તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
રાજકોટ એસટીને પ નવી વોલ્વો બસ ફાળવાઇ : મેયરના હસ્તે ફલેગ ઓફ કરાયું: વડોદરા-ભુજ રૂટ પર દોડાવાશે
રાજકોટ-બરોડા ભાડુ ૮૦૩ રૂા. : રાજકોટ-ભુજ બસનું ભાડુ રૂા. ૭૧પ જાહેર

રાજકોટ, તા.,૯ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગને વધુ ૦૫ નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે, જેમાંથી ૨ બસ રાજકોટ - બરોડા રૂટ પર અને ૩ બસ રાજકોટ - ભુજ રૂટ પર આજથી દોડાવાનું શરૂ કરાયું હતું.
આ નવીન વોલ્વો બસનો ફ્લેગ ઓફ કાર્યક્રમ આજ રોજ સવારે ૧૧ કલાકે એસ.ટી. બસપોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાયો હતો. મહાનગરપાલિકાના મેયર શ્રી નેહલભાઈ શુકલના હસ્તે આ બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
નવીન વોલ્વો બસ રૂટનું સમયપત્રક અને ભાડું
આ નવી શરૂ થનારી બસ પૈકી રાજકોટ-બરોડા રૂટ પર દરરોજ બે બસ દોડશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૮ કલાકે ઉપડી બપોરે ૨ કલાકે બરોડા પહોંચશે અને બીજી બસ રાજકોટથી સવારે ૧૧ કલાકે ઉપડી સાંજે ૫ કલાકે બરોડા પહોંચશે, જેનું ભાડું રૂપિયા ૮૦૩/- નિયત કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ-ભુજ રૂટ પર દરરોજ ત્રણ બસનું સંચાલન કરાશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૬.૧૫ કલાકે ઉપડી ૧૧.૪૫ કલાકે, બીજી બસ સવારે ૧૧.૩૦ કલાકે ઉપડી સાંજે ૫ કલાકે અને ત્રીજી બસ સાંજે ૪ કલાકે ઉપડી રાત્રે ૯.૩૦ કલાકે ભુજ પહોંચશે, જે તમામ બસનું ભાડું રૂપિયા ૭૧૫ રાખવામાં આવ્યું છે.
આગામી આયોજન અને વર્તમાન સુવિધાઓ
એસ.ટી. નિગમ દ્વારા આગામી ટૂંક સમયમાં રાજકોટ વિભાગને વધુ ૬ નવી એસી બસો ફાળવવામાં આવનાર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી-જામનગર અને દાહોદ રૂટ પર શરૂ કરાશે. નોંધનીય છે કે, હાલ રાજકોટ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર અને નાથદ્વારા રૂટ પર ૧૭ વોલ્વો બસ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ૨૦ એ.સી. લક્ઝરી બસ ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુન્દ્રા તેમજ જૂનાગઢ રૂટ પર અને ૨૦ એ.સી. ઇલેક્ટ્રિક બસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જૂનાગઢ અને જામનગર જેવા વિવિધ રૂટો પર કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, જનતાની માંગણીને માન આપીને ગત અઠવાડિયે જ રાજકોટ વિભાગને ૨ નવી વોલ્વો બસ ફાળવવામાં આવી હતી, જે હાલ રાજકોટ-બરોડા રૂટ પર કાર્યરત છે.
(11:27 AM IST)










