<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રાજકોટના દિવ્‍ય દરબારમાં વિજ્ઞાન પરાજીત અંધશ્રદ્ધાનો વિજય થયો હોવાનો દાવો

બાબા બાગેશ્વર અને આયોજકો સામે ગુન્‍હો દાખલ કરવા વિજ્ઞાન જાથાની માંગ

રાજકોટઃ રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં જૂન તારીખ ૫ થી ૭ દરમિયાન સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કથાના બે દિવસ અને અંતિમ દિવસે યોજાયેલા દિવ્‍ય દરબારમાં માનસિક બીમાર વ્‍યક્‍તિઓની અવૈજ્ઞાનિક સારવાર કરવા બદલ તેમજ રાત્રિના ૧૦ કલાક સુધીની લાઉડસ્‍પીકર અને સભાની મંજૂરીના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ ભારત જન વિજ્ઞાન જાથાએ બાબા બાગેશ્વર ધીરેન્‍દ્ર શાસ્‍ત્રી અને આયોજકો સામે ગુન્‍હો દાખલ કરવાની માંગ કરી છે. હનુમંત કથામાં ભગવાનના ગુણાનુવાદને બદલે હિન્‍દુ રાષ્ટ્ર, લવ જેહાદ અને ચાદર જેવા વિવાદાસ્‍પદ વિષયો પર ઉચ્‍ચારણો કરી લોકોમાં અસમંજસ, અશાંતિ અને પરસ્‍પર વૈમનસ્‍ય ઊભું કરી ભાઈચારામાં ખલેલ પહોંચાડવાનો નિમ્‍ન પ્રયાસ કરાયો હોવાનો જાથાએ એક અખબારી યાદી દ્વારા ખુલ્‍લો આક્ષેપ કર્યો છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્‍યાએ એક  પ્રેસ  વિગ્નપતિમાં જણાવ્‍યું કે, કથાનો મુખ્‍ય ઉદ્દેશ પોતાના આશ્રમ માટે કેન્‍સર હોસ્‍પિટલ અને અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ-ફાળા કરવાનો જોવા મળતો હતો. દરબારમાં ચિઠ્ઠી (પર્ચી) અને નામાવલિનું આયોજન એક પૂર્વનિયોજિત ષડયંત્રનો ભાગ છે અને બોલાવવામાં આવેલા નામો અગાઉથી જ નક્કી હોય તેવું વર્તણૂંક હતું. આયોજકો જો આ નામો, સરનામા અને મોબાઈલ નંબર જાથાને સુપ્રત કરે તો જનસમાજ સામે વધુ સત્‍ય લાવી શકાય તેમ છે.

જાથા એ જણાવ્‍યું છે કે આસ્‍થાના નામે વેપાર કેન્‍દ્ર બનાવી, પર્ચી-મંજૂરી માટે શ્રીફળ લાવવું ફરજિયાત કરી લોકો પર વ્‍યક્‍તિ દીઠ પચાસ રૂપિયાનો ખર્ચ થોપવામાં આવ્‍યો હતો. જાથાએ બાબાને વિજ્ઞાન મંચ પર આવી એક કરોડ રૂપિયાનું ઈનામ જીતી પોતાની વિશ્વસનીયતા સાબિત કરવા પડકાર ફેંક્‍યો હતો, પરંતુ  લોકોને અવળે માર્ગે વાળે છે.

કથાના સમાપને માનસિક દર્દીઓને હનુમાન ચાલીસા બોલાવી ઉપચાર કરવો એ માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન છે. તબીબી સારવારની સલાહ આપવાને બદલે પોતાના આશ્રમે આવવાની શીખ આપી દર્દીઓની પીડામાં વધારો કરવો એ ગુન્‍હો બને છે.  તેઓ લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય એજન્‍ડા મુજબ કામ કરી રહ્યા છે. આ કૃત્‍ય ભારતીય બંધારણના ભાગ-૫એ, ૫૧એ (એચ) નો ભંગ કરે છે તેમજ 'ગુજરાત માનવ બલિ અને અન્‍ય અમાનવીય અનિષ્ઠ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબતનો અધિનિયમ-૨૦૨૪' ની કલમ-૨ અને કલમ-૩ હેઠળ તેમજ બોમ્‍બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ચુકાદા અન્‍વયે ગંભીર ગુન્‍હો બને છે.

વિજ્ઞાન જાથા આ અંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી, અધિક મુખ્‍ય સચિવ, રાજ્‍ય પોલીસ વડા, ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ ડિસ્‍ટ્રીકટ કોર્ટને પત્ર પાઠવી ગુન્‍હો દાખલ કરવા અરજી કરનાર છે.

આ ઝુંબેશમાં જોડાવા ઈચ્‍છતા લોકોએ વિજ્ઞાન જાથાના મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક  કરવા પણ જણાવાયું છે.

(3:46 PM IST)