તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
પુર્વ શિક્ષીકા પર દૂષ્કર્મ આચરનાર મવડીનો ધ્રુવલ દેસાઇને ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધો
ધોરણ-૧૦માં જેની પાસે ભણ્યો હતો તેનો બાર વર્ષ બાદ ફેસબૂકથી સંપર્ક કરી લગ્નની લાલચ આપી ફસાવ્યાનો આરોપ હતોઃ ફરાર હતો ત્યારે વારાણસીમાં ફિનાઇલ પીધાનો વિડીયો વાયરલ થયો હતો દૂષ્કર્મ ઉપરાંત આઇટી એક્ટ હેઠળ પણ અલગથી ગુનો હતોઃ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ રાવલીયા, ચાવડાની ટીમની કામગીરીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૮: શહેરના મવડી વિસ્તારમાં રહેતાં શખ્સે પોતે જેની પાસે ધોરણ-૧૦માં ભણ્યો હતો એ પુર્વ શિક્ષીકા સાથે બાર વર્ષ બાદ સોશિયલ મિડીયાથી પરિચય કેળવી મિત્રતા કરી બાદમાં લગ્નની લાલચ દઇ વિદેશમાં સ્થાયી થવાની વાતો કરી અવાર-નવાર શારીરિક શોષણ કરી લીધાના આરોપ સાથે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાતા તે ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન તેણે ભોગ બનનારના અંગત ફોટાઓ વાયરલ કરી દેતાં અને ઓળખ છત્તી કરી દેતાં અલગથી આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આ બંને ગુનામાં તે ફરાર હતો એ દરમિયાન વારાણસીમાં તેણે ફિનાઇલ પીધાનો વિડીયો પણ વાયરલ થયો હતો. અંતે ગાંધીગ્રામ પોલીસે તેને જામકંડોરણાથી ઝડપી લઇ વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
છેલ્લા અઢી મહિનાથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો આરોપી ધ્રુવલ પંકજભાઇ રવજીભાઇ દેસાઇ (ઉ.વ.૨૮-રહે. મવડી સંસ્કાર સીટી, બી-વિંગ, ફલેટ નં. ૪૦૩) ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હાથમાં આવી ગયો હતો. ફરિયાદ નોંધાવનાર શિક્ષીકાનો આરોપ હતો કે ધોરણ-૧૦માં તેનો વિદ્યાર્થી રહી ચુકેલા ધ્રુવલે ૧૨ વર્ષ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ લગ્ન કરવાની તથા ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન ધંધામાં નુકસાન થયાનું કહી રોકડ રકમ, પીએફ અને સોનાના દાગીના વેચાવી કુલ રૂ.૭ લાખથી વધુની રકમ પણ મેળવી લીધી હતી. બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતાં શિક્ષિકાએ તેની સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધાવ્યો હતો.
આ ઉપરાંત આરોપી સામે અન્ય એક ગુનામાં યુવતીના અંગત ફોટો-વીડિયોનો દુરૂપયોગ કરવા મામલે આઇટી એક્ટ હેઠળ પણ ગુનો ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયો હતો. આ બંને ગુનાઓ નોંધાયા બાદ ધ્રુવલ ફરાર થઇ ગયો હતો. એ દરમિયાન તેણે વારાણસીમાં ફિનાઇલ પી લીધાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. અઢી માસથી ફરાર ધ્રુવલ જામકંડોરણા તરફ આવ્યાની બાતમી એએસઆઇ ચેતનસિંહ ગોહિલ અને હેડકોન્સ. ભવદીપસિંહ ગોહિલ તથા કોન્સ. કોૈશિકભાઇ ડાંગરને મળતાં ધ્રુવલને પકડી લીધો હતો. તેની દૂષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળના ગુનામાં ધરપકડ કરી વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરાવમાં આવી છે. તે વારાણસી તેમજ આસપાસના વિસ્તારમાં અને ક્યારેક સગા સંબંધીઓને ત્યાં જતો રહેતો હોવાનું રટણ કરી રહ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એ. બી. ચાવડા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, પ્રશાંતભાઇ ગજેરા, કોૈશિકભાઇ ડાંગર, હોમગાર્ડ હરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. સાથે ડીસીબીના પીએસઆઇ એ. એન. પરમાર અને કોન્સ. મોહિલરાજસિંહ ગોહિલ પણ જોડાયા હતાં.
(2:59 PM IST)










