવતાં યુવાને માતાજીનો માંડવો કરવા માટે ગયા વર્ષે રૂા. ૧ાા લાખ ઉછીના લીધા બાદ આ રકમ વ્યાજે આપી છે તેવુ કહી તેની પાસેથી વ્યાજની ઉઘરાણી કરવામાં આવતાં તેણે કટકે કટકે ૧ાા લાખ સામે ૨૦ લાખ ૭૩ હજાર ચુકવી દીધા હોવા છતાં હજુ પણ તેની પાસે ૧૬ લાખની પઠાણી ઉઘરાણી કરી ગાળો ભાંડી નોટરી પાસે લખાણ કરાવડાવી વ્યાજની સતત ઉઘરાણી કરતાં કંટાળીને આ યુવાને પોતાના જ મિત્ર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે ખોડીયાર સોસાયટી-૪માં રહેતાં કલ્પેશભાઇ સુરેશભાઇ હીરપરા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં તેના મિત્ર રાજેશ મનસુખભાઇ કોટડીયા તથા અન્ય બે શખ્સો મનોજસિંહ ગોહિલ અને દર્પણ હરસુખભાઇ પાનસુરીયા વિરૂધ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કલ્પેશભાઇ જય બજરંગ ઇન્ડસ્ટ્રીઝ નામે ઓટો પાર્ટ્સનું કારખાનું ચલાવે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૫માં તેમણે પોતાના વતન લીલી સાજડીયાળી ગામે માતાજીનો માંડવો રાખેલ હાઇ જેમાં રૂ. ૪,૫૦,૦૦૦ નો ખર્ચ થયો હતો. તે વખતે તેમની પાસે રૂ. ૧,૫૦,૦૦૦ ખુટતા હોવાથી તેમણે પોતાના મિત્ર રાજેશ મનસુખભાઈ કોટડીયા (રહે. મવડી ચોકડી, ઓમ નગર સર્કલ પાસે) પાસેથી હાથઉછીના લીધા હતા. જે તે વખતે રાજેશે પોતે આ રકમ ઉછીની આપે છે તેવુ કહ્યું હતું.
પરંતુ બીજા જ દિવસે રાજેશ કોટડીયાએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી કહ્યું હતું કે તને માતાજીના માંડવા માટે આપેલા રોકડા રૂપિયા મારે પાછા જોઇએ છે. આથી તેણે હાલમાં તત્કાલ રૂપિયાની વ્યવસ્થા નહિ થાય તેમ કહેતાં રાજેશે કહેલું કે હું તને ક્યાંકથી વ્યાજબી રૂપિયા ભેગા કરાવી દઇશ. આ પછી રાજેશે ક્યાંકથી રૂપિયા લઇ પોતે રાખી લીધા હતાં અને અલ્પેશભાઈને ડરાવી દર અઠવાડિયે રૂ. ૧૦,૦૦૦ વ્યાજ પેટે વસુલવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બળજબરીપુર્વક ઊંચા વ્યાજ દર વસુલીને તા. ૨૨/૦૪/૨૦૨૫થી તા. ૧૩/૦૪/૨૦૨૬ સુધીમાં ગુગલ પે મારફતે ઓનલાઇન તથા રોકડા મળીને કુલ રૂ. ૨૦,૭૩,૬૦૦ જેટલી માતબર રકમ વ્યાજ પેટે પડાવી લીધી હતી.
આ ઉપરાંત સિકયુરિટી પેટે અલ્પેશભાઈના પિતા તેમજ મિત્રના બેન્ક ઓફ બરોડા અને રાજકોટ ગ્રામીણ બેન્કના કોરા ચેકો પણ લખાવી લીધા હતા. અલ્પેશભાઈએ વ્યાજ આપવાની ના પાડતા રાજેશે પોતાના મનોજસિંહ ગોહીલ સાથે મળીને અલ્પેશભાઈને કોઠારીયા સાઈબાબા સર્કલ તથા તરંગ બાલધા સાહેબની ઓફિસે સમાધાન માટે બોલાવ્યા હતા. ત્યાં રાજેશે અગાઉ કરેલું લખાણ ફાડી નાખ્યું હતું અને સિકયુરિટી પેટે રાખેલા ચેકો પર બળજબરીથી નોટરી કરાવી લઈ અલ્પેશભાઈના ચેકો પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આટલેથી ન અટકતા રાજેશે છેલ્લા ૨૦ દિવસથી અલ્પેશભાઈને સતત ફોન કરી ધમકી આપી છે કે હજુ તારે રૂ. ૧૬,૫૦,૦૦૦ આપવા પડશે, જો રૂપિયા નહીં આપે તો તારુ મકાન વેચાવીને પણ વ્યાજના રૂપિયા વસુલ કરીશ. ત્યારબાદ રાજેશ કોટડીયા વતી તેના મિત્ર દર્પણ હરસુખભાઈ પાનસુરીયાએ રાજકોટ ગ્રામીણ બેન્કના રૂ. ૮,૦૦,૦૦૦ના ચેક રિટર્ન કરાવી નાંખ્યો હતો. તેની સાથે અલ્પેશભાઇને કોઇ વ્યવહાર ન હોવા છતાં તેણે આવું કરતાં તેના પિતા હરસુખભાઇને અલ્પેશભાઇએ ફોન કરતાં તેમણે મારો દિકરો મારા કહ્યામાં નથી તેવુ કહી દીધુ હતું.
માતાજીના માંડવાના આયોજન બાદ ઘટતાં રૂા. ૧,૫૦,૦૦૦ મિત્ર રાજેશ પાસેથી લેનારા અલ્પેશભાઇ પાસેથી બાદમાં મિત્રએ બળજબરીથી વ્યાજ વસુલી ૨૦ લાખ ઉઘરાવી લીધા છતાં હજુ વધુ ૧૬.૫૦ લાખની ઉઘરાણી ચાલુ રાખી ધાકધમકી આપતાં અંતે તેણે પોલીસને જાણ કરી હતી. પીઆઇ એન. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અલ્પેશભાઇએ પોલીસ સમક્ષક બેંક સ્ટેટમેન્ટ, ફોન કોલના રેકોર્ડિંગ પણ રજૂ કર્યા હતાં.
(2:43 PM IST)










