તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
રાજકોટ મનપા તંત્ર એક્શનમાં : ભગતસિંહ ગાર્ડન પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત હાલતમાં : હવે પાણી અને વીજળી જોડાણ કાપવા તૈયારી
ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ વિસ્તારમાં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત તથા ભયગ્રસ્ત હાલતમાં આવેલ છે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત રહેવાસીઓ/આસામીઓને અગાઉ વિવિધ તબક્કે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવેલ છે તેમજ સ્થળ પર ભયગ્રસ્ત મિલકત અંગેના ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવેલ છે.
ક્વાર્ટર્સ અંગે કરવામાં આવેલ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ ઇમારતો માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી હાલતમાં હોવાનું નોંધાયેલ છે. ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેલી છે.
આથી જાહેરજનતા તથા સંબંધિત રહેવાસીઓના ધ્યાનાર્થે જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ભયગ્રસ્ત ક્વાર્ટર્સ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પાણીના જોડાણો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તેમજ વીજ પુરવઠો બંધ કરવા બાબતે સંબંધિત વિભાગને જરૂરી ભલામણ કરવામાં આવનાર છે.
(9:09 PM IST)










